હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
અબુધાબીના BAPS મંદિરની અનન્ય માનવીય પહેલ : યુદ્ધગ્રસ્ત માહોલમાં ફસાયેલા ગુજરાતી સહીત હજારો ભારતીયોની મદદ કરી
મહંત સ્વામી મહારાજે અબુધાબી સ્થિત બ્રહ્મવિહારીદાસ સ્વામી અને અન્ય સંતોનો સંપર્ક કરીને તેમને હિંમત આપી :ફસાયેલા હજારો ભારતીયો અને સ્થાનિક નાગરિકોને આશ્રય, ભોજન અને જરૂરી સહાય પૂરી પાડી

મધ્ય પૂર્વમાં વણસેલી યુદ્ધ જેવી પરિસ્થિતિ વચ્ચે સંયુક્ત આરબ અમીરાત (યુ.એ.ઈ.) માં આવેલું બી.એ.પી.એસ. હિન્દુ મંદિર સેવા અને માનવતાના પ્રતીક તરીકે ઉભરી આવ્યું છે. મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી, મંદિરના સંતો અને સ્વયંસેવકોએ યુદ્ધગ્રસ્ત માહોલમાં ફસાયેલા હજારો ભારતીયો અને સ્થાનિક નાગરિકોને આશ્રય, ભોજન અને જરૂરી સહાય પૂરી પાડી, તેમનું મનોબળ ટકાવી રાખવામાં મદદ કરી છે.
વાત ગત 27 ફેબ્રુઆરીની છે, જ્યારે અબુધાબીમાં બી.એ.પી.એસ. મંદિરના આસપાસના વિસ્તારના વિકાસ કાર્યો સંદર્ભે સરકારી અધિકારીઓ અને મંદિરના ટ્રસ્ટીઓ વચ્ચે ચર્ચાઓ ચાલી રહી હતી. જોકે, 28 ફેબ્રુઆરીના રોજ અચાનક ઈરાન વિરુદ્ધ યુદ્ધ ફાટી નીકળ્યું અને યુ.એ.ઈ. પણ તેની ઝપેટમાં આવી ગયું. મંદિરની આસપાસનો આશરે 20-25 કિલોમીટરનો વિસ્તાર યુ.એ.ઈ. ઉપરાંત યુ.એસ.એ., યુ.કે., ફ્રાન્સ વગેરે દેશોના મિલિટરી બેઝ ધરાવે છે.
ઈરાન દ્વારા છોડવામાં આવતા મિસાઈલોનો પ્રતિકાર કરતા એન્ટી-મિસાઈલ્સ આ લશ્કરી થાણાઓ દ્વારા છોડવામાં આવતા, મંદિરની આસપાસના વિસ્તારમાં તીવ્ર ધડાકા સંભળાતા હતા અને મિસાઈલોના તૂટેલા ભાગો પડતા હતા. આવા સંવેદનશીલ સંજોગોમાં હજારો દર્શનાર્થીઓ અને સ્વયંસેવકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને, સરકારી અને સુરક્ષા દળો સાથે પરામર્શ કર્યા બાદ બી.એ.પી.એસ. સંસ્થા દ્વારા મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો નિર્ણય લેવાયો, જોકે મંદિરની અંદર પૂજા-પાઠ નિયમિતપણે ચાલુ રાખવામાં આવ્યા હતા.
આ યુદ્ધગ્રસ્ત માહોલની જાણ થતા જ મહંત સ્વામી મહારાજે અબુધાબી સ્થિત બ્રહ્મવિહારીદાસ સ્વામી અને અન્ય સંતોનો સંપર્ક કરીને તેમને હિંમત આપી. તેમણે સૌને ભગવાનમાં દૃઢ શ્રદ્ધા રાખીને સેવા માટે કટિબદ્ધ રહેવા જણાવ્યું. 93 વર્ષની ઉંમરે પણ તેઓ દિવસમાં બે વાર ફોન કરીને અડધો-પોણો કલાક સુધી સંતો અને સ્વયંસેવકોનું મનોબળ વધારતા રહ્યા. તેમણે સંતોને યુદ્ધગ્રસ્ત વાતાવરણમાં ભારત પરત ફરવાને બદલે ત્યાં જ રોકાઈને યથાયોગ્ય સેવા કરવા નિર્દેશ આપ્યો. મહંત સ્વામી મહારાજે ભારપૂર્વક કહ્યું કે, "આવી આપત્તિમાં સમાજની સાથે રહીને હૂંફ, જરૂરી મદદ અને ધીરજ આપવી તે જ ખરી આધ્યાત્મિકતા છે." તેમની સતત પ્રેરણાથી, આ નકારાત્મક વાતાવરણ વચ્ચે પણ સૌ સકારાત્મક રહ્યા અને સેવાકાર્યોમાં પ્રવૃત્ત રહ્યા
મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી, બી.એ.પી.એસ. સંસ્થાના સ્વયંસેવકોએ યુ.એ.ઈ. અને કુવૈતમાં ફસાયેલા હજારો ભારતીય યાત્રિકોને ભોજન, દવા, આવાસ, પરિવહન અને અન્ય જરૂરી મદદ પૂરી પાડી. અનેક ભારતીયોને ઓમાન કે સાઉદી અરેબિયાના માર્ગે ભારત પહોંચાડવામાં પણ આ સ્વયંસેવકોએ નોંધપાત્ર સેવા આપી. આ ઉપરાંત, યુ.એ.ઈ. ખાતેના ભારતીય રાજદૂતાવાસમાં પણ બી.એ.પી.એસ. સ્વયંસેવકોએ સેવા આપીને ફસાયેલા ભારતીયોના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં અને તેમને સ્વદેશ પરત મોકલવામાં મહત્વપૂર્ણ સહયોગ પૂરો પાડ્યો.
યુદ્ધના વાતાવરણની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, ભારત સરકારના અગ્રણી પ્રતિનિધિઓએ બી.એ.પી.એસ. સંતોને ભારત પરત ફરવા માટે વ્યવસ્થા પૂરી પાડવાની તૈયારી દર્શાવી હતી. પરંતુ, મહંત સ્વામી મહારાજે સંતોને આવા કપરા સંજોગોમાં સ્વયંસેવકોની સાથે રહીને લોકોની સેવા કરવા માટે અબુધાબીમાં જ રોકાઈ રહેવા વિશેષ પ્રેરણા આપી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
