<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th March 2026

શું તમારી પાસેથી પણ હોટલમાં વસૂલાય છે 'ગેસ કટોકટી ચાર્જ'? સાવધાન! બેંગલુરુના કાફેનું ₹374નું બિલ વાયરલ થતા ખળભળાટ; જાણો શું કહે છે ગ્રાહક સુરક્ષા કાયદો અને ક્યાં કરવી ફરિયાદ!

પશ્ચિમ એશિયામાં યુદ્ધને કારણે LPGની અછતનો ગેરફાયદો ઉઠાવતા રેસ્ટોરન્ટ સંચાલકો: લીંબુ શરબત પર પણ 5% વધારાનો ટેક્સ ઝીંક્યો; CCPAની ગાઇડલાઇન મુજબ મેનુ ભાવ સિવાયનો કોઈ પણ છુપાયેલ ખર્ચ છે ગેરકાનૂની.

બેંગલુરુ : પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધની અસર હવે તમારા જમવાના બિલ પર પણ પડવા લાગી છે. ભારતમાં કોમર્શિયલ LPG સિલિન્ડરોની સર્જાયેલી અછત વચ્ચે કેટલીક હોટલો અને રેસ્ટોરન્ટ્સ ગ્રાહકો પાસેથી 'ગેસ કટોકટી ચાર્જ' (Gas Crisis Charge) ના નામે વધારાના નાણાં વસૂલી રહી છે. તાજેતરમાં બેંગલુરુના એક કાફેનું બિલ સોશિયલ મીડિયા પર વાયરલ થયું હતું, જેમાં ગ્રાહક પાસેથી લીંબુ શરબત પર 5% ગેસ ચાર્જ વસૂલવામાં આવ્યો હતો. આ જોઈને નેટીઝન્સે સવાલ ઉઠાવ્યો છે કે શું લીંબુ શરબત બનાવવામાં પણ ગેસનો ઉપયોગ થાય છે?
શું આ વધારાનો ચાર્જ કાયદેસર છે?
ગ્રાહક સુરક્ષા અધિનિયમ-2019 અને સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA) ના નિયમો મુજબ, કોઈ પણ રેસ્ટોરન્ટ મેનુ કાર્ડમાં છાપેલી કિંમત અને લાગુ પડતા GST સિવાય અન્ય કોઈ પણ 'હિડન ચાર્જ' વસૂલી શકતી નથી. જો ઈંધણના ભાવ વધવાને કારણે રેસ્ટોરન્ટનો ખર્ચ વધતો હોય, તો તેમણે પારદર્શક રીતે મેનુના ભાવમાં સુધારો કરવો જોઈએ, પરંતુ બિલમાં અલગથી 'ગેસ ચાર્જ' ઉમેરવો એ "અન્યાયી વેપાર પ્રથા" (Unfair Trade Practice) ગણાય છે.
ગ્રાહકોને લૂંટવાની નવી તરકીબ
અહેવાલો મુજબ, માત્ર બેંગલુરુ જ નહીં પણ ચેન્નાઈ અને ગુરુગ્રામ જેવા શહેરોમાં પણ ઈડલી, વડા અને મોમોસ જેવી ખાણીપીણીની વસ્તુઓ પર ₹9 થી ₹30 સુધીનો વધારાનો ચાર્જ વસૂલવાના કિસ્સાઓ સામે આવ્યા છે. કાયદાની કલમ 2 (47) હેઠળ, કોઈપણ ગેરમાર્ગે દોરનારી રજૂઆત કરવી કે સેવાના નામે ખોટી ફી લેવી એ ગુનો છે. ગ્રાહકો પાસે અધિકાર છે કે તેઓ આવા ફરજિયાત ન હોય તેવા સર્વિસ ચાર્જ કે ગેસ ચાર્જ ચૂકવવાનો ઇનકાર કરી શકે.
ફરિયાદ ક્યાં અને કેવી રીતે કરવી?
જો તમારી પાસેથી પણ કોઈ હોટલ કે રેસ્ટોરન્ટ આવો ગેરકાયદેસર ચાર્જ વસૂલે, તો તમે નીચે મુજબના પગલાં ભરી શકો છો:
•    નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇન: 1915 પર કોલ કરો.
•    ટોલ ફ્રી નંબર: 1800-11-4000 પર સંપર્ક કરો.
•    ઓનલાઈન પોર્ટલ: www.consumerhelpline.gov.in પર ફરિયાદ નોંધાવો.
•    SMS સુવિધા: CCPA દ્વારા પૂરા પાડવામાં આવેલ નંબર 8800001915 પર મેસેજ કરો.
યાદ રાખો, જાગૃત ગ્રાહક જ લૂંટાતા બચી શકે છે. જો ઉલ્લંઘન સાબિત થાય તો આવી સંસ્થાઓને ₹50,000 સુધીનો દંડ થઈ શકે છે અથવા ગ્રાહકને રિફંડ આપવાનો આદેશ પણ થઈ શકે છે.

(9:28 PM IST)