News of Tuesday, 17th March 2026
નાના વેપારીઓ માટે સંજીવની બની 'પીએમ મુદ્રા યોજના': અત્યાર સુધીમાં ₹39.48 લાખ કરોડની લોન મંજૂર; નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું- 'ગેરંટી વગરના સાહસિકો માટે આ દેશની સૌથી મોટી યોજના'
મુદ્રા યોજનામાં NPAનું પ્રમાણ માત્ર 2 ટકા, શિશુ-કિશોર અને તરુણ શ્રેણીમાં લાખો લોકોએ મેળવ્યો લાભ: સીએસઆર (CSR) નિયમોના ઉલ્લંઘન બદલ કંપનીઓ પર ₹20 કરોડનો દંડ ફટકારાયો.

નવી દિલ્હી : દેશના નાના ઉદ્યોગસાહસિકો અને જેની પાસે જામીનગીરી (કોલેટરલ) ગીરો રાખવા માટે કંઈ નથી, તેવા લોકો માટે પ્રધાનમંત્રી મુદ્રા યોજના (PMMY) આશીર્વાદરૂપ સાબિત થઈ છે. મંગળવારે રાજ્યસભામાં પ્રશ્નકાળ દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારમણે આ યોજનાની ભવ્ય સફળતાના આંકડા રજૂ કરતા જણાવ્યું હતું કે, યોજનાની શરૂઆતથી અત્યાર સુધીમાં કુલ ₹39.48 લાખ કરોડની લોન મંજૂર કરવામાં આવી છે.
ત્રણ શ્રેણીમાં લોનનું વિતરણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 8 એપ્રિલ, 2015ના રોજ શરૂ કરાયેલી આ યોજના હેઠળ ત્રણ અલગ-અલગ તબક્કામાં લોન આપવામાં આવે છે. નાણામંત્રીએ વિગતો આપતા જણાવ્યું કે, 31 માર્ચ, 2025 સુધીના ડેટા મુજબ કુલ લોન રકમના 12.4 ટકા હિસ્સો 'શિશુ' શ્રેણીનો છે. જ્યારે 'કિશોર' શ્રેણીમાં 9.48 ટકા અને 'તરુણ' શ્રેણીમાં 7.92 ટકા રકમ વિતરિત કરવામાં આવી છે. સૌથી મહત્વની વાત એ છે કે આટલા મોટા પાયે લોન આપવા છતાં નોન-પર્ફોર્મિંગ એસેટ્સ (NPA) એટલે કે વસૂલ ન થઈ શકે તેવી લોનનું પ્રમાણ માત્ર 2 ટકા જેટલું જ છે.
CSR નિયમોમાં કડકાઈ અને દંડની કાર્યવાહી
બીજા એક પ્રશ્નના જવાબમાં નાણામંત્રીએ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR) અંગે પણ મહત્વની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, છેલ્લા ત્રણ નાણાકીય વર્ષોમાં CSR ધોરણોનું પાલન ન કરવા બદલ વિવિધ કંપનીઓ પર અંદાજે ₹20 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે. કંપની કાયદા મુજબ, નિયત નફો કરતી કંપનીઓએ તેમના સરેરાશ વાર્ષિક નફાના ઓછામાં ઓછા 2 ટકા સામાજિક કાર્યોમાં ખર્ચવા ફરજિયાત છે.
પછાત રાજ્યોને લાભ આપવા વિચારણા
રાજ્યસભાના અધ્યક્ષ સી.પી. રાધાકૃષ્ણને જ્યારે પછાત રાજ્યોને CSR ભંડોળનો વધુ લાભ મળે તે માટે માપદંડો બદલવા સૂચન કર્યું, ત્યારે નાણામંત્રીએ આ મુદ્દે હકારાત્મક પ્રતિસાદ આપતા કહ્યું કે સરકાર આ દિશામાં ચોક્કસ વિચારણા કરશે. હાલમાં કંપનીનું બોર્ડ જ નક્કી કરે છે કે ભંડોળ ક્યાં ખર્ચવું, જેમાં સરકાર હસ્તક્ષેપ કરતી નથી.
મુદ્રા યોજનાની આ સફળતા દર્શાવે છે કે ભારતમાં સ્વરોજગાર અને નાના ઉદ્યોગો અર્થતંત્રના મુખ્ય સ્તંભ બની રહ્યા છે.
(9:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
