News of Tuesday, 17th March 2026
લાલ સમુદ્ર (રેડ-સી)માં તૈનાત અમેરિકી વિમાનવાહક જહાજ યુએસએસ જેરાલ્ડ આર. ફોર્ડના લોન્ડ્રી રૂમમાં ભીષણ આગ: ૩૦ કલાકની જહેમત બાદ આગ પર કાબૂ: આગને કારણે ૬૦૦ સૈનિકોએ રહેવાની સુવિધા ગુમાવી: સેન્ટ્રલ કમાન્ડ દ્વારા તપાસના આદેશ

અમેરિકાના સૌથી આધુનિક વિમાનવાહક જહાજ પર આગ લાગવાની ઘટના બની છે. જોકે જહાજની ઓપરેશનલ ક્ષમતાને નુકસાન થયું નથી, પરંતુ સૈનિકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ મુજબ, લાલ સમુદ્રમાં કાર્યરત અમેરિકી નૌસેનાના વિમાનવાહક જહાજ યુએસએસ જેરાલ્ડ આર. ફોર્ડ (સીવીએન-૭૮) પર ગયા અઠવાડિયે ભીષણ આગ ફાટી નીકળી હતી. આ આગ જહાજના મુખ્ય લોન્ડ્રી એરિયામાં શરૂ થઈ હતી અને વેન્ટિલેશન દ્વારા અન્ય ભાગોમાં ફેલાઈ હતી. નૌસૈનિકોએ આશરે ૩૦ કલાક સુધી સતત મહેનત કરીને આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનામાં બે સૈનિકોને સામાન્ય ઈજાઓ પહોંચી છે.
સૌથી વધુ અસર સૈનિકોના રહેઠાણ (બર્થિંગ) એરિયામાં થઈ છે, જેના કારણે ૬૦૦ થી વધુ સૈનિકોએ તેમના બેડ ગુમાવ્યા છે. આ સૈનિકો અત્યારે જહાજના ફ્લોર અને ટેબલ પર સૂવા માટે મજબૂર છે.
સેન્ટ્રલ કમાન્ડ (સેન્ટકોમ) એ સ્પષ્ટ કર્યું છે કે આ આગ કોઈ દુશ્મન દેશના હુમલાને કારણે નથી લાગી, પરંતુ ટેકનિકલ ખામી હોઈ શકે છે. આ જહાજ છેલ્લા ૧૦ મહિનાથી સતત તૈનાત છે અને અગાઉ તેમાં પ્લમ્બિંગ અને ટોયલેટ બ્લોકેજ જેવી સમસ્યાઓ પણ નોંધાઈ હતી. લાંબા સમય સુધી સમુદ્રમાં રહેવાને કારણે જહાજના જાળવણીના પ્રશ્નો ઊભા થયા હોવાનું માનવામાં આવે છે.
(9:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
