News of Tuesday, 17th March 2026
વિચિત્ર કિસ્સોઃ પતિએ બહાર લફરું કર્યું તો પત્નીએ જુગાડ કર્યોઃ પ્રેમિકાને ભાડે આપી દીધો, મહિને ૮૫ હજાર નક્કી કર્યા
દુનિયાભરમાં પતિ-પત્નીના ઝઘડા અને બેવફાઈની કહાનીઓ હંમેશા સામે આવતી રહે છે, પણ થાઈલેન્ડમાંથી સામે આવેલો એક કિસ્સો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં છે : આ ઘટનામાં એક પત્નીએ પોતાના દગાબાજ પતિને છૂટાછેડા આપવાની જગ્યાએ તેની પ્રેમિકાને એક વિચિત્ર ઓફર આપી દીધી

બેંગ્લોર તા.૧૭: હકીકતમાં આ સમગ્ર મામલો થાઈલેન્ડના એક ટીવી શો હોન ક્રાંસેમાંથી સામે આવ્યો છે, જ્યાં પત્નીએ પોતાની આખી કહાની સંભળાવી હતી. આપને જણાવી દઈએ કે, હોન ક્રાંસે થાઈલેન્ડનો એક ખૂબ જ લોકપ્રિય અને વિવાદાસ્પદ ક્રાઈમ/ન્યૂઝ ટોક શો છે. જે ગંભીર ગુનાઓ અને સામાજિક મુદ્દાની તપાસ કરે છે. રિપોર્ટ અનુસાર, પત્ની જેનું નામ ખુન ક્વાંગ હોવાનું કહેવાય છે. પોતાના પતિ સાથે કોલેજના સમયથી સંબંધમાં હતી. બંનેએ લગ્ન ત્યારે કર્યા હતા, જ્યારે ક્વાંગની ઉંમર ૨૧ વર્ષની હતી. હવે તે ૩૧ વર્ષની થઈ ગઈ છે અને તેમને એક ૮ વર્ષનું બાળક પણ છે. ક્વાંગનું કહેવું છે કે કેટલાય વર્ષો સુધી તેમનું વૈવાહિક જીવન એકદમ સામાન્ય ચાલી રહ્યું હતું. પણ વર્ષ ૨૦૨૫ની વચ્ચે તેને શંકા થવા લાગી કે તેના પતિની જિદગીમાં કોઈ અન્ય મહિલા આવી ગઈ છે.
ક્વાંગને પહેલી વાર ત્યારે શંકા ગઈ જ્યારે તેણે જોયું કે એક અજાણી મહિલા તેના પતિને ઓનલાઈન ફોલો કરી રહી છે અને તેની સોશિયલ મીડિયા પોસ્ટ સતત જોઈ રહી છે. ત્યાર બાદ ધીમે ધીમે તેના પતિનો વ્યવહાર પણ બદલાવા લાગ્યો. તે મોડી રાતે ઘરે આવવા લાગ્યો અને ફોન કોલ્સથી બચવા લાગ્યો. તેનાથી તેની પત્નીની શંકા વધી ગઈ. એક દિવસ રાતના લગભગ ૧ વાગ્યે પતિ ઘરે આવ્યો અને તેણે કહ્યું કે તે પરિવાર છોડવા માગે છે. તેણે એવું પણ કહ્યું કે, ઘર, કાર અને બાકી જવાબદારી પત્ની અને બાળકોના નામે કરી ચૂક્યો છે.
જો કે થોડા સમય બાદ તે ફરી ઘરે પરત આવ્યો, પણ ક્વાંગને લાગી રહ્યું હતું કે આ મામલો ખતમ નથી થયો. તેને શંકાને પાકી કરવા માટે ક્વાંગે એક પ્રાઈવેટ ઈન્વેસ્ટિગેટરને કામ પર રાખ્યો. તેના માટે તેણે લગભગ ૨૮ હજાર રૂપિયા દરરોજની ફી પણ ચૂકવી. જાસૂસે એક જ દિવસમાં શોધી કાઢ્યું કે તેનો પતિ શહેરના રામખામહેંગ વિસ્તારમાં કોઈ મહિલાના ઘરે જઈ રહ્યો છે.
જ્યારે ક્વાંગ ત્યાં પહોંચી તો પતિ નીકળી ચૂક્યો હતો, પણ બાદમાં જ્યારે ત્રણેયનો આમનો-સામનો થયો તો પ્રેમિકાએ સ્વીકાર કર્યો કે તેને ખબર હતી કે આ વ્યક્તિ પહેલાથી પરણેલો છે અને તેને બાળકો પણ છે. એ પછી ક્વાંગે એક ઓફર આપી જેણે સૌને ચોંકાવી દીધા. તેણે કહ્યું કે જો પ્રેમિકા તેના પતિ સાથે રહેવા માગે છે તો તેને દર મહિને ૩૦,૦૦૦ બાત (૮૫ હજાર રૂપિયા) ભાડા તરીકે આપવા પડશે. જો કે પ્રેમિકા આ વાત માટે તૈયાર થઈ ગઈ, પણ પતિએ આ ઓફર ફગાવી દીધી.
ત્યાર બાદ કાનૂની નિષ્ણાતોએ જણાવ્યું કે, પતિને ભાડા પર આપવા જેવું કોઈ સમાધાન થાઈલેન્ડના કાયદામાં માન્ય નથી. કેમ કે ત્યાં એક પત્ની પ્રથાનો નિયમ લાગુ છે. હાલમાં પત્નીએ આ મામલામાં પ્રેમિકા વિરુદ્ધ કાનૂની કાર્યવાહી શરૂ કરી દીધી છે. આ અનોખો મામલો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેને વૈવાહિક જીવનનો વિચિત્ર કિસ્સો ગણાવી રહ્યા છે.
(10:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
