હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ન્યુ યોર્કમાં હવે વાહનચાલકોએ રહેવું પડશે સાવધાન: મેયર મામદાનીએ સ્કૂલ ઝોનમાં સ્પીડ લિમિટ ઘટાડીને 15 mph કરી; 24 કલાક લાગુ રહેશે નવો નિયમ!
બાળકોની સલામતી કે જનતાના ખિસ્સા કાપવાનો નવો રસ્તો? 'સેમી લો' હેઠળ લેવાયો ઐતિહાસિક નિર્ણય; વિપક્ષે ગણાવ્યો મધ્યમ વર્ગ પર આર્થિક હુમલો

ન્યુ યોર્ક: દુનિયાનું સૌથી વ્યસ્ત શહેર ગણાતું ન્યુ યોર્ક હવે તેની 'ઝડપ' ઘટાડવા જઈ રહ્યું છે. ન્યુ યોર્ક સિટીના મેયર ઝોહરાન મામદાનીએ સોમવારે એક મોટી જાહેરાત કરતા જણાવ્યું હતું કે, શહેરની હજારો શાળાઓની આસપાસના વિસ્તારોમાં ગતિ મર્યાદા (Speed Limit) 20 mph થી ઘટાડીને માત્ર 15 mph (આશરે 24 કિમી/કલાક) કરવામાં આવશે. મેયરે આ નિર્ણય 'સેમી લો' (Sammy's Law) હેઠળ લીધો છે, જે તેમને રાજ્યના લઘુત્તમ ધોરણો કરતા પણ ગતિ મર્યાદા ઓછી કરવાની સત્તા આપે છે.
24 કલાક અને સાતેય દિવસ કડક અમલીકરણ
આ જાહેરાતમાં સૌથી મહત્વની અને વિવાદાસ્પદ બાબત એ છે કે, આ નવી ગતિ મર્યાદા માત્ર શાળાના કલાકો દરમિયાન જ નહીં, પરંતુ ચોવીસે કલાક (24/7) લાગુ રહેશે. એટલે કે, જ્યારે બાળકો શાળામાં ન હોય અથવા રજા હોય, ત્યારે પણ જો કોઈ વાહનચાલક 15 mph થી વધુ ઝડપે વાહન ચલાવશે, તો તેણે ભારે દંડ ભરવો પડશે. મેયરના આયોજન મુજબ, 2026ના અંત સુધીમાં 1,300 સ્કૂલ ઝોનમાં અને 2029 સુધીમાં શહેરની તમામ 2,300 શાળાઓમાં આ નિયમ લાગુ કરી દેવામાં આવશે.
વિરોધ પક્ષના આકરા પ્રહારો
આ નિર્ણય સામે રિપબ્લિકન સિટી કાઉન્સિલના સભ્યોએ ભારે રોષ વ્યક્ત કર્યો છે. કાઉન્સિલવુમન જોઆન એરિઓલાએ જણાવ્યું હતું કે, "જો આ ખરેખર બાળકોની સુરક્ષા માટે હોય, તો રાતના સમયે જ્યારે બાળકો શાળામાં હોતા નથી ત્યારે પણ આ નિયમ કેમ? આ વાસ્તવમાં મધ્યમ અને કામદાર વર્ગના લોકો પાસેથી પૈસા પડાવવાનો બીજો રસ્તો છે." વાહનચાલકોનું કહેવું છે કે કન્જેશન ફી અને હવે આ સ્પીડ લિમિટને કારણે શહેરમાં કાર રાખવી અસહ્ય બની ગઈ છે.
શા માટે લેવાયો આ નિર્ણય?
મેયરે ક્વીન્સની ફ્લશિંગ ઇન્ટરનેશનલ હાઇ સ્કૂલ ખાતે અકસ્માતમાં સ્વજનો ગુમાવનારા પરિવારોની હાજરીમાં આ જાહેરાત કરી હતી. ડેટા દર્શાવે છે કે 25 mph ની ઝડપે જતું વાહન જો કોઈને અથડાય, તો ઇજા થવાની શક્યતા 15 mph ની ઝડપ કરતા ત્રણ ગણી વધુ હોય છે. ગત વર્ષે ન્યુ યોર્કમાં 205 ટ્રાફિક મૃત્યુ નોંધાયા હતા, જે 1905 પછીનો સૌથી ઓછો આંકડો છે. શહેર પ્રશાસન આ આંકડાને શૂન્ય પર લાવવા માંગે છે.
નવી ગતિ મર્યાદા 60 દિવસના જાહેર પ્રતિભાવ સમયગાળા પછી સત્તાવાર રીતે અમલમાં આવશે. હવે ન્યુ યોર્કના રસ્તાઓ પર ડ્રાઇવિંગ કરવું એ માત્ર આવડત નહીં પણ ધીરજની પણ કસોટી બની રહેશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
