News of Tuesday, 17th March 2026
ઈરાનને વધુ એક મોટો આંચકો: ઈઝરાયેલી હવાઈ હુમલામાં સુપ્રીમ લીડરના ખાસ ગણાતા અલી લારીજાનીનું મોત, ઈઝરાયેલના સંરક્ષણ મંત્રીનો સનસનીખેજ દાવો!
ઈરાનની પરમાણુ નીતિના માસ્ટરમાઇન્ડ અને પૂર્વ સ્પીકર લારીજાનીનો રાતોરાત ખાતમો; 'ઓપરેશન એપિક ફ્યુરી' માં ઈરાનનું પાવર સેન્ટર વિખેરાઈ રહ્યું હોવાની ચર્ચા.

તેલ અવીવ, તા.17: પશ્ચિમ એશિયાના રણમેદાનમાં ચાલી રહેલા ભીષણ યુદ્ધમાં હવે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ઈઝરાયેલના સંરક્ષણ મંત્રી ઈઝરાયેલ કાત્ઝે દાવો કર્યો છે કે, ઈરાનની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના સચિવ અને અનુભવી રાજકારણી અલી લારીજાની રાતોરાત કરવામાં આવેલા હવાઈ હુમલામાં માર્યા ગયા છે. જોકે, ઈરાન સરકાર તરફથી હજુ સુધી આ બાબતે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી, પરંતુ આ દાવાએ સમગ્ર વિશ્વમાં હલચલ મચાવી દીધી છે.
કોણ હતા અલી લારીજાની?
અલી લારીજાની માત્ર એક નેતા જ નહીં, પરંતુ ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીના અત્યંત વિશ્વાસુ સલાહકાર હતા. તેઓ ઈરાની સંસદના સ્પીકર તરીકે લાંબો સમય સેવા આપી ચૂક્યા છે. દેશની સંરક્ષણ અને પરમાણુ નીતિઓ ઘડવામાં તેમની ભૂમિકા સૌથી મહત્વની માનવામાં આવતી હતી. લારીજાનીએ જ રશિયા અને ચીન સાથે ઈરાનના વ્યૂહાત્મક સંબંધો મજબૂત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.
પરમાણુ વાટાઘાટોના હતા માસ્ટરમાઇન્ડ
રોઇટર્સના અહેવાલ મુજબ, ગત મહિને જ લારીજાની ઓમાનના પ્રવાસે ગયા હતા, જ્યાં તેમણે અમેરિકા સાથે પરોક્ષ રીતે પરમાણુ મંત્રણા માટે પાયો નાખવાનો પ્રયાસ કર્યો હતો. એક તરફ તેઓ ડિપ્લોસીના રસ્તે ઉકેલ શોધી રહ્યા હતા, ત્યારે બીજી તરફ ઈઝરાયેલના મિસાઈલ હુમલામાં તેમનું નામ સામે આવવું એ ઈરાન માટે એક અપૂર્ણીય ક્ષતિ સમાન છે.
18મા દિવસે પહોંચ્યું 'ઓપરેશન એપિક ફ્યુરી'
અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાન વિરુદ્ધ ચલાવવામાં આવી રહેલા સૈન્ય અભિયાન 'એપિક ફ્યુરી' (Epic Fury) અને 'રોરિંગ લાયન' (Roaring Lion) એ હવે વેગ પકડ્યો છે. આ ઓપરેશન આજે 18મા દિવસમાં પ્રવેશ્યું છે. અહેવાલો મુજબ, આ અભિયાનમાં માત્ર લારીજાની જ નહીં, પરંતુ ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેની અને IRGC (ઈરાની ગાર્ડ્સ) ના ઘણા વરિષ્ઠ કમાન્ડરો પણ માર્યા ગયા હોવાની અટકળો તેજ બની છે.
ઈરાનનું મૌન અને વધતો તણાવ
ઈરાન દ્વારા હજુ સુધી લારીજાનીના મોતના સમાચાર છુપાવવામાં આવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે, જે પાછળનું કારણ જનતામાં ફેલાનારો આક્રોશ અથવા સેનાના નબળા પડતા મનોબળ હોઈ શકે છે. જો આ સમાચાર સાચા સાબિત થાય છે, તો મધ્યપૂર્વમાં યુદ્ધની જ્વાળાઓ વધુ ભયાનક બની શકે છે અને ઈરાન મોટા પાયે વળતો પ્રહાર કરવાની તૈયારી કરી શકે છે.
(4:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
