News of Monday, 16th March 2026
ઓસ્કાર 2026 માં અનોખો દુર્લભ સંયોગ સર્જાયો: એવોર્ડ્સમાં સાતમી વખત આ અનોખી ક્ષણે બધાને આશ્ચર્યચકિત કર્યા !
લાઈવ-એક્શન શોર્ટ ફિલ્મ કેટેગરીમાં બે વિજેતા ફિલ્મો અને તેમના નિર્માતાઓના નામ જાહેર

મુંબઈ :વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત ફિલ્મ પુરસ્કારોમાંના એક તરીકે ગણવામાં આવતા ઓસ્કારમાં દર વર્ષે ઘણી યાદગાર ક્ષણો જોવા મળે છે. જો કે, 2026 ના ઓસ્કારમાં એક એવી ક્ષણ આવી જેણે એવોર્ડ શોના ઇતિહાસને ફરીથી આકાર આપ્યો હોવાનું મનાય છે. જ્યારે લાઈવ-એક્શન શોર્ટ ફિલ્મ કેટેગરીના વિજેતાની જાહેરાત કરવામાં આવી, ત્યારે સ્ટેજ પર હાજર પ્રસ્તુતકર્તા પણ ક્ષણભર માટે સ્તબ્ધ થયા હતા. પરબિડીયું ખોલીને, તેમણે જાહેરાત કરી કે, પરિણામ ટાઇ રહ્યું છે.
આ ખાસ પ્રસંગ ઓસ્કારના ઇતિહાસમાં સાતમી વખત છે, જ્યારે બે ફિલ્મોને એક જ કેટેગરીમાં વિજેતા તરીકે જાહેર કરવામાં આવી છે. 98 મામ એકેડેમી એવોર્ડ્સમાં સાતમી વખત આ અનોખી ક્ષણે બધાને આશ્ચર્યચકિત કર્યા છે. આ દુર્લભ ક્ષણ લાઈવ-એક્શન શોર્ટ ફિલ્મ કેટેગરીમાં બની છે, જ્યાં "ધ સિંગર્સ" અને "ટુ પીપલ એક્સચેન્જિંગ સેલિવા" બંને ફિલ્મોને એકસાથે ઓસ્કાર એનાયત કરવામાં આવી હતી. એવોર્ડ રજૂ કરનાર અભિનેતા અને હાસ્ય કલાકાર કુમૈલ નાનજિયાની પણ પરિણામથી આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તેમણે સ્પષ્ટતા કરતા કહ્યું કે, તેઓ મજાક કરી રહ્યા નથી, તે ખરેખર ટાઇ હતું.
ત્યારબાદ તેમણે બે વિજેતા ફિલ્મો અને તેમના નિર્માતાઓના નામ જાહેર કર્યા હતા. સેમ એ. ડેવિસ અને જેક પિયાટને "ધ સિંગર્સ" માટે સન્માન મળ્યું, જ્યારે એલેક્ઝાન્ડર સિંઘ અને નતાલી મુસ્ટેઆટાને "ટુ પીપલ એક્સચેન્જ્ડ સેલિવા" માટે ઓસ્કાર એનાયત કરવામાં આવ્યો. આ જાહેરાત બાદ, કાર્યક્રમમાં હાજર પ્રેક્ષકોએ બંને ટીમોને તાળીઓથી વધાવી લીધા હતા. જો કે, ઓસ્કારમાં ટાઈ કંઈ નવી વાત નથી. આ પરિસ્થિતિ વિવિધ શ્રેણીઓમાં અગાઉ પણ ઘણી વખત બની છે
2013 માં, "સ્કાયફોલ" અને "ઝીરો ડાર્ક થર્ટી" બંનેને શ્રેષ્ઠ સાઉન્ડ એડિટિંગ શ્રેણીમાં એનાયત કરવામાં આવી હતી. વધુમાં, 1969 માં શ્રેષ્ઠ અભિનેત્રી શ્રેણીમાં પણ આ પ્રકારે ઇતિહાસ રચાયો હતો. તે વર્ષે, અભિનેત્રી કેથરિન હેપબર્નને "ધ લાયન ઇન વિન્ટર" માટે ઓસ્કાર અને બાર્બરા સ્ટ્રીસેન્ડને "ફની ગર્લ" માટે ઓસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. ઓસ્કારમાં ટાઈ અત્યંત દુર્લભ માનવામાં આવે છે, કારણ કે, મતદાન પ્રણાલી ખૂબ જ ચોક્કસ અને કડક છે.
પરંતુ જ્યારે બે નોમિનીઓને સમાન સંખ્યામાં મત મળે છે, ત્યારે નિયમો જણાવે છે કે, બંનેને વિજેતા જાહેર કરવામાં આવે છે. 2026 ઓસ્કાર સમારંભમાં આ ક્ષણ એવોર્ડ રાત્રિની સૌથી રસપ્રદ અને યાદગાર ક્ષણોમાંની એક બની ગઈ હતી. આનાથી ફરી એકવાર સાબિત થયું કે, સિનેમાની દુનિયામાં ઇતિહાસ ક્યારેય પોતાને પુનરાવર્તિત કરવામાં નિષ્ફળ જતો નથી.
(11:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
