News of Tuesday, 17th March 2026
બરેલી ડબલ મર્ડર: પંચાયત વચ્ચે સાસુ-સાળીની હત્યા કરનાર અફસર ખાનનો પોલીસ એન્કાઉન્ટરમાં ખેલ ખતમ
ભીડ વચ્ચે લોહીની નદી વહાવી પત્ની પર જીવલેણ હુમલો કરનાર હત્યારાએ ભાગતી વખતે પોલીસ પર કર્યું ફાયરિંગ : વળતા જવાબમાં ઢેર

બરેલી : ઉત્તર પ્રદેશના બરેલીમાં કાયદો અને વ્યવસ્થાને પડકાર ફેંકનાર ક્રૂર હત્યારા અફસર ખાનનો અંત આવ્યો છે. માત્ર ૧૮ કલાક પહેલા જ અફસરે ભારે ભીડ અને પંચાયતની હાજરીમાં શિષ્ટાચારની તમામ હદો વટાવી પોતાની સાસુ આસ્મા અને સાળી આદિલની નિર્મમ હત્યા કરી હતી. આટલેથી ન અટકતા, તેણે પોતાની પત્ની સાયમા પર પણ છરી વડે જીવલેણ હુમલો કરી તેને ગંભીર રીતે ઘાયલ કરી હતી. ધોળા દિવસે થયેલા આ જઘન્ય હત્યાકાંડે સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચાવી દીધી હતી, જેના પગલે એસએસપી અનુરાગ આર્યએ આરોપીને પકડવા માટે ત્રણ સ્પેશિયલ ટીમો તૈનાત કરી હતી.
પોલીસ જ્યારે આરોપીનો પીછો કરી રહી હતી ત્યારે અફસર ખાને આત્મસમર્પણ કરવાને બદલે ખાખી વર્દી પર ગોળીબાર શરૂ કરી દીધો હતો. જંગલ વિસ્તારમાં ઘેરાયેલા આરોપીએ પોલીસ વાહનને પણ નુકસાન પહોંચાડ્યું હતું અને અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું, જેમાં બે બહાદુર પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. આત્મરક્ષણ અને ગુનેગારને રોકવા માટે પોલીસે વળતો જવાબ આપવો પડ્યો હતો. પોલીસના સચોટ નિશાનમાં અફસર ખાન ગંભીર રીતે ઘાયલ થયો હતો અને હોસ્પિટલ પહોંચતા પહેલા જ તેનું મોત નીપજ્યું હતું. આ એન્કાઉન્ટર બાદ પોલીસે ઘટનાસ્થળેથી એક પિસ્તોલ, હત્યામાં વપરાયેલી લોહીિયાળ છરી અને ૧૦ જેટલા જીવતા કારતૂસ જપ્ત કર્યા છે.
હાલમાં બરેલીના આ વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે કારણ કે બેવડી હત્યા અને ત્યારબાદ થયેલા એન્કાઉન્ટરને કારણે સ્થાનિકોમાં ભારે તણાવ જોવા મળી રહ્યો છે. પંચાયત જેવી જાહેર જગ્યાએ હત્યા કરીને ભાગી છૂટવો એ પોલીસ માટે મોટો પડકાર હતો, પરંતુ યુપી પોલીસે 'ઝીરો ટોલરન્સ' ની નીતિ અપનાવી ગણતરીના કલાકોમાં જ ન્યાય તોળ્યો છે. ઘાયલ પોલીસકર્મીઓની હાલત અત્યારે સ્થિર છે અને મૃતક મહિલાઓના પરિવારજનોમાં ન્યાય મળ્યાનો સંતોષ હોવા છતાં ગમગીનીનો માહોલ છે. પોલીસ હવે આ કેસમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે અંગે ઊંડી તપાસ કરી રહી છે.
(6:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
