હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મોજતબા ખામેનીના મોતનું કાઉન્ટડાઉન શરૂ થયું હતું : પણ એક રહસ્યમયી મિનિટે કાળના પંજામાંથી બચી ગયા
ઓપરેશન એપિક ફયુરી : પિતા અને અનેક લશ્કરી વડાઓ રાખ થઈ ગયા, પરંતુ મોજતબાનો બચાવ કુદરતનો કરિશ્મા કે કોઈ પૂર્વયોજિત વ્યૂહરચના? તેહરાનના અત્યંત સુરક્ષિત કમ્પાઉન્ડ પર જ્યારે ઇઝરાયેલી ‘બ્લુ સ્પેરો' મિસાઇલો ત્રાટકી, ત્યારે આખું આકાશ લાલચોળ બની ગયું'તું

નવી દિલ્હી, તા.૧૭: ઈરાનના સત્તાવાર વર્તુળોમાં થયેલી એક ખાનગી બેઠકના લીક થયેલા ઓડિયોએ ૨૮ ફેબ્રુઆરીની એ ભયાનક રાત્રિના રહસ્યો પરથી પડદો ઉઠાવ્યો છે. ‘ઓપરેશન એપિક ફયુરી' હેઠળ જ્યારે અમેરિકા અને ઇઝરાયેલની મિસાઇલો તેહરાનના હૃદય સમાન ખામેની કમ્પાઉન્ડ પર ત્રાટકી, ત્યારે મોજતબા ખામેની તેમના પિતા આયાતુલ્લા અલી ખામેની સાથે જ હતા. પરંતુ, મોત જેની સેકન્ડો દૂર હતું તે મોજતબા કોઈ કામ અર્થે રૂમની બહાર આંગણામાં ગયા અને એ જ પળે મિસાઇલ ઇમારત સાથે અથડાઈ. ઓડિયોમાં પ્રોટોકોલ ચીફ મઝીર હુસેનીનો અવાજ સ્પષ્ટ કહી રહ્યો છે કે, મોજતબા ઉપરના માળે પાછા ફરી રહ્યા હતા ત્યારે જ પ્રચંડ ધડાકો થયો, જેમાં તેમના પિતા અને ડઝનબંધ વરિષ્ઠ અધિકારીઓ જીવતા ભૂંજાઈ ગયા.
હુમલાની તીવ્રતા એટલી હદે પ્રલયકારી હતી કે ઈરાની આર્મી ચીફ મોહમ્મદ શિરાઝીના શરીરના ફુરચા ઉડી ગયા હતા. લીક થયેલા રિપોર્ટ મુજબ, કાટમાળમાંથી શિરાઝીના અવશેષો તરીકે માત્ર થોડા કિલોગ્રામ માંસનો લોચો જ મળી આવ્યો હતો. ત્રણ અલગ-અલગ મિસાઇલોએ કમ્પાઉન્ડના અલગ-અલગ હિસ્સાઓને નિશાન બનાવ્યા હતા. એક મિસાઇલ સીધી સર્વોચ્ચ નેતા અલી ખામેની પર પડી, જ્યારે બીજી મોજતબાના નિવાસસ્થાન પર અને ત્રીજી તેમના સાળાના ઘર પર ત્રાટકી. આ હુમલાએ ઈરાનના આખા સૈન્ય માળખાને હચમચાવી દીધું છે, કારણ કે વર્ષોથી અભેદ ગણાતી સુરક્ષા દિવાલોને ઁબ્લુ સ્પેરોઁ મિસાઇલોએ પળવારમાં ધ્વસ્ત કરી નાખી હતી.
આ કરૂણ ઘટનામાં મોજતબા ખામેનીને માત્ર પગમાં નાની ઈજા થઈ અને તેઓ બચી ગયા, પરંતુ તેમણે પોતાની પત્ની હદ્દાદને આ હુમલામાં ગુમાવી દીધી છે. હવે જ્યારે મોજતબા ઈરાનના નવા સર્વોચ્ચ નેતા તરીકે ઉભરી રહ્યા છે, ત્યારે આ લીક થયેલો ઓડિયો સાબિત કરે છે કે તે રાત્રે ઈરાને માત્ર એક નેતા જ નહીં, પણ પોતાનો ગર્વ અને સુરક્ષાનો ભ્રમ પણ ગુમાવ્યો હતો. હુમલામાં બચી ગયેલા બીજા પુત્ર મુસ્તફા ખામેની અને મોજતબા હવે આ આઘાતમાંથી બહાર આવીને ઇઝરાયેલ અને અમેરિકા સામે કેવો વળતો પ્રહાર કરે છે, તેના પર સમગ્ર વિશ્વની નજર ટકેલી છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
