<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th March 2026

ઓસ્કારના મંચ પર દેશી ગર્લનો દબદબો: પ્રિયંકા ચોપરાએ રજૂ કર્યો 'બેસ્ટ ઇન્ટરનેશનલ ફિલ્મ' એવોર્ડ; ઈશા અંબાણીએ વિન્ટેજ લુકથી લૂંટી મહેફિલ, પણ ધર્મેન્દ્રને શ્રદ્ધાંજલિ ન મળતા ભારતીય ચાહકોમાં રોષ!

98મા એકેડેમી એવોર્ડ્સમાં ગ્લેમર અને વિવાદનો સંગમ: એક દાયકા પછી ઓસ્કાર સ્ટેજ પર સફેદ ગાઉનમાં ચમકી પ્રિયંકા; ફિલ્મ નિર્માતા ગીતા ગંધબીર બે નોમિનેશન છતાં એવોર્ડથી રહી વંચિત; જેવિયર બાર્ડેમે પેલેસ્ટાઈન મુદ્દે આપ્યું નિવેદન

લોસ એન્જલસ : દુનિયાના સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ શો 'ઓસ્કાર 2026' માં ભારત માટે ગૌરવ અને નિરાશાના મિશ્ર દ્રશ્યો જોવા મળ્યા હતા. લોસ એન્જલસના ડોલ્બી થિયેટરમાં યોજાયેલા ભવ્ય સમારોહમાં ગ્લોબલ આઈકોન પ્રિયંકા ચોપરા જોનાસે સ્ટેજ પર આવીને શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મનો પુરસ્કાર એનાયત કર્યો હતો. લગભગ દસ વર્ષ બાદ ફરી એકવાર પ્રિયંકા સફેદ કલરના શાનદાર ગાઉનમાં ઓસ્કારના મંચ પર દેખાતા સોશિયલ મીડિયા પર તેની ખૂબ પ્રશંસા થઈ રહી છે.
રેડ કાર્પેટ પર અંબાણી પરિવારની એન્ટ્રી
આ વર્ષે ઓસ્કારમાં બોલિવૂડની સાથે ભારતીય બિઝનેસ જગતની હાજરી પણ આકર્ષણનું કેન્દ્ર રહી હતી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણીએ પતિ આનંદ પિરામલ સાથે રેડ કાર્પેટ પર એન્ટ્રી કરી હતી. ઈશાએ વેલેન્ટિનોના 2006ના વિન્ટેજ કલેક્શનમાંથી ફ્લોરલ એમ્બ્રોઈડરી ધરાવતું સ્ટ્રેપલેસ ગાઉન પહેર્યું હતું, જ્યારે આનંદ પિરામલ ડોલ્સે અને ગબ્બાના સૂટમાં સજ્જ જોવા મળ્યા હતા.
ધર્મેન્દ્રની અવગણનાથી ભારતીય ચાહકો નારાજ
ઓસ્કાર સમારોહમાં દર વર્ષે વિદાય પામેલા કલાકારોને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે. નવેમ્બર 2025માં 89 વર્ષની વયે અવસાન પામેલા બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રનું નામ મુખ્ય કાર્યક્રમની વીડિયો ક્લિપમાં સામેલ ન કરવામાં આવતા ચાહકોએ નારાજગી વ્યક્ત કરી છે. જોકે, એકેડેમીની સત્તાવાર ઓનલાઈન લિસ્ટમાં ધર્મેન્દ્રની સાથે સરોજા દેવી, મનોજ કુમાર અને જયશ્રી કબીર જેવી ભારતીય હસ્તીઓને સ્થાન આપવામાં આવ્યું છે.
નોમિનેશન છતાં એવોર્ડમાં ખાલી હાથ
ભારતીય-અમેરિકન ફિલ્મ નિર્માતા ગીતા ગંધબીરની બે ફિલ્મો "ધ ડેવિલ ઇઝ બિઝી" અને "ધ પરફેક્ટ નેબર" અનુક્રમે શોર્ટ ડોક્યુમેન્ટરી અને ફીચર ડોક્યુમેન્ટરી શ્રેણીમાં નામાંકિત થઈ હતી. ભારતને આ શ્રેણીમાં મોટી આશા હતી, પરંતુ કમનસીબે તે એવોર્ડ જીતી શકી નહોતી. કાર્યક્રમ દરમિયાન પ્રિયંકાની સાથે એવોર્ડ આપવા આવેલા અભિનેતા જેવિયર બાર્ડેમે "પેલેસ્ટાઈનને મુક્ત કરો" ની ઘોષણા કરીને મંચ પરથી રાજકીય સંદેશ આપ્યો હતો, જેની ચર્ચા સમગ્ર વિશ્વમાં થઈ રહી છે.

(9:37 PM IST)