<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th March 2026

મધ્ય પૂર્વમાં યુદ્ધના ભણકારા વાગતા વૈશ્વિક હવાઈ માર્ગો ખોરવાયા: દુબઈ, દોહા અને અબુ ધાબી સહિતના મુખ્ય હબ બંધ, હજારો મુસાફરો ફસાયા

એર ઇન્ડિયા અને ઇન્ડિગો સહિતની આંતરરાષ્ટ્રીય એરલાઇન્સે સેંકડો ફ્લાઇટ્સ કરી રદ: તેલ અવીવથી લઈને ગલ્ફ દેશોના હવાઈ ભાડામાં તોતિંગ વધારો અને મુસાફરીમાં અનિશ્ચિતતા

રાજકોટ, તા.૧૮: ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે વધતા જતા સંઘર્ષની સીધી અસર હવે વૈશ્વિક હવાઈ પરિવહન પર જોવા મળી રહી છે. મધ્ય પૂર્વના આકાશમાં મિસાઇલ અને ડ્રોન હુમલાના જોખમને પગલે દુબઈ, દોહા અને અબુ ધાબી જેવા વિશ્વના સૌથી વ્યસ્ત એરપોર્ટ હબના એરસ્પેસ કામચલાઉ ધોરણે બંધ કરી દેવામાં આવ્યા છે. આ સ્થિતિને કારણે એર ફ્રાન્સ, લુફ્થાન્સા અને કતાર એરવેઝ સહિતની ડઝનબંધ એરલાઇન્સે તેમની ફ્લાઇટ્સ રદ કરવાની કે પાછી ઠેલવાની ફરજ પડી છે, જેનાથી હજારો ભારતીય પ્રવાસીઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે.

ભારતીય એરલાઇન ઇન્ડિગો એ પણ સુરક્ષાને ધ્યાનમાં રાખીને દોહા, કુવૈત, બહેરીન અને શારજાહની ફ્લાઇટ્સ ૨૮ માર્ચ સુધી સ્થગિત કરી દીધી છે. એ જ રીતે, બ્રિટિશ એરવેઝે દુબઈ અને તેલ અવીવની ફ્લાઇટ્સ ૩૧ મે સુધી રદ કરી છે, જ્યારે અબુ ધાબીની સેવાઓ આ વર્ષના અંત સુધી બંધ રહેવાની શક્યતા છે. યુરોપિયન કેરિયર એર ફ્રાન્સ અને KLM એ પણ માર્ચના અંત સુધી મધ્ય પૂર્વના મોટાભાગના દેશો માટેના પોતાના ઓપરેશન્સ થંભાવી દીધા છે.

મુસાફરો માટે સૌથી વધુ ચિંતાની વાત એ છે કે ફ્લાઇટ્સ રદ થવાને કારણે ઉપલબ્ધ રૂટ્સ પર ટિકિટના દરો આસમાને પહોંચ્યા છે. કતાર એરવેઝ અને અમીરાતે જણાવ્યું છે કે તેઓ મર્યાદિત સંખ્યામાં અને સુધારેલા શિડ્યુલ મુજબ ફ્લાઇટ્સ ચલાવી રહ્યા છે, પરંતુ એરસ્પેસની અનિશ્ચિતતાને કારણે ગમે ત્યારે ફેરફાર થઈ શકે છે. અમેરિકન કેરિયર ડેલ્ટાએ પણ ન્યૂ યોર્કથી તેલ અવીવની સેવાઓ ઓગસ્ટ સુધી સ્થગિત કરી દીધી છે.

નિષ્ણાતોના મતે, જો આ સંઘર્ષ વધુ લાંબો ચાલશે તો એશિયા અને યુરોપ વચ્ચેના હવાઈ જોડાણને મોટી અસર પડશે, કારણ કે એરલાઇન્સે હવે જોખમી એરસ્પેસ ટાળવા માટે લાંબા અને મોંઘા રૂટ પસંદ કરવા પડી રહ્યા છે. વિદેશમાં રહેતા ભારતીયો અને પ્રવાસીઓને સલાહ આપવામાં આવી છે કે તેઓ એરપોર્ટ પર જતાં પહેલાં પોતાની એરલાઇન પાસેથી ફ્લાઇટના સ્ટેટસની લેટેસ્ટ અપડેટ ચોક્કસ મેળવી લે.

(4:40 PM IST)