News of Monday, 16th March 2026
સાવધાન! 'ટ્રાફિક ચલણ'ના નામે ખાતું ખાલી કરવાની નવી તરકીબ: ICICI બેંકે લાખો ગ્રાહકોને આપી ગંભીર ચેતવણી
પેન્ડિંગ મેમો અને કોર્ટની કાર્યવાહીનો ડર બતાવી સાયબર ગઠિયાઓ ખેલ ખેલી રહ્યા છે 'ખતરનાક ખેલ': માત્ર ₹500ના ચલણની લિંક પર ક્લિક કરતા જ બેંક એકાઉન્ટ થઈ શકે છે સાફ

નવી દિલ્હી : ડિજિટલ યુગમાં સાયબર ગુનેગારો હવે વાહન માલિકોની મજબૂરી અને ડરનો ફાયદો ઉઠાવી રહ્યા છે. તાજેતરમાં ICICI બેંકે તેના લાખો ગ્રાહકોને એક ખાસ એલર્ટ મેઈલ મોકલીને 'નકલી ટ્રાફિક ચલણ' કૌભાંડથી બચવા તાકીદ કરી છે. આ છેતરપિંડીમાં, વાહન ચાલકોને એક SMS મળે છે જેમાં લખ્યું હોય છે કે તમારા વાહન પર મેમો ફાટ્યો છે અને જો તાત્કાલિક ચુકવણી નહીં કરો તો કાનૂની કાર્યવાહી થશે. આ મેસેજમાં આપેલી લિંક દેખાવમાં અદ્દલ સરકારી વેબસાઈટ જેવી જ લાગે છે, પરંતુ જેવી તમે તેના પર ક્લિક કરો છો, તે તમારા સ્માર્ટફોન કે કમ્પ્યુટર પર જાસૂસી માલવેર ઇન્સ્ટોલ કરી દે છે.
આ કૌભાંડની પદ્ધતિ અત્યંત ચતુરાઈભરી છે. લિંક ખોલતા જ તમને માત્ર ₹500 કે ₹600 જેવી નાની રકમ ભરવા માટે લલચાવવામાં આવે છે. ગ્રાહકને લાગે છે કે આટલી રકમ ભરીને માથાકૂટ પૂરી કરીએ, પરંતુ જેવો ગ્રાહક પોતાના કાર્ડની વિગતો અને OTP દાખલ કરે છે, કે તરત જ તેની પાછળ કાર્યરત સોફ્ટવેર ટ્રાન્ઝેક્શનની રકમ બદલી નાખે છે. પરિણામે, તમારા ખાતામાંથી નાની રકમને બદલે હજારો કે લાખો રૂપિયા ઉપડી જાય છે. બેંકે સ્પષ્ટ કર્યું છે કે ટ્રાફિક પોલીસ ક્યારેય પર્સનલ નંબર પરથી આવી જોખમી લિંક મોકલતી નથી, અને સત્તાવાર ચલણ હંમેશા પરિવહન વિભાગની અધિકૃત વેબસાઈટ પર જ દેખાય છે.
પોતાની મહેનતની કમાણી બચાવવા માટે સાયબર નિષ્ણાતો કેટલીક મહત્વની સલાહ આપી રહ્યા છે. કોઈપણ અજાણ્યા નંબર પરથી આવેલી 'શોર્ટ લિંક' પર ક્યારેય ક્લિક ન કરો. જો તમને મેમો મળ્યો હોવાની શંકા હોય, તો સીધા 'ઈ-ચલણ'ના સરકારી પોર્ટલ પર જઈને તમારો વાહન નંબર નાખી ચેક કરો. જો તમે ભૂલથી આવી છેતરપિંડીનો ભોગ બનો છો, તો વિલંબ કર્યા વગર ૧૯૩૦ (1930) હેલ્પલાઈન પર કોલ કરો અથવા સાયબર ક્રાઈમ પોર્ટલ પર ફરિયાદ નોંધાવો. યાદ રાખો, સાવચેતી જ સાયબર ઠગો સામેનું સૌથી મોટું શસ્ત્ર છે.
(9:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
