તા. ૧૦ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૬ સોમવાર
News of Monday, 16th March 2026
પૂર્વાંચલની ગાદી પર 'રાજભર'નો કબજો? ઓમપ્રકાશ રાજભરની મુખ્યમંત્રી બનવાની મહત્વકાંક્ષાએ જગાવી ચર્ચા
ઉત્તર પ્રદેશના ભાગલા પાડી પૂર્વાંચલને અલગ રાજ્ય બનાવવાની માંગ સાથે મહારાજગંજમાં ગર્જ્યા કેબિનેટ મંત્રી: "જો રાજ્ય વિભાજિત થાય તો પૂર્વાંચલનો મુખ્યમંત્રી રાજભરનો પુત્ર જ બનશે" તેવા ખુલ્લા દાવાએ રાજકીય ગલિયારાઓમાં લાવી દીધો ભૂકંપ

મહારાજગંજ : ઉત્તર પ્રદેશના રાજકારણના સૌથી ચર્ચિત અને બેબાક નેતા ઓમપ્રકાશ રાજભરે ફરી એકવાર સત્તાના ટોચના સ્થાને પહોંચવાની પોતાની ઈચ્છા જાહેરમાં વ્યક્ત કરીને સોંપો પાડી દીધો છે. મહારાજગંજની 'સામાજિક સંવાદિતા મહારેલી'માં હજારોની મેદનીને સંબોધતા સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના અધ્યક્ષે ડંકાની ચોટ પર કહ્યું કે તેમની પાર્ટીનો જનાધાર રફ્તાર પકડી રહ્યો છે. રાજભરે પૂર્વાંચલને અલગ રાજ્ય બનાવવાની વર્ષો જૂની માંગને છેડતા દાવો કર્યો કે જો ઉત્તર પ્રદેશનું વિભાજન થશે, તો તે નવા રાજ્યની કમાન કોઈ રાજભરના પુત્રના હાથમાં જ હશે. તેમણે પોતે જ્યાં બેસે છે ત્યાં મુખ્યમંત્રી અને ડીજીપી પણ બેસે છે તેવું કહીને પોતાની રાજકીય તાકાતનું પ્રદર્શન કર્યું હતું, જે સૂચવે છે કે તેઓ હવે માત્ર મંત્રી પદથી સંતુષ્ટ નથી.
રાજભરે માન્યવર કાંશીરામના વારસાને યાદ કરતા સપા અને બસપા પર નિશાન સાધ્યું હતું. તેમણે જણાવ્યું કે કાંશીરામજીએ પછાત અને શોષિત વર્ગમાં જે રાજકીય ચેતના જગાડી હતી, તેને કારણે જ મુલાયમ સિંહ યાદવ અને માયાવતી મુખ્યમંત્રી બની શક્યા હતા. જોકે, "જેટલી જેની સંખ્યા, તેટલી તેની ભાગીદારી" નું સૂત્ર હજુ સુધી સાચા અર્થમાં સાકાર થયું નથી અને તે સ્વપ્ન હવે માત્ર સુભાષપા જ પૂર્ણ કરશે. મહિલા સશક્તિકરણ પર ભાર મૂકતા તેમણે મહિલાઓને 'રાણી લક્ષ્મીબાઈ' બનીને રાજકારણમાં પ્રવેશવા અને પોતાના અધિકારો માટે લડવા હાકલ કરી હતી. તેમના મતે, આગામી ૩૩% મહિલા અનામત દેશના રાજકીય માળખાને ધરખમ રીતે બદલી નાખશે.
પોતાના કાર્યકાળની સિદ્ધિઓ ગણાવતા રાજભરે ગરીબ બાળકોના શિક્ષણ અને સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. તેમણે દાવો કર્યો કે ૨૦૧૭માં સત્તામાં આવ્યા બાદ તેમણે જ સરકારી શાળાઓમાં ખાખી ગણવેશની પરંપરા તોડીને બાળકોને આધુનિક યુનિફોર્મ અને મફત પુસ્તકો અપાવ્યા હતા. લોકોના આર્થિક અભાવે સારવાર ન અટકે તે માટે સરકારની કટિબદ્ધતા દોહરાવતા તેમણે ખાતરી આપી કે કોઈપણ ધર્મ કે જાતિની વ્યક્તિ તેમની પાસે મદદ માટે આવશે તો તેનું નિરાકરણ લવાશે. રાજભરના આ તેવર અને મુખ્યમંત્રી પદ માટેનો ખુલ્લો દાવો સૂચવે છે કે આગામી ૨૦૨૭ની ચૂંટણી પહેલા ઉત્તર પ્રદેશના રાજકારણમાં મોટા વળાંકો જોવા મળી શકે છે.
(9:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
