News of Wednesday, 18th March 2026
ઈદની ઉજવણી સાદાઈથી કરવાની અપીલ સાથે મુસ્લિમ પર્સનલ લો બોર્ડ અસહમત
મૌલાના ખાલિદ રશીદે ઈરાન પર અમેરિકાના હુમલાના વિરોધમાં કાળી પટ્ટી પહેરી નમાજ અદા કરવાની અપીલ પણ ફગાવી

લખનઉ,તા.૧૮: અમેરિકા દ્વારા ઈરાન પર કરાઈ રહેલાં હુમલાના વિરોધમાં ઈદની ઉજવણી નહીં કરવાની તથા નમાજ દરમિયાન કાળી પટ્ટી પહેરવાની અપીલોને ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ (AIMPLB)ના વરિષ્ઠ કાર્યકારી સભ્ય મૌલાના ખાલિદ રશીદ ફરંગી મહલીએ ફગાવી દીધી છે.
લખનઉ ઈદગાહમાં ઈદ-ઉલ-ફિત્રની તૈયારીઓનું નિરીક્ષણ કર્યાં બાદ એક બેઠકને સંબોધતા ફરંગીએ જણાવ્યું હતું કે, આ તહેવાર એ રમઝાન દરમિયાન રોઝા રાખતાં લોકોને અલ્લાહ તરફથી મળેલો પુરસ્કાર છે, તે કોઈ માનવીય ઘટના સાથે જોડાયેલો તહેવાર નથી, તેથી તેની ઉજવણીમાં કોઈ ફેરફાર કરવો જોઈએ નહીં. ઈરાન પરના હુમલાના વિરોધમાં કેટલાંક શહેરોમાં ઈદની ઉજવણી સાદાઈથી કરવાના આહ્વાનને નકારતાં તેમણે જણાવ્યું હતું કે, ઈદ એ ઈબાદત છે અને રોઝા પાળતાં લોકો માટે ઈશ્વરીય પુરસ્કાર છે. તે કોઈ એક માનવીય ઘટના સાથે સંકળાયેલી ઉજવણી નથી. આ મામલે ઐતિહાસિક સંદર્ભો ટાંકતા તેમણે ઉમેર્યું હતું કે, ઈસ્લામિક ઈતિહાસમાં અનેક મહત્વની ઘટનાઓ છતાં પણ ઈદની ઉજવણી ક્યારેય અટકી નહોતી. બદ્રના યુદ્ધ, હઝરત અલીની શહાદત તથા પૈગંબર મોહમ્મદના નિધન સહિતના ઉદાહરણો આપતાં તેમણે જણાવ્યું હતું કે, તે વખતે પણ ઈદની ઉજવણી કરવામાં આવી હતી. પ્રયાગરાજના કેટલાંક વિસ્તારોના શિયા મુસ્લિમોએ ઈદની ઉજવણી નહીં કરવા અને નવા વષો નહીં પહેરવા કરેલી અપીલ બાદ ફરંગીએ ઉપરોક્ત પ્રતિક્રિયા આપી હતી. દરમિયાનમાં લખનઉમાં શિયા ચાંદ કમિટીના અધ્યક્ષ મૌલાના સૈફ અબ્બાસ નક્વીએ મુસ્લિમોને ઈદની નમાજ કાળી પટ્ટી પહેરની અદા કરવા અપીલ કરી છે. ભોપાલમાં પણ મુસ્લિમોને આવી જ અપીલ કરાઈ છે.
(10:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
