News of Monday, 16th March 2026
ઈરાન પર આકાશી આફત: અમેરિકા-ઈઝરાયેલના હુમલામાં ૨૦૦ બાળકો સહિત સેંકડોના મોતનો દાવો
વિદેશ પ્રધાન અરાઘચીનો પડોશી દેશો પર ગંભીર આરોપ : "જો દુશ્મનોને મદદ કરશો તો ભોગવવું પડશે" : હોર્મુઝ સ્ટ્રેટ પર ઈરાની સૈન્યની કડક દેખરેખ અને અમેરિકાની શરણાગતિની શરતો પર વળતો પ્રહાર

તેહરાન : મધ્ય પૂર્વમાં યુદ્ધની જ્વાળાઓ વધુ ભયાનક બની રહી છે. ઈરાનના વિદેશ પ્રધાન સૈયદ અબ્બાસ અરાઘચીએ સોમવારે એક હચમચાવી દેનારો દાવો કર્યો છે કે ૨૮ ફેબ્રુઆરીથી શરૂ થયેલા અમેરિકા અને ઈઝરાયેલના સંયુક્ત હવાઈ હુમલાઓમાં અત્યાર સુધીમાં સેંકડો નિર્દોષ નાગરિકોએ જીવ ગુમાવ્યા છે, જેમાં ૨૦૦થી વધુ માસૂમ બાળકોનો સમાવેશ થાય છે. અરાઘચીએ માત્ર હુમલાખોરો પર જ નહીં, પરંતુ ઈરાનના પડોશી દેશો પર પણ નિશાન સાધતા કહ્યું કે, જે દેશો પોતાની ધરતી પર અમેરિકી સૈનિકોને આશરો આપી રહ્યા છે અને ઈરાન વિરુદ્ધ બોમ્બમારા માટે પ્રોત્સાહન આપી રહ્યા છે, તેમણે પોતાનું વલણ સ્પષ્ટ કરવું પડશે. ઈરાન આ મામલે મૌન નહીં રહે અને તેની રક્ષા માટે કોઈપણ હદ સુધી જશે.
હોર્મુઝ સ્ટ્રેટ (Hormuz Strait), જે વિશ્વના તેલ પુરવઠા માટે જીવનરેખા ગણાય છે, તે અત્યારે યુદ્ધનું કેન્દ્રબિંદુ બની ગયું છે. ઈરાની વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઈસ્માઈલ બાઘાઈએ ચેતવણી આપી છે કે જોકે જળમાર્ગ સંપૂર્ણ બંધ નથી, પરંતુ ઈરાનને નુકસાન પહોંચાડનારા દેશો માટે આ રસ્તો ખુલ્લો રહેશે નહીં. અરાઘચીએ કટાક્ષમાં જણાવ્યું કે, જે અમેરિકા પહેલા ઈરાનની બિનશરતી શરણાગતિ ઈચ્છતું હતું, તે આજે હોર્મુઝના જળમાર્ગને ખુલ્લો રાખવા માટે અન્ય દેશો સામે મદદની ભીખ માંગી રહ્યું છે. ઈરાની દળો અત્યારે આ વ્યૂહાત્મક વિસ્તાર પર ચાંપતી નજર રાખી રહ્યા છે અને જહાજોની અવરજવર પર કડક પ્રતિબંધો લાદવામાં આવ્યા છે.
ઈરાને સ્પષ્ટ કર્યું છે કે આ યુદ્ધનો અંત એવો હોવો જોઈએ કે ભવિષ્યમાં કોઈ પણ દેશ ઈસ્લામિક રિપબ્લિક તરફ આંખ ઉઠાવીને જોવાની હિંમત ન કરે. પરમાણુ મથકો અને મિસાઈલ કાર્યક્રમોને નિશાન બનાવી રહેલા ઈઝરાયેલ-અમેરિકાના જોડાણને જડબાતોડ જવાબ આપવા માટે તેહરાન સંપૂર્ણ રીતે તૈયાર છે. પ્રાદેશિક સુરક્ષા અત્યારે જોખમમાં છે અને ઈરાનનું કડક વલણ સૂચવે છે કે જો પડોશી દેશોએ યુએસ દળોને મદદ કરવાનું ચાલુ રાખ્યું, તો આ યુદ્ધ વધુ વકરશે. ઈરાને તેના સાર્વભૌમત્વની રક્ષા માટે 'યુદ્ધ ચાલુ રાખવાની' મક્કમતા દર્શાવી છે, જેનાથી આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા વધી ગઈ છે.
(9:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
