<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th March 2026

સેબી દ્વારા ગુજરાતની ખ્યાતનામ ચા કાફે ચેઈન "ટી પોસ્ટ" ઉપરાંત ટ્રાવેલસ્ટેક ટેક અને લર્નફ્લુઅન્સ એજ્યુકેશનના આઈપીઓને મંજૂરી: રેઝ પાવર ઇન્ફ્રા, રાજકોટના અર્જુન જ્વેલર્સ અને મધુર આયર્ન એન્ડ સ્ટીલ સહિત ત્રણ અન્ય કંપનીઓએ ડ્રાફ્ટ પેપર્સ પાછા ખેંચ્યા: ટી પોસ્ટે વિદેશના કાફે કલ્ચરને ભારતીય અને 'દેશી' સંસ્કૃતિ સાથે જોડીને એક અદભુત સફળ બિઝનેસ મોડલ ઊભું કર્યું

રાજકોટના વતની દર્શન દસાણી દ્વારા સ્થાપિત લોકપ્રિય "ટી પોસ્ટ" ૨.૮૫ કરોડ શેરનો આઈપીઓ લાવીને શેરબજારમાંથી જંગી ભંડોળ એકત્ર કરવાની યોજના ધરાવે છે: ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશના ૬૦ થી વધુ શહેરોમાં ટી પોસ્ટના ૨૫૦ કરતા વધુ આઉટલેટ્સ: દર મહિને ૨૫ લાખથી વધુ ચા ના કપ પીરસતી આ કંપની હવે મૂડીબજારમાંથી ભંડોળ એકત્ર કરવા જઈ રહી છે: ટ્રાવેલપ્લસ અને લક્ષ્ય કોચિંગને આઈપીઓ માટે આખરી મંજૂરી

રાજકોટઃ શેરબજારમાં રોકાણકારો માટે નવા આઈપીઓ લાવવાની તૈયારીઓ તેજ બની છે. માર્કેટ રેગ્યુલેટર સેબી (સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા) દ્વારા ત્રણ કંપનીઓના પ્રારંભિક જાહેર ભરણાં (આઈપીઓ) ને લીલી ઝંડી આપવામાં આવી છે, જ્યારે અન્ય ત્રણ કંપનીઓએ પોતાના ડ્રાફ્ટ પેપર્સ પાછા ખેંચી લીધા છે. મંજૂરી મેળવનાર કંપનીઓમાં ગુજરાતની અત્યંત ખ્યાતનામ અને લોકપ્રિય ચા કાફે ચેઈન 'ટી પોસ્ટ', 'ટ્રાવેલસ્ટેક ટેક', અને 'લર્નફ્લુઅન્સ એજ્યુકેશન' નો સમાવેશ થાય છે. સેબી દ્વારા ૧૦ અને ૧૧ માર્ચ ૨૦૨૬ ના રોજ આ અંગેના ઓબ્ઝર્વેશન જારી કરવામાં આવ્યા છે, જેનો અર્થ છે કે આગામી એક વર્ષમાં આ કંપનીઓ રજિસ્ટ્રાર ઓફ કંપનીઝમાં રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ ફાઈલ કરીને આઈપીઓ લાવી શકશે.

 

આ તમામમાં સૌથી વધુ ધ્યાન ખેંચનારી બાબત એ છે કે સેબીએ ગુજરાત અને ખાસ કરીને રાજકોટ-સૌરાષ્ટ્ર સાથે ગાઢ નાતો ધરાવતી 'ટી પોસ્ટ' ના આઈપીઓને મંજૂરી આપી દીધી છે. 

 

'ટી પોસ્ટ' ના પ્રમોટર અને ફાઉન્ડર મૂળ રાજકોટના વતની અને રઘુવંશી પરિવારના શ્રી દર્શનભાઈ દસાણી છે. રાજકોટની વિરાણી સાયન્સ કોલેજમાંથી  ગ્રેજ્યુએશન કરનાર દર્શનભાઈએ વર્ષ ૨૦૧૩ માં રાજકોટથી જ ચા ના આ વિશિષ્ટ કાફેની શરૂઆત કરી હતી, જે આજે ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશના ૬૦ થી વધુ શહેરોમાં ૨૫૦ કરતા વધુ આઉટલેટ્સ ધરાવે છે. 

