News of Tuesday, 17th March 2026
પાક.નું રાક્ષસી કૃત્યઃ હોસ્પીટલ ઉપર હુમલોઃ ૪૦૦નાં મોત
ઈદના દિવસો નજીક છે ત્યારે કાબુલમાં શરમજનક-માનવતા મરી પરવારે તેવું કૃત્ય કર્યુઃ વિશ્વભરમાંથી ફીટકાર : હોસ્પીટલ ઉપર ફરી એરસ્ટ્રાઇકઃ આખી ઈમારત તબાહઃ ૨૫૦ને ઈજાઃ હુમલા પછી નકટુ થઈ ઈન્કાર કર્યો

નવી દિલ્હી,તા.૧૭: ઈદ નજીક આવી રહી છે, અને ખૂબ જ ખાસ ગણાતા પવિત્ર રમઝાન મહિનાના છેલ્લા થોડા દિવસો બાકી છે. આ દરમિયાન પાકિસ્તાને બધી હદો પાર કરી દીધી છે. પાકિસ્તાને અફઘાનિસ્તાનના કાબુલમાં એક ડ્રગ રિહેબિલિટેશન હોસ્પિટલ પર હવાઈ હુમલો કર્યો. આ હુમલામાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ૪૦૦ લોકો મૃત્યુ પામ્યા છે. નોંધનીય છે કે આ એ જ હોસ્પિટલ છે જ્યાં અફઘાન ક્રિકેટરોએ તાજેતરમાં દર્દીઓની મુલાકાત લીધી હતી.સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં અફઘાન ક્રિકેટર ગુલબદ્દીન નાયબ અને હશમતુલ્લાહ શાહિદી દર્દીઓને મળી રહ્યા છે અને તેમની સાથે મજાક કરી રહ્યા છે.
તાજેતરના દિવસોમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે તણાવ ખુબ જ વધી ગયો છે. સોમવારની રાત્રે પાકિસ્તાની વાયુસેનાએ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ સહિત કેટલાક વિસ્તારોમાં એરસ્ટ્રાઈક કરી હોવાના અહેવાલો સામે આવ્યા છે. સ્થાનિક મીડિયા મુજબ આ હુમલાઓમાં ભારે જાનહાનિ થઈ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. અહેવાલો અનુસાર, કાબુલના વિવિધ વિસ્તારોમાં થયેલા બોમ્બ વિસ્ફોટ અને ગોળીબારના અવાજોથી લોકોમાં ભારે ભયનો માહોલ સર્જાયો હતો. કેટલીક માહિતી મુજબ આ હુમલાઓમાં લગભગ ૪૦૦ લોકોના મોત થયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે, જ્યારે ૨૫૦થી વધુ લોકો ઘાયલ થયા છે.
અફઘાનિસ્તાનના નાયબ સરકારના પ્રવક્તા હમદુલ્લાહ ફિતરતે પાકિસ્તાની હુમલાની પુષ્ટિ કરી. તેમણે જણાવ્યું કે પાકિસ્તાની હવાઈ હુમલામાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ૪૦૦ લોકો માર્યા ગયા છે અને ૨૫૦ લોકો ઘાયલ થયા છે.
તેમણે X પર લખ્યું, પાકિસ્તાની સેનાએ સવારે ૯ વાગ્યે ઓમિદ વ્યસન સારવાર હોસ્પિટલ પર હવાઈ હુમલો કર્યો. આ હોસ્પિટલમાં ડ્રગ્સના વ્યસનની સારવાર માટે ૨,૦૦૦ પથારી છે. આ હુમલામાં હોસ્પિટલનો મોટો ભાગ નાશ પામ્યો હતો, અને ઘણા લોકોના મોતની આશંકા છે. કમનસીબે, અત્યાર સુધીમાં ૪૦૦ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, જ્યારે ૨૫૦ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. બચાવ ટીમો આગને કાબૂમાં લેવા અને ઘટનાસ્થળે પીડિતોના મૃતદેહ મેળવવા માટે કામ કરી રહી છે.
પાકિસ્તાન માને છે કે આ ખોટા સમાચાર છે અને કાબુલમાં કોઈ હોસ્પિટલને નિશાન બનાવવામાં આવી નથી. પાકિસ્તાની વડા પ્રધાન શાહબાઝ શરીફના પ્રવક્તા મુશર્રફ ઝૈદીએ આ વાતનો ઇનકાર કર્યો છે અને કહ્યું છે કે કોઈ હોસ્પિટલને નિશાન બનાવવામાં આવી નથી.
(10:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
