<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th March 2026

અમેરિકાના મૈનેમાં ભારતીય મૂળના નીરવ શાહનો દબદબો: ગવર્નર પદની રેસમાં ટોચના શેરિફ ટોડ બ્રેકેટનું મળ્યું સમર્થન; શાહને ગણાવ્યા સાચા અને મજબૂત નેતા!

કટોકટીના સમયમાં લોકોને એકસાથે લાવવાની ક્ષમતા ધરાવે છે ડૉ. નીરવ શાહ: શેરિફ બ્રેકેટે શાહના નેતૃત્વની કરી પ્રશંસા; 9 જૂને યોજાનારી પ્રાથમિક ચૂંટણી પહેલા નીરવ શાહનું પલ્લું ભારે થયું

ઓગસ્ટા (મૈને) : અમેરિકાના મૈને રાજ્યમાં ગવર્નર પદની આગામી ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ભારતીય મૂળના જાહેર આરોગ્ય નિષ્ણાત અને ડેમોક્રેટ ઉમેદવાર નીરવ શાહને એક મોટી સફળતા મળી છે. લિંકન કાઉન્ટીના પ્રતિષ્ઠિત શેરિફ ટોડ બ્રેકેટે નીરવ શાહને પોતાનું સત્તાવાર સમર્થન જાહેર કર્યું છે. આ સમર્થનથી મૈનેના ગવર્નર તરીકે નીરવ શાહના અભિયાનને જબરદસ્ત વેગ મળ્યો છે.
જાહેર આરોગ્ય અને કાયદા અમલીકરણનો સંગમ
નીરવ શાહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ સમર્થનની જાહેરાત કરતા શેરિફ બ્રેકેટનો આભાર માન્યો હતો. યુએસ સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) ના ભૂતપૂર્વ ડેપ્યુટી ડિરેક્ટર રહી ચૂકેલા ડૉ. શાહે જણાવ્યું કે, "લોકોને સુરક્ષિત રાખવા માટે - ખાસ કરીને મુશ્કેલ સમયમાં - જાહેર આરોગ્ય વિભાગ અને કાયદા અમલીકરણ એજન્સીઓ વચ્ચે મજબૂત ભાગીદારી હોવી અનિવાર્ય છે. શેરિફ બ્રેકેટ જેવા અનુભવી નેતાનું સમર્થન મળવું એ મારા માટે ગૌરવની વાત છે."
"ડૉ. નીરવ શાહ જ વાસ્તવિક નેતા છે"
શેરિફ ટોડ બ્રેકેટે નીરવ શાહની મુક્તકંઠે પ્રશંસા કરતા તેમને "રિયલ ડીલ" (વાસ્તવિક અને સાચા નેતા) ગણાવ્યા છે. તેમણે કહ્યું કે, "મેં મારી કારકિર્દીમાં ઘણા રાજકીય નેતાઓ સાથે કામ કર્યું છે, પરંતુ હું ખાતરીપૂર્વક કહી શકું છું કે ડૉ. નીરવ શાહમાં એ કાબેલિયત છે જે મૈનેને કટોકટીના સમયમાં એક કરી શકે છે. તેઓ સ્પષ્ટ સંવાદ સાધવામાં માહિર છે અને સમુદાયના રક્ષણ માટે હંમેશા તત્પર રહે છે."
ચૂંટણીનો ગણગણાટ અને મહત્વની તારીખો
નીરવ શાહે ઓક્ટોબર 2025માં સત્તાવાર રીતે ગવર્નર પદ માટેના પોતાના અભિયાનની શરૂઆત કરી હતી. ત્યારથી તેઓ સતત લોકપ્રિયતા મેળવી રહ્યા છે. મૈનેમાં આગામી 9 જૂને પ્રાથમિક ચૂંટણીઓ યોજાવાની છે, જ્યારે સામાન્ય ચૂંટણી 3 નવેમ્બરે યોજાશે. ભારતીય ડાયસ્પોરા માટે આ ગર્વની ક્ષણ છે કારણ કે નીરવ શાહ અમેરિકાના એક મહત્વના રાજ્યના સર્વોચ્ચ પદ માટે મજબૂત દાવેદાર તરીકે ઉભરી આવ્યા છે.
નીરવ શાહના આ અભિયાનને 'IA ઇમ્પેક્ટ' જેવી સંસ્થાઓનું પણ અગાઉ સમર્થન મળી ચૂક્યું છે, જે દર્શાવે છે કે અમેરિકી રાજકારણમાં ભારતીયોનો પ્રભાવ સતત વધી રહ્યો છે.

(9:41 PM IST)