News of Monday, 16th March 2026
મધ્ય પૂર્વમાં મહાયુદ્ધનો ૧૭મો દિવસ: હોર્મુઝ સંકટ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પની 'ગભરાશો નહીં' ની અપીલ, ૯૦ ઈરાની લશ્કરી મથકો પર અમેરિકાના વિનાશક હુમલા
ભારત માટે રાહતના સમાચાર: ગેસનો જથ્થો લઈને 'શિવાલિક' જહાજ સલામત રીતે વતન પહોંચ્યું, બ્રિટિશ પીએમ કીર સ્ટાર્મરે પણ સુરક્ષિત શિપિંગ માટે ટ્રમ્પ સાથે કરી ચર્ચા

વોશિંગ્ટન : અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ હવે ચરમસીમાએ પહોંચ્યું છે. આ યુદ્ધના ૧૭મા દિવસે સ્થિતિ વધુ સ્ફોટક બની છે. એક તરફ ઈરાને ઇઝરાયલ પર 'સેજિલ' જેવી શક્તિશાળી બેલિસ્ટિક મિસાઈલોનો મારો ચલાવ્યો છે, તો બીજી તરફ અમેરિકાએ ઈરાનના ખાર્ગ ટાપુ પર સર્જિકલ સ્ટ્રાઈક કરીને ૯૦થી વધુ લશ્કરી ઠેકાણાઓને તબાહ કરી નાખ્યા છે. આ ભયાનક તણાવ વચ્ચે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઈટ હાઉસની પોસ્ટ શેર કરી વિશ્વને શાંતિ જાળવવા અને ગભરાટ ન ફેલાવવા અપીલ કરી છે.
ભારતના ચૂલા સળગતા રહેશે: 'શિવાલિક'નું આગમન
જ્યારે સમગ્ર વિશ્વ હોર્મુઝની સામુદ્રધુનીમાં સર્જાયેલી નાકાબંધીને કારણે તેલ અને ગેસની અછતથી ફફડી રહ્યું છે, ત્યારે ભારત માટે એક મોટા સુખદ સમાચાર આવ્યા છે. અતિશય જોખમી ગણાતા આ માર્ગ પરથી પસાર થઈને ભારતનું ગેસ જહાજ 'શિવાલિક' સુરક્ષિત રીતે ભારતીય બંદરે પહોંચી ગયું છે. દેશમાં ચાલી રહેલી LPGની અછત વચ્ચે આ જહાજનું આગમન મોટી રાહત સમાન છે. ઈરાની હુમલાઓ છતાં ભારત પોતાની એનર્જી સપ્લાય લાઈન જાળવી રાખવામાં સફળ રહ્યું છે.
બ્રિટન અને અમેરિકાની નવી વ્યૂહરચના
બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મરે જણાવ્યું છે કે તેઓ હોર્મુઝના દરિયાઈ માર્ગને ફરીથી ખોલવા માટે અમેરિકા અને ગલ્ફ દેશો સાથે મળીને કામ કરી રહ્યા છે. તેમણે સ્પષ્ટ કર્યું કે આ મિશન 'નાટો' (NATO) અંતર્ગત નહીં, પરંતુ વિવિધ દેશોના ગઠબંધન દ્વારા ચલાવવામાં આવશે. ગઈકાલે ટ્રમ્પ અને સ્ટાર્મર વચ્ચે થયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં આ અંગે સહમતી સધાઈ હોવાનું પણ જાણવા મળ્યું છે.
ભયાનક તબાહીના આંકડા
ઇઝરાયલી હુમલાઓમાં અત્યાર સુધીમાં ૨,૦૦૦ થી વધુ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. ઈરાની નૌકાદળના મિસાઈલ સ્ટોરેજ અને ખાણોને અમેરિકી દળોએ નિશાન બનાવ્યા છે. બીજી તરફ, ભારતમાં LPGની અછતને લઈને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ કેન્દ્ર સરકાર સામે વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી આપી છે. યુદ્ધની અસર હવે સામાન્ય માણસના રસોડા સુધી પહોંચવા લાગી છે.
(10:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
