<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th March 2026

બોલિવૂડમાં અશ્લીલતાનો નવો વિવાદ: નોરા ફતેહીના "સરકે ચુનાર તેરી સરકે" ગીત પર ભભૂક્યો જનતાનો રોષ

બાદશાહના 'તેટ્ટીરી' પછી હવે નોરા અને સંજય દત્તનું નવું ગીત નિશાન પર : બેવડા અર્થવાળા અપમાનજનક શબ્દો સામે NHRC કડક, નિર્માતાઓને નોટિસ ફટકારવાની તૈયારી

મુંબઈ :  બોલિવૂડની ડાન્સિંગ ક્વીન નોરા ફતેહી ફરી એકવાર વિવાદોના વમળમાં ફસાઈ છે. તેની આગામી ફિલ્મ "કેડી: ધ ડેવિલ" નું લેટેસ્ટ સોન્ગ 'સરકે ચુનાર તેરી સરકે' રિલીઝ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો છે. બાદશાહના ગીત "તેટ્ટીરી" બાદ હવે આ ગીતના શબ્દોને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગીતમાં નોરા ફતેહીના બોલ્ડ ડાન્સ સ્ટેપ્સ કરતા ગીતકાર રકીબ આલમના બેવડા અર્થવાળા અને અશ્લીલ શબ્દો પર લોકો આંગળી ઉઠાવી રહ્યા છે. ભલે ગીતના અંતમાં ડ્રગ્સ અને બોટલનો સંદર્ભ આપવામાં આવ્યો હોય, પરંતુ તેની શરૂઆતની પંક્તિઓ ગૌરવશાળી ભારતીય સંસ્કૃતિ અને નૈતિકતાનું અપમાન કરતી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

આ વિવાદમાં હવે રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ (NHRC) ના સભ્ય પ્રિયંક કાનૂનગોએ પણ ઝંપલાવ્યું છે. તેમણે ગીતના શબ્દો અને વીડિયો સામે લાલ આંખ કરતા સોશિયલ મીડિયા પર પ્રહાર કર્યો કે, "કોઈ સભ્ય પરિવાર આ ગીત કેવી રીતે સાથે બેસીને જોઈ શકે?" તેમણે સેન્સર બોર્ડની કામગીરી સામે પણ સવાલ ઉઠાવ્યા છે અને નિર્માતાઓને કાનૂની નોટિસ મોકલવાની જાહેરાત કરી છે. નેટીઝન્સનું કહેવું છે કે મનોરંજનના નામે અશ્લીલતા પીરસીને બોલિવૂડ નવી પેઢીને બરબાદ કરી રહ્યું છે. ટ્વિટર (X) પર લોકો 'Boycott' ની માંગ કરી રહ્યા છે અને નોરા ફતેહી તેમજ ગીતકારને જાહેરમાં માફી માંગવાની ફરજ પાડી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, "કેડી: ધ ડેવિલ" એક કન્નડ પીરિયડ એક્શન ડ્રામા છે જે ૧૯૭૦ના દાયકાના બેંગલુરુના અંડરવર્લ્ડ પર આધારિત છે. ફિલ્મમાં ધ્રુવ સરજા અને શિલ્પા શેટ્ટી જેવા દિગ્ગજ કલાકારો છે, અને સંજય દત્ત પણ મહત્ત્વની ભૂમિકામાં છે. જોકે, ૩૦ એપ્રિલ, ૨૦૨૬ના રોજ ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ આ ગીતે સર્જેલો વિવાદ ફિલ્મની કમાણી પર અસર કરી શકે છે. ફિલ્મી પડદે એક્શન અને ડ્રામા તો જોવા મળશે જ, પરંતુ હાલમાં તો ગીતના શબ્દોએ સોશિયલ મીડિયા પર યુદ્ધ જેવી સ્થિતિ સર્જી દીધી છે. લોકોનું માનવું છે કે જો આવા ગીતો પર લગામ નહીં ખેંચાય તો ભવિષ્યમાં સિનેમા માત્ર 'ગંદકી' પીરસવાનું સાધન બની જશે.

(10:23 PM IST)