<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th March 2026

રાજ્‍યસભા ચૂંટણી ૨૦૨૬ : NDAનો ભવ્‍ય વિજય અને વિપક્ષી ગઢમાં ગાબડું

કોંગ્રેસ અને પ્રાદેશિક પક્ષોના ગણિત બિહારથી લઈને ઓડિશા સુધી નિષ્‍ફળ સાબિત થયા : ૧૦ રાજ્‍યોની ૩૭ બેઠકો પર રમાયેલા આ રાજકીય જંગમાં ભાજપ પ્રેરિત ગઠબંધને ૨૨ બેઠકો કબ્‍જે કરીને વિપક્ષી છાવણીમાં સોપો પાડી દીધો

નવી દિલ્‍હી, તા.૧૭: રાજ્‍યસભાની ૩૭ બેઠકો માટેના જંગમાં આખરે ચિત્ર સ્‍પષ્ટ થઈ ગયું છે અને તેમાં એનડીએ એક શક્‍તિશાળી વિજેતા તરીકે ઉભરી આવ્‍યું છે. ૧૦ રાજ્‍યોમાં ફેલાયેલી આ ચૂંટણીમાં ભાજપની રણનીતિ એટલી સચોટ રહી કે વિપક્ષના તમામ ગઠબંધન અને અખતરાઓ ધ્‍વસ્‍ત થઈ ગયા. ખાસ કરીને બિહાર, હરિયાણા અને ઓડિશામાં જે ૧૧ બેઠકો માટે મતદાન થયું, તેમાં એનડીએએ ૯ બેઠકો જીતીને વિપક્ષને માત્ર ૨ બેઠકો પર સીમિત કરી દીધું. આ પરિણામો માત્ર આંકડાકીય સરસાઈ નથી, પરંતુ રાજ્‍યસભામાં હવે સરકાર માટે મહત્‍વના ખરડાઓ પસાર કરાવવા માટેનો માર્ગ વધુ મોકળો થયો છે. બિહારમાં તેજસ્‍વી યાદવ અને ઓવૈસીનું ફેક્‍ટર હોય કે ઓડિશામાં કોંગ્રેસ-બીજેડીની આશા, ભાજપની ચાણકય નીતિ સામે બધું જ ફિક્કું સાબિત થયું છે.

આ ચૂંટણીના અંતિમ સ્‍કોરકાર્ડ પર નજર કરીએ તો ભાજપ પોતે ૧૩ બેઠકો સાથે સૌથી મોટો પક્ષ રહ્યો છે, જ્‍યારે તેના સાથી પક્ષો જેવા કે જેડીયુ (JDU), શિંદેની શિવસેના અને અજિત પવારની એનસીપીએ પણ મહત્‍વનું યોગદાન આપ્‍યું છે. વિપક્ષી છાવણીમાં કોંગ્રેસને માત્ર ૬ બેઠકોથી સંતોષ માનવો પડ્‍યો છે. સૌથી મોટું નુકસાન આરજેડી (RJD), બસપા અને શિવસેના (UBT) જેવા પક્ષોને થયું છે, જેઓ પોતાનું ખાતું ખોલાવવામાં પણ નિષ્‍ફળ રહ્યા. પરિણામો પહેલા એનડીએ પાસે જે ૧૨ બેઠકો હતી તે હવે વધીને ૨૨ થઈ ગઈ છે, જે દર્શાવે છે કે ભાજપે અન્‍ય પક્ષોના મતોમાં ગાબડું પાડીને પોતાની તાકાત બમણી કરી દીધી છે. ખાસ કરીને મહારાષ્‍ટ્ર અને પશ્‍ચિમ બંગાળમાં ભાજપે જે રીતે બેઠકો ખેંચી લીધી છે, તેણે મમતા બેનર્જી અને શરદ પવાર જેવા દિગ્‍ગજોને વિચારતા કરી દીધા છે.

રાજ્‍યવાર વિશ્‍લેષણ કરતા સમજાય છે કે સત્તાધારી પક્ષે દરેક રાજ્‍યની સ્‍થાનિક સ્‍થિતિ મુજબ અલગ-અલગ વ્‍યૂહરચના અપનાવી હતી. તમિલનાડુમાં ડીએમકેએ એક બેઠક ગુમાવી તો પશ્‍ચિમ બંગાળમાં ડાબેરીઓનો સફાયો થયો છે. મહારાષ્‍ટ્રના જંગમાં ભાજપે ૪ બેઠકો જીતીને સાબિત કરી દીધું કે રાજ્‍યમાં મહાયુતિનું પલ્લું ભારે છે. બીજી તરફ, કોંગ્રેસે તમિલનાડુમાં એક બેઠક મેળવીને થોડી રાહત અનુભવી છે, પરંતુ રાષ્‍ટ્રીય સ્‍તરે વિપક્ષી ગઠબંધન ‘ઇન્‍ડિયા બ્‍લોક' પોતાની બેઠકો જાળવી રાખવામાં નિષ્‍ફળ રહ્યો છે. આ પરિણામો આગામી સમયમાં દેશના રાજકારણમાં મોટા ફેરફારોના સંકેત આપી રહ્યા છે, જ્‍યાં ભાજપ હવે ઉપલા ગળહમાં પણ પોતાની મનમરજી મુજબના નિર્ણયો લેવાની સ્‍થિતિમાં આવી રહ્યું છે

(10:50 AM IST)