<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th March 2026

કુંભ મેળાની 'વાયરલ ગર્લ' મોનાલિસાના લગ્ન કે ષડયંત્ર? સુપ્રીમ કોર્ટના વકીલના સનસનાટીભર્યા આરોપો

લવ જેહાદ, શર્જીલ ઈમામ સાથેના કથિત કનેક્શન અને હિન્દુ મેરેજ એક્ટના ઉલ્લંઘન મુદ્દે વકીલ નાઝિયા ઈલાહી ખાને રાષ્ટ્રપતિના હસ્તક્ષેપની કરી માંગ

પ્રયાગરાજ  :  કુંભ મેળા દરમિયાન પોતાની સુંદરતાથી સોશિયલ મીડિયા પર રાતોરાત છવાઈ ગયેલી 'વાયરલ ગર્લ' મોનાલિસા ઉર્ફે પલ્લવીના લગ્ન હવે રાષ્ટ્રીય વિવાદનું કેન્દ્ર બન્યા છે. સુપ્રીમ કોર્ટના જાણીતા વકીલ નાઝિયા ઈલાહી ખાને આ મામલે એન્ટ્રી કરીને આખા કેસને એક ગંભીર ષડયંત્ર ગણાવ્યું છે. મોનાલિસાના પરિવાર સાથે મુલાકાત કર્યા બાદ, નાઝિયા ખાને દાવો કર્યો છે કે આ માત્ર સામાન્ય લગ્ન નથી પરંતુ એક ઊંડું 'લવ જેહાદ'નું કાવતરું છે. તેમણે આશંકા વ્યક્ત કરી છે કે આ લગ્ન પાછળ જેલભેગા થયેલા શર્જીલ ઈમામ અને પ્રતિબંધિત સંગઠનોનું ભંડોળ હોઈ શકે છે, જેનો હેતુ સામાજિક અસ્થિરતા ઊભી કરવાનો છે.

આ વિવાદમાં સૌથી મોટો કાનૂની મુદ્દો લગ્નની પદ્ધતિ પર ઉઠ્યો છે. નાઝિયા ખાનના મતે, ફરમાન નામના યુવકે પોતાની ઓળખ મુસ્લિમ તરીકે આપી હોવા છતાં, કોઈ પણ પ્રકારના ધર્માંતરણ વગર હિન્દુ રીતિ-રિવાજ મુજબ મંદિરમાં લગ્ન કર્યા છે. આ બાબત હિન્દુ લગ્ન અધિનિયમ, 1955નું સીધું ઉલ્લંઘન છે, કારણ કે કાયદેસર રીતે બંને પક્ષો હિન્દુ હોય તો જ આ એક્ટ હેઠળ લગ્ન માન્ય ગણાય. "અમે મોનાલિસાને માત્ર જીવતી જોવા માંગીએ છીએ," તેવું ભાવુક અને કડક નિવેદન આપીને વકીલે યુવતીની સુરક્ષા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે અને આ બાબતે સીધો રાષ્ટ્રપતિનો હસ્તક્ષેપ માંગ્યો છે.

રાજકીય અને સામાજિક ગરમાવા વચ્ચે, મોનાલિસાના માતા-પિતાએ ફિલ્મ નિર્દેશક સનોજ મિશ્રા સાથે મળીને સ્થાનિક ડીએસપી શ્વેતા શુક્લાને લેખિત ફરિયાદ સોંપી છે. પરિવારનો આરોપ છે કે તેમની પુત્રીને લલચાવી-ફોસલાવીને આ જાળમાં ફસાવવામાં આવી છે. નાઝિયા ખાને સુરક્ષા એજન્સીઓને અપીલ કરી છે કે ફરમાનના ભૂતકાળ અને તેના શંકાસ્પદ જોડાણોની તટસ્થ તપાસ કરવામાં આવે અને શર્જીલ ઈમામ જેવા તત્વોના પેરોલ તાત્કાલિક રદ કરવામાં આવે. હાલમાં આ કેસમાં કેરળ સરકાર અને ચોક્કસ સંગઠનોની ભૂમિકા સામે પણ આંગળી ચીંધવામાં આવતા મામલો વધુ પેચીદો બન્યો છે.

(6:28 PM IST)