<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th March 2026

નેતન્યાહૂ જીવતા છે કે આ માત્ર 'AIનો ખેલ'? ઇઝરાયેલી PMના 'લાઇફ પ્રૂફ' વીડિયોમાં ગાયબ થતી વીંટીએ દુનિયાભરમાં મચાવ્યો ખળભળાટ!

ક્યારેક છ આંગળી તો ક્યારેક ગાયબ થતી વીંટી: અફવાઓને રોકવા બહાર પાડેલા વીડિયો જ બન્યા નવી શંકાનું કારણ, સોશિયલ મીડિયા પર 'ડીપફેક'ના આરોપોથી ઇઝરાયેલમાં સનસનાટી.

જેરુસલેમ: પશ્ચિમ એશિયાના ભીષણ યુદ્ધ વચ્ચે અત્યારે સૌથી મોટો સવાલ એ ચર્ચાઈ રહ્યો છે કે - 'બેન્જામિન નેતન્યાહૂ ક્યાં છે?' ઈરાન દ્વારા તેમને જાનથી મારી નાખવાની ધમકીઓ અને મિસાઈલ હુમલાના દાવાઓ વચ્ચે સોશિયલ મીડિયા પર એવી અફવાઓ વાયુવેગે ફેલાઈ રહી છે કે 'બીબી' ઉર્ફે નેતન્યાહૂ હવે આ દુનિયામાં નથી. જોકે, આ અફવાઓને ઠારવા માટે વડાપ્રધાન કાર્યાલય દ્વારા સતત 'જીવનનો પુરાવો' (Proof of Life) આપતા વીડિયો બહાર પાડવામાં આવી રહ્યા છે, પરંતુ આ વીડિયોએ રાહત આપવાને બદલે નવી જ શંકાઓને જન્મ આપ્યો છે.
વીંટીનું 'જાદુઈ' ગાયબ થવું અને AIની શંકા
તાજેતરમાં 16 માર્ચના રોજ બહાર પાડવામાં આવેલા એક વીડિયોમાં નેતન્યાહૂ જેરુસલેમની શેરીઓમાં લોકો સાથે વાત કરતા અને કૂતરાની જાતિ વિશે પૂછતા જોવા મળે છે. પરંતુ નેટીઝન્સે ઝીણવટભર્યું અવલોકન કરતા નોંધ્યું કે, વીડિયોમાં જ્યારે નેતન્યાહૂ હાથ હલાવે છે, ત્યારે તેમની આંગળી પરની વીંટી અચાનક ગાયબ થઈ જાય છે અને ફરી દેખાય છે. ટેકનિકલ નિષ્ણાતોનું માનવું છે કે આ પ્રકારની ભૂલો (Glitches) સામાન્ય રીતે ત્યારે થાય છે જ્યારે વીડિયો કૃત્રિમ બુદ્ધિમત્તા એટલે કે AI અથવા ડીપફેક ટેકનોલોજી દ્વારા બનાવવામાં આવ્યો હોય.
"હું કોફી માટે મરી ગયો છું"
આ પહેલા 15 માર્ચના રોજ નેતન્યાહૂએ એક કેફેમાં કોફી ઓર્ડર કરતા પોતાનો વીડિયો શેર કર્યો હતો. તેમાં તેમણે મજાક કરતા કહ્યું હતું કે, "હું કોફી માટે મરી ગયો છું (I am dead for coffee)." આ વીડિયોમાં તેઓ કેમેરા સામે પોતાની આંગળીઓ ગણીને બતાવી રહ્યા હતા. આ હાવભાવ એવા દાવાઓનો જવાબ હતો જેમાં અગાઉના એક વીડિયોમાં તેમના હાથમાં છ આંગળીઓ દેખાઈ હોવાની વાત વહેતી થઈ હતી. આશ્ચર્યની વાત એ છે કે, એલોન મસ્કના AI ચેટબોટ 'Grok' એ આ વીડિયોને "100 ટકા ડીપફેક" ગણાવ્યો છે.
બંકર કે સત્ય?
સોશિયલ મીડિયા પર યુઝર્સ બે ભાગમાં વહેંચાઈ ગયા છે. કેટલાક માને છે કે નેતન્યાહૂ સુરક્ષિત બંકરમાં છે અને આ વીડિયો માત્ર જનતાને ભ્રમિત કરવા માટે AI દ્વારા બનાવાયા છે. જ્યારે અન્ય લોકોનું કહેવું છે કે ઈરાન જેવા દેશો માટે નેતન્યાહૂ સુધી પહોંચવું અશક્ય છે અને આ અફવાઓ માત્ર મનોવૈજ્ઞાનિક યુદ્ધનો ભાગ છે.
વીડિયોમાં દેખાતી શારીરિક વિસંગતતાઓએ અત્યારે સમગ્ર વિશ્વના મીડિયા અને ગુપ્તચર એજન્સીઓનું ધ્યાન ખેંચ્યું છે. શું ખરેખર ઇઝરાયેલના શક્તિશાળી નેતા કોઈ જોખમમાં છે કે પછી આ ટેકનોલોજીની કોઈ સામાન્ય ભૂલ છે? આ રહસ્ય અત્યારે વધુ ઘેરું બની રહ્યું છે.

(6:13 PM IST)