News of Monday, 16th March 2026
અમેરિકાની ધરતી પર ગાયત્રી મંદિર પિસ્કાટવે દ્વારા હોળી-ધૂળેટી રંગોત્સવની અભૂતપૂર્વ ઉજવણી : ૮૨૦૦થી વધુ ભાવિકોના માનવ મહેરામણથી ન્યુજર્સી હિંદુ સંસ્કૃતિના રંગે રંગાયું
ભારત બહાર સૌથી મોટી માનવ મેદનીની ઉપસ્થિતિમાં પંડિત રામશર્મા આચાર્ય અને માતા ભગવતી દેવીની પ્રેરણાથી સંપન્ન થયો મહોત્સવ : પરંપરાગત ઢોલના તાલે નાચતા-કૂદતા ભક્તોએ હોલિકા દહન બાદ પાઉંભાજી અને પુલાવની મહાપ્રસાદીનો લ્હાવો લીધો

દીપ્તિબેન જાની દ્વારા, ન્યુજર્સી (અમેરિકા):અમેરિકામાં વસતા ભારતીય સમુદાય દ્વારા હિંદુ સંસ્કૃતિને ધબકતી રાખવા માટે પિસ્કાટવે સ્થિત ગાયત્રી મંદિર દ્વારા ૮ માર્ચ, ૨૦૨૬ના રોજ હોળી-ધૂળેટી રંગોત્સવનું ભવ્ય અને સુચારુ આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉત્સવમાં અમેરિકાની ધરતી પર જાણે કે મીની ભારત સર્જાયું હોય તેમ ૮૨૦૦ જેટલા ભક્તોની વિશાળ જનમેદની ઉમટી પડી હતી, જે ભારત બહારની સૌથી મોટી માનવ મેદની ગણાય છે.
દિવ્ય પ્રેરણા અને માર્ગદર્શન
વિશ્વ ગાયત્રી પરિવારના સ્થાપક પંડિત રામશર્મા આચાર્ય અને માતા ભગવતી દેવીની પ્રેરણા તથા સૂક્ષ્મ માર્ગદર્શન હેઠળ આ ઉત્સવ ઉજવાયો હતો. ગાયત્રી ચેતના સેન્ટર (GCC) દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં પરિવારના પ્રમુખ શ્રદ્ધેય પંડ્યાજી અને શ્રદ્ધેયા શ્રીમતી શૈલજીજીના માર્ગદર્શન હેઠળ તમામ વ્યવસ્થાઓ હાથ ધરાઈ હતી.
શાસ્ત્રોક્ત વિધિ અને સાંસ્કૃતિક ઉલ્લાસ
મંદિરના વિશાળ પ્લે ગ્રાઉન્ડમાં શાંતિકુંજ, હરિદ્વાર અને સ્થાનિક સેવકોના સહયોગથી હોળી પ્રાગટ્યની તૈયારીઓ કરવામાં આવી હતી. શાસ્ત્રોક્ત વિધિ અનુસાર હોલિકા દહન સંપન્ન થયા બાદ વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. સંગીતની પરંપરાગત ધૂન અને મોટા ઢોલ તથા સાઉન્ડ સિસ્ટમના બુલંદ અવાજ સાથે ભાવિકો આનંદઘેલા બનીને નાચ્યા હતા. રંગબેરંગી રંગો અને ગુલાલથી આખું ગાયત્રી મંદિર પરિસર ભરાઈ ગયું હતું.
અવિસ્મરણીય વ્યવસ્થા અને મહાપ્રસાદી
૮૨૦૦થી વધુ ઉપસ્થિત ભક્તો માટે વિનામૂલ્યે મહાપ્રસાદીની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. હોળી બાદ તમામ લોકોએ પાઉંભાજી અને પુલાવની મહાપ્રસાદી ગ્રહણ કરી હતી. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે ૮૦ થી ૧૦૦ જેટલા નાના-મોટા સ્વયંસેવકોની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. પૂનમની રાત્રિએ સ્વયંસેવકો દ્વારા કરવામાં આવેલ આ સુચારુ આયોજને કાર્યક્રમમાં ચાર ચાંદ લગાવી દીધા હતા.
દૂર-દૂરથી આવેલા શ્રદ્ધાળુઓ આ ભવ્ય હોળી ઉત્સવના યાદગાર સંસ્મરણો લઈને વિદાય થયા હતા.
(11:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
