News of Monday, 16th March 2026
વન્યજીવોની સુરક્ષામાં ભારતની અભૂતપૂર્વ સિદ્ધિ : વન્યજીવોની સંખ્યા વધી,વન વિસ્તાર પણ વિસ્તર્યો
પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા કન્વેન્શન ઓન બાયોલોજિકલ ડાયવર્સિટી (CBD) સમક્ષ પોતાનો સાતમો રાષ્ટ્રીય અહેવાલ (NR-7) સત્તાવાર રીતે સુપરત કર્યો

નવી દિલ્હી : પર્યાવરણીય સંરક્ષણ અને જૈવવિવિધતાના ક્ષેત્રે ભારતની વધતી જતી આંતરરાષ્ટ્રીય વિશ્વસનીયતામાં વધુ એક છોગું ઉમેરાયું છે. ભારત સરકારના પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા તાજેતરમાં કન્વેન્શન ઓન બાયોલોજિકલ ડાયવર્સિટી (CBD) સમક્ષ પોતાનો સાતમો રાષ્ટ્રીય અહેવાલ (NR-7) સત્તાવાર રીતે સુપરત કરવામાં આવ્યો છે. નિર્ધારિત સમયમર્યાદા 28 ફેબ્રુઆરી 2026 પહેલા, એટલે કે 26 ફેબ્રુઆરીએ રજૂ કરાયેલો આ અહેવાલ વૈશ્વિક ફલક પર કુદરતી સંસાધનોના સંરક્ષણ અને ટકાઉ ઉપયોગ પ્રત્યેની ભારતની કટિબદ્ધતાને મજબૂત રીતે રજૂ કરે છે. આ અહેવાલ ખાસ કરીને કુંમિંગ-મોન્ટ્રીયલ ગ્લોબલ બાયોડાયવર્સિટી ફ્રેમવર્ક (KMGBF) સાથે સુસંગત છે, જે 2030 સુધીમાં વિશ્વભરમાં લુપ્ત થતી પ્રજાતિઓને બચાવવા અને પ્રકૃતિને પુનર્જીવિત કરવાનું લક્ષ્ય ધરાવે છે.
ભારતના આ સાતમા રાષ્ટ્રીય અહેવાલની સૌથી મોટી વિશેષતા એ છે કે દેશે તેના નિર્ધારિત તમામ 23 રાષ્ટ્રીય જૈવવિવિધતા લક્ષ્યાંકો (National Biodiversity Targets (NBTs)) ને પ્રાપ્ત કરવાની દિશામાં સચોટ પ્રગતિ કરી છે. અહેવાલ મુજબ ભારતની આ સફળતા પાછળ ‘હોલ-ઓફ-ગવર્નમેન્ટ’ અભિગમ રહેલો છે, જેમાં 33 કેન્દ્રીય મંત્રાલયો અને વિભાગોએ સાથે મળીને કૃષિ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વનીકરણ જેવા ક્ષેત્રોમાં જૈવવિવિધતા સુરક્ષાના માપદંડોને વણી લીધા છે. વૈશ્વિક સ્તરે જ્યારે અનેક દેશો પર્યાવરણીય લક્ષ્યાંકો પૂર્ણ કરવામાં સંઘર્ષ કરી રહ્યા છે, ત્યારે ભારતનો ડેટા આધારિત આ આંકડાકીય અહેવાલ 142 રાષ્ટ્રીય સૂચકાંકોના આધારે એક પારદર્શક ચિત્ર રજૂ કરે છે.
