<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th March 2026

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ગણગણાટ: ૨૭ થી ૩૧ માર્ચ વચ્ચે ગમે ત્યારે થઈ શકે છે જાહેરાત

બે તબક્કામાં મતદાન યોજવાનું ચૂંટણી પંચનું આયોજન; ૩૦ એપ્રિલે મનપા-નગરપાલિકા અને ૩ મેના રોજ પંચાયતોની ચૂંટણી યોજાય તેવી શક્યતા, ૫ મેના રોજ પરિણામની વકી

વિજય વસાણી દ્વારા - ગાંધીનગર:ગુજરાતમાં લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી છે તે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો કાર્યક્રમ હવે અંતિમ તબક્કામાં હોવાનું જાણવા મળી રહ્યું છે. સૂત્રો દ્વારા મળતી વિગત મુજબ, રાજ્ય ચૂંટણી પંચ આગામી ૨૭ થી ૩૧ માર્ચ વચ્ચે ગમે ત્યારે ચૂંટણીની સત્તાવાર જાહેરાત કરી શકે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી ૩૧ માર્ચના રોજ ગુજરાત પ્રવાસે આવવાના હોવાથી, ચૂંટણીની તારીખોની વિધિવત જાહેરાત તેમના પ્રવાસ બાદ થવાની પૂરી શક્યતા છે.

બે તબક્કામાં મતદાનનું સંભવિત આયોજન:
ચૂંટણી પંચ દ્વારા આ વખતે બે તબક્કામાં મતદાન યોજવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. જે મુજબ, પ્રથમ તબક્કામાં ૩૦ એપ્રિલના રોજ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓ માટે મતદાન યોજાઈ શકે છે. ત્યારબાદ બીજા તબક્કામાં ૩ મે ના રોજ તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતો માટે મતદાન યોજવાનું આયોજન છે. આ તમામ ચૂંટણીઓની મતગણતરી એકસાથે ૫ મે ના રોજ હાથ ધરીને તે જ દિવસે પરિણામો જાહેર કરવામાં આવે તેવી સંભાવના છે.

યુદ્ધની સ્થિતિ અને તારીખોમાં ફેરફારની શક્યતા:
જોકે, આ સંભવિત કાર્યક્રમમાં અણધાર્યા ફેરફારો પણ આવી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, જો ખાડી દેશોમાં યુદ્ધની સ્થિતિ વધુ વણસે તો ચૂંટણી કાર્યક્રમમાં એકાદ સપ્તાહનો ફેરફાર કરવામાં આવી શકે છે. હાલમાં વહીવટી તંત્ર અને ચૂંટણી પંચ તમામ પાસાઓને ધ્યાને રાખીને આખરી ઓપ આપી રહ્યા છે. રાજકીય પક્ષો પણ આ સંભવિત જાહેરાતને પગલે સક્રિય થયા છે અને ઉમેદવારોની પસંદગી સહિતની પ્રક્રિયાઓને વેગ આપ્યો છે.

(8:54 PM IST)