News of Tuesday, 17th March 2026
ઓડિશા રાજ્યસભા ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કરતા કોંગ્રેસમાંથી સસ્પેન્ડેડ પ્રથમ મુસ્લિમ ધારાસભ્ય સોફિયા ફિરદૌસ કોણ છે ?
બળવાખોર વલણ અપનાવવા બદલ કોંગ્રેસ પાર્ટીએ કડક કાર્યવાહી કરતા સોફિયા ફિરદૌસ, રમેશ જેના અને દશરથી ગોમાંગો અમે ત્રણ બળવાખોર ધારાસભ્યોને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા

ઓડિશામાં યોજાયેલી રાજ્યસભાની ચૂંટણીમાં મોટો રાજકીય ઉલટફેર જોવા મળ્યો છે. કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોએ બળવો પોકારીને ભાજપ સમર્થિત અપક્ષ ઉમેદવારની તરફેણમાં ક્રોસ વોટિંગ કર્યું. જેના કારણે કોંગ્રેસ અને BJD ના સંયુક્ત ઉમેદવાર ડૉ. દત્તેશ્વર હોતાને હારનો સામનો કરવો પડ્યો છે.
આ બળવાખોર વલણ અપનાવવા બદલ કોંગ્રેસ પાર્ટીએ કડક કાર્યવાહી કરતા સોફિયા ફિરદૌસ, રમેશ જેના અને દશરથી ગોમાંગો અમે ત્રણ બળવાખોર ધારાસભ્યોને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. જોકે, આ બનાવથી ધારાસભ્ય સોફિયા ફિરદૌસ ચર્ચામાં આવ્યા છે. જાણો કોણ છે ઓડિશા વિધાનસભાના પ્રથમ મુસ્લિમ મહિલા ધારાસભ્ય સોફિયા ફિરદૌસ...
સોફિયા ફિરદૌસ ઓડિશા વિધાનસભાના પ્રથમ મુસ્લિમ મહિલા ધારાસભ્ય છે. શૈક્ષણિક રીતે સોફિયાએ સિવિલ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી છે, અને તેમના લગ્ન ઉદ્યોગસાહસિક શેખ મેરાજ ઉલ હક સાથે થયા છે.
સોફિયા બારાબતી-કટક સીટના પૂર્વ કોંગ્રેસી ધારાસભ્ય અને જાણીતા રિયલ એસ્ટેટ કારોબારી (મેટ્રો ગ્રુપના સ્થાપક) મોહમ્મદ મોકીમના પુત્રી છે. મોહમ્મદ મોકીમને છેતરપિંડીના એક કેસમાં ચૂંટણી લડવા માટે અયોગ્ય ઠેરવવામાં આવતા, કોંગ્રેસે 2024ની ચૂંટણીમાં તેમની પુત્રી સોફિયાને ટિકિટ આપી હતી. જે બાદ સોફિયાએ ભાજપના પીસી મહાપાત્રાને હરાવીને ઓડિશા વિધાનસભાના પ્રથમ મુસ્લિમ મહિલા ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવી હતી.
વર્ષ 2023 માં સોફિયા ફિરદોસને કન્ફેડરેશન ઓફ રિયલ એસ્ટેટ ડેવલપર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા (CREDAI) ના ભુવનેશ્વર ચેપ્ટરના પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા. તે CREDAI ની મહિલા પાંખ માટે પૂર્વ ઝોન સંયોજક તરીકે પણ સેવા આપે છે. તે INWEC ઈન્ડિયાની મુખ્ય સભ્ય છે.
સોફિયા ફિરદૌસે રાજ્યસભા ચૂંટણીમાં BJD ઉમેદવારને સમર્થન આપવાના કોંગ્રેસના નિર્ણય પર જાહેરમાં સવાલો ઉઠાવ્યા હતા. તેમનો તર્ક હતો કે જો ઉમેદવાર BJDનો હોય, તો તે 'સંયુક્ત ઉમેદવાર' કેવી રીતે હોઈ શકે. સોફિયા ફિરદૌસના સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, "આજે ઓડિશામાં કોંગ્રેસની જે ખરાબ હાલત છે, તેનું મુખ્ય કારણ BJD જ છે".
સોફિયા ફિરદૌસે પાર્ટી નેતૃત્વ પર પણ નિશાન સાધતા વધુમાં કહ્યું હતું કે, પાર્ટી સૌને સાથે લઈને નથી ચાલી રહી, જેના કારણે કાર્યકરોમાં નિરાશા છે.
ઓડિશામાં રાજ્યસભાની 4 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપે 2 બેઠક પર જીત મેળવી, જ્યારે 1 બેઠક BJD ના ફાળે ગઈ છે. આ ઉપરાંત કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોની ક્રોસ વોટિંગના કારણે 1 બેઠક પર ભાજપ સમર્થિત અપક્ષ ઉમેદવાર દિલીપ રાયની જીત થઈ છે. સોફિયા ફિરદૌસ ઉપરાંત રમેશ જેના અને દશરથી ગોમાંગો એમ કોંગ્રેસ અન્ય બે ધારાસભ્યોએ ભાજપ સમર્થિત ઉમેદવારને મત આપ્યો હતો.
ઓડિશા કોંગ્રેસના અધ્યક્ષ ભક્ત ચરણ દાસે આ ક્રોસ વોટિંગ પર ભારે નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું કે, ત્રણેય બળવાખોર ધારાસભ્યોને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, અને તેમને વિધાનસભામાં પાર્ટીના અન્ય ધારાસભ્યો સાથે બેસવાની મંજૂરી આપવામાં આવશે નહીં. પાર્ટીના ઉચ્ચ નેતૃત્વને આ અંગે જાણ કરવામાં આવી છે અને આ ધારાસભ્યોને પાર્ટીમાંથી કાયમ માટે નિષ્કાસિત કરવા પર પણ વિચારણા ચાલી રહી છે.
આ ક્રોસ વોટિંગના ખેલમાં માત્ર કોંગ્રેસ જ નહીં, પરંતુ BJD ના પણ બે ધારાસભ્ય દેવી રંજન ત્રિપાઠી અને સૌવિક બિસ્વાલે ક્રોસ વોટિંગ કર્યું હતું. દેવી રંજન ત્રિપાઠીએ કોંગ્રેસ સાથે સંયુક્ત ઉમેદવાર ઉતારવા બાબતે નારાજગી વ્યક્ત કરી હતી. જ્યારે સૌવિક બિસ્વાલના પત્નીએ આરોપ લગાવ્યો હતો કે તેમના પતિની પાર્ટીમાં લાંબા સમયથી અવગણના થઈ રહી હતી.
આ સમગ્ર ઘટનાક્રમ પર BJD પ્રમુખ નવીન પટનાયકે ભાજપ પર હોર્સ ટ્રેડિંગ (ખરીદ-વેચાણ) નો ગંભીર આરોપ લગાવતા કહ્યું હતું કે, જે ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું છે તેઓ ગુનાહિત રેકોર્ડ ધરાવે છે અને અગાઉ જેલ પણ જઈ ચૂક્યા છે.
(6:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
