News of Tuesday, 17th March 2026
અમેરિકામાં ‘U-વીઝા’ મેળવવા જીતેન્દ્રકુમાર, મહેશકુમાર, સંજયકુમાર, અમિતાબેન, સંગીતાબેન, મિતુલ, રમેશભાઈ, રોનકકુમાર, સોનલ અને મિંકેશ પટેલે રચ્યું નકલી લૂંટનું કાવતરું : ૧૧ ભારતીયોની ધરપકડ
બોસ્ટનમાં સગવડિયો ગુનો ઊભો કરી ઈમિગ્રેશન બેનિફિટ મેળવવાના રેકેટનો પર્દાફાશ : લૂંટારૂ બનીને ગન બતાવી ગલ્લામાંથી રોકડ ચોરી લેવાનું નાટક સીસીટીવીમાં કેદ કરી ધરપકડ વહોરતા જીતેન્દ્રકુમાર, મહેશકુમાર, સંજયકુમાર, અમિતાબેન, સંગીતાબેન, મિતુલ, રમેશભાઈ, રોનકકુમાર, સોનલ અને મિંકેશ પટેલ

બોસ્ટન:અમેરિકાના બોસ્ટન, મેસેચ્યુસેટ્સમાં કાયમી વસવાટ અને ઈમિગ્રેશનના ફાયદા મેળવવા માટે આયોજનબદ્ધ રીતે સશસ્ત્ર લૂંટનું નાટક રચવાના આરોપમાં ૧૧ ભારતીય નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે. આ ટોળકીએ અમેરિકાના ‘U-વીઝા’ મેળવવા માટે હથિયારધારી લૂંટના બનાવટી દ્રશ્યો ઊભા કર્યા હતા, જેથી તેઓ કાયદાકીય રીતે પોતાને ગુનાના ભોગ બનેલા સાબિત કરી શકે. ફેડરલ તપાસકર્તાઓએ આ મામલે વીઝા છેતરપિંડી અને કાવતરાના ગુના હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.
U-વીઝા મેળવવાની લાલચમાં ખેલાયો ખેલ:
અમેરિકી કાયદા મુજબ, ‘U-વીઝા’ એવા વ્યક્તિઓને આપવામાં આવે છે જેઓ ગંભીર ગુનાનો ભોગ બન્યા હોય અને તપાસમાં પોલીસને સહકાર આપતા હોય. આ કાયદાનો દુરુપયોગ કરવા માટે આ ગ્રૂપે વિવિધ સ્ટોર્સ, લિકર શોપ અને ફાસ્ટ ફૂડ રેસ્ટોરન્ટ્સમાં ઓછામાં ઓછી ૬ નકલી લૂંટનું આયોજન કર્યું હતું. તપાસ એજન્સીઓના જણાવ્યા અનુસાર, આ આખું રેકેટ અત્યંત પદ્ધતિસર રીતે ચાલતું હતું.
સીસીટીવીમાં પુરાવા ઊભા કરવા માટે પાંચ મિનિટ મોડી પોલીસને જાણ કરતા:
આ કાવતરામાં એક વ્યક્તિ લૂંટારૂનો વેશ ધારણ કરતો અને હાથમાં નકલી બંદૂક જેવી વસ્તુ લઈને દુકાનમાં ઘૂસતો હતો. તે ગલ્લામાંથી રોકડ રકમ લૂંટીને ભાગી જતો હતો. આ બધી પ્રક્રિયા એવી રીતે કરવામાં આવતી કે જેથી સ્ટોરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં લૂંટની ઘટના આબેહૂબ અને સાચી દેખાય. લૂંટ બાદ દુકાનમાં હાજર અન્ય સાથીદારો જાણીજોઈને પાંચ મિનિટ કે તેથી વધુ સમય સુધી પોલીસને જાણ કરતા નહોતા, જેથી લૂંટારૂ સરળતાથી ભાગી શકે અને ઘટના સાચી લાગે.
નાણાં ચૂકવીને લૂંટનો ભોગ બનવાનું નાટક:
તપાસમાં એવો પણ ઘટસ્ફોટ થયો છે કે આ યોજનામાં સામેલ થવા માટે આરોપીઓ નાણાંની ચૂકવણી કરતા હતા. આ નાણાં રેકેટના ઓર્ગેનાઈઝરને મળતા હતા, જેમાંથી કેટલોક હિસ્સો દુકાન માલિકોને લૂંટનું નાટક કરવા દેવા માટે આપવામાં આવતો હતો. ધરપકડ કરાયેલા લોકોમાં જીતેન્દ્રકુમાર પટેલ, મહેશકુમાર પટેલ, સંજયકુમાર પટેલ, અમિતાબેન પટેલ, સંગીતાબેન પટેલ અને મિતુલ પટેલનો સમાવેશ થાય છે જેમને મેસેચ્યુસેટ્સથી પકડવામાં આવ્યા છે. જ્યારે રમેશભાઈ પટેલ, રોનકકુમાર પટેલ, સોનલ પટેલ અને મિંકેશ પટેલની ધરપકડ કેન્ટુકી, મિઝોરી અને ઓહાયોથી કરવામાં આવી છે.
પાંચ વર્ષની જેલ અને કરોડોનો દંડ થઈ શકે:
એફબીઆઈ અને ડિપાર્ટમેન્ટ ઓફ ઈમિગ્રેશન દ્વારા સંયુક્ત રીતે હાથ ધરાયેલા આ ઓપરેશન બાદ તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. જો વીઝા ફ્રોડનું કાવતરું સાબિત થાય તો આરોપીઓને પાંચ વર્ષ સુધીની જેલની સજા, ત્રણ વર્ષની દેખરેખ અને ૨,૫૦,૦૦૦ ડોલર (આશરે ₹ ૨ કરોડથી વધુ) સુધીનો દંડ થઈ શકે છે. હાલમાં આ તમામ પર માત્ર આરોપો મૂકવામાં આવ્યા છે અને કાયદેસરની તપાસ ચાલુ છે.
(4:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
