<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th March 2026

ઈરાન સાથેના સંઘર્ષને કારણે ટ્રમ્પની ચીન મુલાકાત એક મહિનો પાછી ઠેલાઈ: હવે એપ્રિલના અંતમાં ટ્રમ્પ અને શી જિનપિંગની બેઠક યોજાવાની શક્યતા

વોર રૂમમાં વ્યસ્ત હોવાથી ટ્રમ્પે બેજિંગ પ્રવાસ રદ કરવાની વિનંતી કરી, હોર્મુઝની સામુદ્રધુની ખોલવા મુદ્દે ચીન પાસે સહયોગની અપેક્ષા

ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધને કારણે રાષ્ટ્રપતિ ટ્રમ્પે તેમની નિર્ધારિત ચીન મુલાકાત મોકૂફ રાખી છે. તેમણે કહ્યું કે યુદ્ધના સમયે તેમનું દેશમાં હોવું અત્યંત જરૂરી છે.

પીબીએસ ન્યૂઝ અવરના અહેવાલ મુજબ, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમની આ મહિનાના અંતમાં યોજાનારી ચીન મુલાકાતને મોકૂફ રાખવાની સત્તાવાર પુષ્ટિ કરી છે. ટ્રમ્પ અને ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચેની આ મહત્વપૂર્ણ બેઠક હવે એપ્રિલના અંતમાં યોજાશે તેવી અપેક્ષા છે. 

ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં પત્રકારોને જણાવ્યું હતું કે, "હું ચીન જવા માંગતો હતો, પરંતુ અત્યારે ચાલી રહેલા યુદ્ધને કારણે મારે અહીં રહેવું અનિવાર્ય છે. યુદ્ધની સ્થિતિમાં કમાન્ડર-ઈન-ચીફ તરીકે મારી હાજરી જરૂરી છે."

આ મુલાકાત પાછળ ઠેલવાનું મુખ્ય કારણ મધ્ય પૂર્વમાં ઈરાન સાથેનો તીવ્ર સંઘર્ષ અને હોર્મુઝની સામુદ્રધુનીમાં પેદા થયેલું સંકટ છે. ટ્રમ્પે અગાઉ એવા પણ સંકેત આપ્યા હતા કે જો ચીન હોર્મુઝ સ્ટ્રેટને સુરક્ષિત કરવામાં મદદ કરશે તો જ સંબંધોમાં સુધારો થશે. અમેરિકા ઈચ્છે છે કે ચીન ઈરાન પર દબાણ લાવે. આ દરમિયાન બહેરીન અને સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) ના આકાશમાં વિસ્ફોટો અને એર ડિફેન્સ સક્રિય થયાના સમાચાર પણ મળ્યા છે, જે દર્શાવે છે કે આખું ક્ષેત્ર અત્યારે ગંભીર યુદ્ધની લપેટમાં છે. 

(9:41 AM IST)