<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th March 2026

કેરળ વિધાનસભા ચૂંટણી માટે ભાજપનું મિશન ‘દક્ષિણ’: ૪૭ ઉમેદવારોની પહેલી યાદી જાહેર, નેમોમની હાઈ-પ્રોફાઈલ બેઠક પરથી રાજીવ ચંદ્રશેખર મેદાનમાં

પૂર્વ મંત્રીઓ અને અનુભવી નેતાઓ પર ભરોસો: પદ્મજા વેણુગોપાલ અને ભૂતપૂર્વ DGP શ્રીલેખા સહિતના દિગ્ગજોને ટિકિટ, ૧૪૦ બેઠકો પર જામશે ત્રિપાંખિયો જંગ

તિરુવનંતપુરમ : દક્ષિણ ભારતના મહત્વના રાજ્ય કેરળમાં સત્તાના સમીકરણો બદલવા માટે ભારતીય જનતા પાર્ટીએ કમર કસી છે. આગામી ૯ એપ્રિલે યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે ભાજપે આજે પોતાના ૪૭ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. આ યાદીમાં સૌથી વધુ ચર્ચા રાજ્ય ભાજપના વડા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરની થઈ રહી છે, જેમને તિરુવનંતપુરમની પ્રતિષ્ઠિત નેમોમ બેઠક પરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
નેમોમમાં રસાકસીભરો મુકાબલો
નેમોમ બેઠક ભાજપ માટે અત્યંત મહત્વની છે કારણ કે ૨૦૧૬માં પક્ષે આ બેઠક જીતીને કેરળ વિધાનસભામાં પોતાનું ખાતું ખોલ્યું હતું. હાલમાં અહીં CPI(M) ના દિગ્ગજ નેતા અને મંત્રી વી. શિવનકુટ્ટી ધારાસભ્ય છે. ૨૦૨૪ની લોકસભા અને ૨૦૨૫ની સ્થાનિક ચૂંટણીમાં ભાજપે આ વિસ્તારમાં સરસાઈ મેળવી હોવાથી, રાજીવ ચંદ્રશેખર અને શિવનકુટ્ટી વચ્ચેનો આ જંગ કેરળનો સૌથી લોકપ્રિય મુકાબલો બની રહેશે.
દિગ્ગજ ચહેરાઓ અને મહિલા શક્તિ
ભાજપે આ વખતે અનુભવી નેતાઓ અને વહીવટી નિષ્ણાતોને મેદાનમાં ઉતાર્યા છે. મંજેશ્વરથી કે. સુરેન્દ્રન, કઝાકૂટમથી વી. મુરલીધરન અને પલક્કડથી શોભા સુરેન્દ્રન ચૂંટણી લડશે. મહિલા ઉમેદવારોમાં પૂર્વ DGP આર. શ્રીલેખા (વટ્ટીયુરકાવુ) અને કેરળના પૂર્વ મુખ્યમંત્રી કે. કરુણાકરણની પુત્રી પદ્મજા વેણુગોપાલ (ત્રિશુર) ના નામ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. આ ઉપરાંત, સાત વાર ધારાસભ્ય રહી ચૂકેલા પી.સી. જ્યોર્જને પૂંજરથી ટિકિટ આપવામાં આવી છે.
બળવાખોરો અને સાથી પક્ષોનું ગણિત
કોંગ્રેસ અને CPI છોડીને ભાજપમાં આવેલા નેતાઓને પણ યાદીમાં સ્થાન મળ્યું છે, જે દર્શાવે છે કે ભાજપ અન્ય પક્ષોના મજબૂત મતોમાં ગાબડું પાડવાની તૈયારીમાં છે. ૧૪૦ બેઠકો ધરાવતી કેરળ વિધાનસભામાં ભાજપ પોતે ૯૦-૧૦૦ બેઠકો પર લડશે, જ્યારે બાકીની બેઠકો તેના સાથી પક્ષો BDJS, ટ્વેન્ટી-૨૦ અને કામરાજ કોંગ્રેસ માટે ફાળવવામાં આવી છે. કેરળમાં પારંપરિક રીતે ચાલતા LDF અને UDF ના વર્ચસ્વ સામે ભાજપ આ વખતે 'ત્રીજા વિકલ્પ' તરીકે ઉભરી રહ્યો છે.

(10:17 PM IST)