વનીકરણ અને વન્યજીવ સંરક્ષણના આંકડાઓ ભારતના પ્રયાસોની સફળતાની સાક્ષી પૂરે છે. અહેવાલ અનુસાર, ભારતનો કુલ નોંધાયેલ વન વિસ્તાર હવે 7,75,377 ચોરસ કિલોમીટર સુધી પહોંચ્યો છે, જે દેશના ભૌગોલિક વિસ્તારના 23.59 ટકા જેટલો થાય છે. જો વૃક્ષ આચ્છાદિત વિસ્તારને પણ સામેલ કરવામાં આવે તો આ પ્રમાણ વધીને 25.17 ટકા (8,27,356.95 ચોરસ કિલોમીટર) થાય છે. વન્યજીવોની સુરક્ષામાં ભારતે અભૂતપૂર્વ સિદ્ધિ મેળવી છે; આજે વિશ્વના 70 ટકાથી વધુ વાઘ ભારતમાં છે, જેમની સંખ્યા 3,682 નોંધાઈ છે. આ ઉપરાંત 891 એશિયાટિક સિંહો, 4,014 એકશિંગી ગેંડા અને 22,446 જંગલી હાથીઓ સાથે ભારત એશિયાના સૌથી મોટા વન્યજીવ આશ્રયસ્થાનોમાંનું એક બન્યું છે. ખાસ કરીને હિમ દીપડાઓ (718) અને ગંગા નદીની ડોલ્ફિન (6,327) ની વસ્તી ગણતરીના પ્રથમ વખત બહાર પાડવામાં આવેલા આંકડાઓએ સંરક્ષણ નીતિઓને નવી દિશા આપી છે.
જૈવવિવિધતાના સંરક્ષણમાં માત્ર વન્યજીવો જ નહીં, પરંતુ જળપ્લાવિત વિસ્તારો (વેટલેન્ડ્સ) ના સંરક્ષણમાં પણ મોટો ઉછાળો જોવા મળ્યો છે. વર્ષ 2014 માં જે રામસર સાઇટ્સની સંખ્યા માત્ર 26 હતી, તે 2026 સુધીમાં વધીને 98 થઈ ગઈ છે, જે જળચર નિવસનતંત્રની જાળવણી માટેના ભારતના પ્રયાસો દર્શાવે છે. આ આર્થિક અને સામાજિક સુરક્ષાને સુનિશ્ચિત કરવા માટે ભારતની નેશનલ બાયોડાયવર્સિટી ઓથોરિટીએ 5,600 થી વધુ એક્સેસ એન્ડ બેનિફિટ શેરિંગ (ABS) કરારો કર્યા છે, જે અંતર્ગત 140 કરોડ રૂપિયાની રકમ સ્થાનિક સમુદાયોને વહેંચવામાં આવી છે. જમીની સ્તરે કાર્યરત 2,76,653 બાયોડાયવર્સિટી મેનેજમેન્ટ કમિટીઓ (BMCs) અને પીપલ્સ બાયોડાયવર્સિટી રજિસ્ટર (PBRs) સ્થાનિક લોકોની ભાગીદારી અને પરંપરાગત જ્ઞાનના સંરક્ષણ માટે પાયાનું કામ કરી રહ્યા છે.
આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ પણ ભારતના આ અભિયાનનો મુખ્ય હિસ્સો છે. રિમોટ સેન્સિંગ, GIS, સેટેલાઇટ ટેલિમેટ્રી અને DNA આધારિત મોનિટરિંગ દ્વારા જંગલના સંસાધનો અને મુક્ત રીતે વિહરતા વન્યજીવો પર નજર રાખવામાં આવે છે. વહીવટી પ્રક્રિયાને વધુ સરળ અને પારદર્શક બનાવવા માટે ‘પરિવેશ’ (PARIVESH) જેવી સિંગલ-વિન્ડો સિસ્ટમ વિકસાવવામાં આવી છે. આ સિવાય ‘મિશન લાઈફ’ (LiFE) અને ‘એક પેડ મા કે નામ’ જેવા જન-આંદોલનો દ્વારા પર્યાવરણ સંરક્ષણને સામાન્ય નાગરિકોના જીવનશૈલી સાથે જોડવામાં આવ્યું છે. ભારતે રજૂ કરેલો આ NR-7 રિપોર્ટ માત્ર એક સરકારી દસ્તાવેજ નથી, પરંતુ તે ભવિષ્યની પેઢી માટે પર્યાવરણીય સંતુલન જાળવી રાખવા માટેનો એક સર્વગ્રાહી રોડમેપ છે.
(11:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
