હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કેન્ટ યુનિવર્સિટીથી શરૂ થયેલા મેનિન્જાઇટિસના ‘અસાધારણ’ પ્રકોપે ફ્રાન્સ સુધી ભરડો લીધો : ૨ વિદ્યાર્થીઓના મોત અને ૧૫ ગંભીર કેસથી બ્રિટનમાં ફફડાટ
વેપ (Vape) અને ડ્રિંક્સ શેર કરવાથી ચેપ ફેલાયો હોવાની આશંકા વચ્ચે હેલ્થ સેક્રેટરીએ સ્થિતિને ‘અભૂતપૂર્વ’ ગણાવી : હજારો વિદ્યાર્થીઓને એન્ટીબાયોટિક્સ અપાઈ : ખાનગી રસી ખરીદવા વાલીઓની ફાર્મસી પર ભીડ

લંડન:બ્રિટનના કેન્ટ પ્રાંતમાં ફાટી નીકળેલા મેનિન્જાઇટિસ (મગજ તાવ)ના અત્યંત જોખમી પ્રકોપે હવે આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા જન્માવી છે. કેન્ટ યુનિવર્સિટીના એક વિદ્યાર્થીમાં ચેપ જોવા મળ્યા બાદ આ રોગ હવે ફ્રાન્સ સુધી પહોંચી ગયો હોવાની પુષ્ટિ હેલ્થ સેક્રેટરી વેસ સ્ટ્રીટીંગે કરી છે. અત્યાર સુધીમાં કુલ ૧૫ કેસ નોંધાયા છે, જે તમામ હોસ્પિટલમાં દાખલ છે અને કમનસીબે બે તેજસ્વી વિદ્યાર્થીઓના મોત નીપજ્યા છે. આરોગ્ય અધિકારીઓએ આ સ્થિતિને ‘અભૂતપૂર્વ’ અને ‘ઝડપથી વિકસતી’ ગણાવીને હાઈ-એલર્ટ જાહેર કર્યું છે.
નાઈટ ક્લબ અને વેપ શેરિંગ બન્યું સંક્રમણનું કેન્દ્ર:
તપાસમાં બહાર આવ્યું છે કે આ પ્રકોપનું મૂળ કેન્ટની ‘ક્લબ કેમિસ્ટ્રી’ નામની નાઈટ ક્લબમાં હોઈ શકે છે, જ્યાં ૫ થી ૭ માર્ચ દરમિયાન મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એકઠા થયા હતા. નિષ્ણાતોના મતે, યુવાનોમાં લોકપ્રિય બનેલા ‘વેપ’ (ઈ-સિગારેટ) એકબીજા સાથે શેર કરવાથી, ડ્રિંક્સની વહેંચણી અને ચુંબન જેવી નજીકની શારીરિક મુલાકાતોને કારણે લાળ દ્વારા આ બેક્ટેરિયા ઝડપથી ફેલાયા છે. ૧૮ વર્ષીય જુલિયટ કેની નામની વિદ્યાર્થિનીનું આ ચેપને કારણે કરૂણ મોત નીપજ્યું છે, જે બાદ શાળાઓ અને કોલેજોમાં શોક સાથે ભયનો માહોલ છે.
સીમાડા ઓળંગી ફ્રાન્સ પહોંચ્યો ચેપ:
બ્રિટનની હેલ્થ સિક્યુરિટી એજન્સી (UKHSA) ને ફ્રાન્સના સત્તાવાળાઓએ જાણ કરી છે કે કેન્ટ યુનિવર્સિટીમાં ગયેલા એક વિદ્યાર્થીમાં મેનિન્જાઇટિસ B નો કેસ પોઝિટિવ આવ્યો છે. આ બાબત દર્શાવે છે કે ચેપ હવે લોકલ સ્તરેથી વધીને આંતરરાષ્ટ્રીય સ્તરે ફેલાઈ રહ્યો છે. કેન્ટની ચાર શાળાઓ પણ આ પ્રકોપની ઝપેટમાં આવી છે, જેમાં હાઈવર્થ ગ્રામર સ્કૂલના એક વિદ્યાર્થીને પણ હાલમાં જ ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયો છે.
રસી માટે પડાપડી અને એન્ટીબાયોટિક્સનો મારો:
આ રોગ ખાસ કરીને ‘મેનિન્જાઇટિસ B’ (MenB) સ્ટ્રેઈન હોવાનું ખુલ્યું છે. વર્ષ ૨૦૧૫ પહેલા જન્મેલા મોટાભાગના યુવાનોને આ સ્ટ્રેઈન સામે રક્ષણ આપતી રસી સરકારી ધોરણે મળી નથી, કારણ કે ત્યારે તે માત્ર નવજાત શિશુઓ માટે જ મફત હતી. આથી, ગભરાયેલા વાલીઓ હવે ખાનગીમાં ₹ ૨૨,૦૦૦ (૨૨૦ પાઉન્ડ) ખર્ચીને રસી લેવા માટે ફાર્મસીઓ પર લાંબી કતારો લગાવી રહ્યા છે, જેના કારણે બ્રિટનમાં રસીની અછત સર્જાઈ છે. સરકારે અત્યાર સુધીમાં ૭૦૦ થી વધુ યુવાનોને સાવચેતીના ભાગરૂપે એન્ટીબાયોટિક્સના ડોઝ આપ્યા છે.
સરકારની કડક કાર્યવાહી અને રસીકરણની સમીક્ષા:
હેલ્થ સેક્રેટરીએ સંસદમાં જણાવ્યું છે કે તેઓ નિષ્ણાત સમિતિ (JCVI) ને વિનંતી કરશે કે શું હવે મોટી ઉંમરના બાળકોને પણ સરકારી ખર્ચે મેનિન્જાઇટિસ B ની રસી આપવી જોઈએ. કેન્ટ યુનિવર્સિટીમાં હાલમાં તમામ વર્ગો અને પરીક્ષાઓ ઓનલાઈન કરી દેવામાં આવી છે અને માસ્ક પહેરવાનું ફરજિયાત કરાયું છે. નિષ્ણાતો ચેતવણી આપી રહ્યા છે કે ફ્લૂ જેવી શ્વસન સંબંધી બીમારીઓ ફેફસાંને નબળા પાડે છે, જેનાથી મેનિન્જાઇટિસના બેક્ટેરિયા લોહીમાં ભળીને મગજ સુધી સરળતાથી પહોંચી શકે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
