<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th March 2026

ઇન્દોર બનશે દેશનો પ્રથમ 'ઝીરો વેસ્ટ ઝોન': સ્વચ્છતાના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે નવું પ્રકરણ

ઝોન-18 ના ચારેય વોર્ડને સંપૂર્ણ કચરામુક્ત કરી ઇન્દોર આર્થિક બચત અને પર્યાવરણ સુરક્ષાનું ગ્લોબલ મોડેલ રજૂ કરશે: ગોદરેજ પ્રોપર્ટીઝના ₹7 કરોડના CSR ફંડથી પ્રોજેક્ટ તેજ

ઇન્દોર:  સ્વચ્છતામાં સતત સાત વાર દેશમાં પ્રથમ રહેલું ઇન્દોર હવે માર્ચના અંત સુધીમાં દેશનો પ્રથમ 'ઝીરો વેસ્ટ ઝોન' સ્થાપિત કરવા જઈ રહ્યું છે. ઝોન નંબર 18 ના ચાર વોર્ડ તીન ઇમલી, આઝાદ નગર, IT પાર્ક અને મુસાખેડીને સંપૂર્ણપણે કચરામુક્ત બનાવવાની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. આ પ્રોજેક્ટ અંતર્ગત કચરો જે જગ્યાએ ઉત્પન્ન થાય ત્યાં જ તેનો નિકાલ કરવામાં આવશે, જેનાથી ટ્રાન્સફર સ્ટેશન સુધીના પરિવહન ખર્ચમાં દર મહિને ₹25 લાખની માતબર બચત થશે.

આ ઐતિહાસિક સિદ્ધિ માટે ગોદરેજ પ્રોપર્ટીઝ દ્વારા ₹7 કરોડનું CSR ફંડ ફાળવવામાં આવ્યું છે, જેનો ઉપયોગ તીન ઇમલી બ્રિજ નીચે અત્યાધુનિક 'મટીરીયલ રિકવરી સેન્ટર' બનાવવા માટે થશે. આ કેન્દ્રમાં રોજનો 40 ટન સૂકો કચરો પ્રોસેસ કરી પ્લાસ્ટિક, કાગળ અને ધાતુને રિસાયક્લિંગ માટે મોકલાશે. ભીના કચરા માટે ઝોનમાં 40 ખાતર ખાડાઓ બનાવવામાં આવશે, જે કચરામાંથી જૈવિક ખાતર બનાવી આવક ઉભી કરશે.

માત્ર પર્યાવરણ જ નહીં, આ પ્રોજેક્ટ સામાજિક ઉત્થાનમાં પણ મહત્વની ભૂમિકા ભજવશે. કચરાના પ્રોસેસિંગ માટે 20 રેગપીકર્સ (કચરો વીણનારા) ને સત્તાવાર રોજગારી આપી તેમને મુખ્ય પ્રવાહમાં જોડવામાં આવશે. ઇન્દોર મ્યુનિસિપલ કોર્પોરેશનનો આ પ્રયોગ સફળ થતા શહેરમાં ઝીરો વેસ્ટ વોર્ડની સંખ્યા 10 પર પહોંચશે, જે આગામી સ્વચ્છ સર્વેક્ષણમાં ઇન્દોરનું સ્થાન વધુ મજબૂત બનાવશે.

(9:46 PM IST)