 

વિદેશના કાફે કલ્ચરને ભારતીય અને 'દેશી' સંસ્કૃતિ સાથે જોડીને તેમણે એક અદભુત બિઝનેસ મોડલ ઊભું કર્યું છે. 'આપણી ચા ની દુકાન' અને 'અ પ્લેસ ટુ ટોક' જેવા કોન્સેપ્ટ સાથે દર મહિને ૨૫ લાખથી વધુ ચા ના કપ પીરસતી આ કંપની હવે મૂડીબજારમાંથી ભંડોળ એકત્ર કરવા જઈ રહી છે. 

 

'ટી પોસ્ટ' નો આઈપીઓ કુલ ૨.૮૫ કરોડ શેરનો રહેશે, જેમાં ૧.૪૨ કરોડથી વધુ નવા ફ્રેશ શેર બહાર પાડવામાં આવશે અને બાકીના ૧.૪૨ કરોડ ઇક્વિટી શેર ઓફર ફોર સેલ (ઓએફએસ) હેઠળ 'ઇન્ડિયા નિવેશ વેન્ચર કેપિટલ ફંડ' દ્વારા વેચવામાં આવશે. 

 

આ ફંડનો ઉપયોગ ટી પોસ્ટ કંપનીના નવા કાફે ખોલવા અને વિસ્તરણ માટે કરવામાં આવશે.

 

આ ઉપરાંત, ગ્લોબલ ફર્મ્સ એક્સેલ, ગોલ્ડમેન સૅક્સ, પેન્થેરા અને ક્વાલકોમ દ્વારા સમર્થિત 'ટ્રાવેલસ્ટેક ટેક' (ટ્રાવેલપ્લસ બ્રાન્ડ) ૨૫૦ કરોડ રૂપિયાના ફ્રેશ શેર અને પ્રમોટર્સ દ્વારા ૨.૬૮ કરોડ શેરના વેચાણ થકી ભંડોળ એકત્ર કરશે. કેરળની કોમર્સ અને ફાઇનાન્સ કોચિંગ પૂરી પાડતી કંપની 'લર્નફ્લુઅન્સ એજ્યુકેશન' (લક્ષ્ય એલએમએસ) પણ ૨૪૬ કરોડ રૂપિયાના નવા શેર અને પ્રમોટર ઓરવેલ લિયોનેલ દ્વારા ૪૦ લાખ શેરના ઓએફએસ મારફતે ભંડોળ મેળવશે.

 

બીજી તરફ, અન્ય ત્રણ કંપનીઓએ પોતાના આઈપીઓ પ્લાન પડતા મૂકીને પેપર્સ પાછા ખેંચવાનો નિર્ણય લીધો છે. જેમાં ગુરુગ્રામની રિન્યુએબલ એનર્જી પ્રોવાઈડર 'રેઝ પાવર ઇન્ફ્રા' (રૂ. ૧૧૫૦ કરોડ), છત્તીસગઢની 'મધુર આયર્ન એન્ડ સ્ટીલ ઇન્ડિયા' (૧ કરોડ નવા શેર), અને રાજકોટના જ જાણીતા 'અર્જુન જ્વેલર્સ' (રૂ. ૧૮૦ કરોડ) નો સમાવેશ થાય છે.

 

રાજકોટના દર્શનભાઈ દાશાનીની 'ટી પોસ્ટ' કંપનીએ ચા ના દેશી સ્વાદને આધુનિક કાફે કલ્ચરમાં ઢાળીને મેળવેલી આ અભૂતપૂર્વ સિદ્ધિ ગુજરાત માટે ગૌરવ સમાન છે અને શેરબજારના રોકાણકારો પણ આ આઈપીઓની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

(8:46 PM IST)