<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th March 2026

EPFOનો માસ્ટરસ્ટ્રોક: હવે પીએફના પૈસા માટે મહિનાઓ સુધી નહીં જોવી પડે રાહ, માત્ર 72 કલાકમાં ખાતામાં આવશે રોકડ

શ્રમ મંત્રાલયે પીએફ ઉપાડ અને ટ્રાન્સફરના નિયમોમાં કર્યો ધરમૂળથી ફેરફાર: 1 જાન્યુઆરીથી અમલી બનેલી CPPS સિસ્ટમ દ્વારા 70 લાખથી વધુ પેન્શનરોને સીધો ફાયદો

નવી દિલ્હી:  ખાનગી ક્ષેત્રમાં નોકરી કરતા કરોડો કર્મચારીઓ માટે કેન્દ્ર સરકારે દિવાળી જેવી ખુશખબરી આપી છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એ તેની વર્ષો જૂની અને જટિલ પ્રક્રિયાઓને હટાવીને હવે હાઈટેક ડિજિટલ સિસ્ટમ અપનાવી છે. લોકસભામાં શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી શોભા કરંદલાજેએ જાહેરાત કરી છે કે અત્યાર સુધી જે પીએફ ક્લેમ સેટલ થવામાં ૨૦ થી ૨૫ દિવસનો સમય લાગતો હતો, તે હવે માત્ર ૩ દિવસ એટલે કે ૭૨ કલાકની અંદર પૂર્ણ કરી દેવામાં આવશે. આ ફેરફારથી અચાનક પૈસાની જરૂરિયાતવાળા કર્મચારીઓને મોટી રાહત મળશે અને તેમને સરકારી કચેરીઓના ધક્કા ખાવામાંથી મુક્તિ મળશે.

સરકારે આ વર્ષે 'ઓટો-સેટલમેન્ટ' મોડ પર વધુ ભાર મૂક્યો છે, જેના કારણે અત્યાર સુધીમાં આશરે ₹૫૧,૬૨૦ કરોડની રકમ સીધી કર્મચારીઓના ખાતામાં જમા કરવામાં આવી છે. ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૬ સુધીના આંકડા મુજબ, ₹૫ લાખ સુધીના આશરે ૭૧ ટકા દાવાઓ કોઈ પણ માનવીય હસ્તક્ષેપ વગર ઓટોમેટિક સિસ્ટમથી પાસ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, જે કર્મચારીઓ વારંવાર નોકરી બદલે છે તેમના માટે પણ મોટા સમાચાર છે. હવે નોકરી બદલ્યા પછી પીએફ ખાતું ટ્રાન્સફર કરવા માટે જૂના માલિક ની મંજૂરી લેવાની માથાકૂટ રહેશે નહીં. જો તમારું KYC અપડેટ હશે, તો નવી નોકરીમાં જોડાતાની સાથે જ તમારું જૂનું બેલેન્સ આપમેળે ટ્રાન્સફર થઈ જશે.

પેન્શનરો માટે પણ ૧ જાન્યુઆરી ૨૦૨૫થી 'સેન્ટ્રલાઇઝ્ડ પેન્શન પેમેન્ટ સિસ્ટમ'  શરૂ કરવામાં આવી છે. આ નવી સિસ્ટમનો સૌથી મોટો ફાયદો એ છે કે પેન્શનર ભારતના કોઈપણ ખૂણે હોય કે ગમે તે બેંકમાં ખાતું ધરાવતો હોય, તેને દર મહિનાની પહેલી તારીખે કોઈ પણ ભૂલ વગર પેન્શન મળી જશે. અત્યાર સુધીમાં ૭૦ લાખથી વધુ પેન્શનરો આ ડિજિટલ સેવાનો લાભ લઈ રહ્યા છે. મંત્રીએ સ્પષ્ટ કર્યું છે કે સરકારનો ઉદ્દેશ્ય EPFOને સંપૂર્ણપણે 'પેપરલેસ' અને 'યુઝર-ફ્રેન્ડલી' બનાવવાનો છે, જેથી સામાન્ય કર્મચારી પોતાના નિવૃત્તિના ભંડોળનો સરળતાથી ઉપયોગ કરી શકે.

(7:57 PM IST)