<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th March 2026

હરિયાણાના સોનીપત રેલ્વે સ્ટેશન પર પાકિસ્તાની જાસૂસીનું મોટું નેટવર્ક ઝડપાયું: ૧૮ દિવસથી પાંચેય પ્લેટફોર્મનું લાઈવ ફૂટેજ સરહદ પાર મોકલાતું હતું

ગાઝિયાબાદથી ઝડપાયેલા આરોપી પ્રવીણે ઇલેક્ટ્રિક પોલ પર છુપાવ્યો હતો હાઈટેક કેમેરો: દિલ્હી કેન્ટ સ્ટેશન પણ હતું નિશાન પર, સુરક્ષા એજન્સીઓના મૌનથી ઉઠ્યા અનેક સવાલો

સોનીપત, તા.૧૮: હરિયાણાના સોનીપત રેલ્વે સ્ટેશન પરથી રાષ્ટ્રીય સુરક્ષાને જોખમમાં મૂકતો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં રેલ્વેના OHE પોલ પર લગાવેલો એક ગુપ્ત જાસૂસી કેમેરો મળી આવ્યો છે, જે છેલ્લા ૧૮ દિવસથી સતત કાર્યરત હતો. તપાસમાં બહાર આવ્યું છે કે આ કેમેરા દ્વારા સ્ટેશનના પાંચેય પ્લેટફોર્મની પળેપળની હિલચાલ પાકિસ્તાની હેન્ડલરના મોબાઈલ ફોન પર લાઈવ ટ્રાન્સમિટ કરવામાં આવી રહી હતી.

ગાઝિયાબાદ પોલીસ અને રેલ્વે પ્રોટેક્શન ફોર્સ (RPF) ની સંયુક્ત ટીમે આ મામલે ભૌવાપુરના રહેવાસી પ્રવીણ નામના આરોપીની ધરપકડ કરી છે. આરોપીએ કબૂલાત કરી છે કે તેણે ૨૬ ફેબ્રુઆરીએ આ કેમેરો લગાવ્યો હતો. આટલું જ નહીં, આરોપીએ દિલ્હી કેન્ટ રેલ્વે સ્ટેશન પર પણ આવો જ એક કેમેરો લગાવ્યો હોવાની વિગતો સામે આવી છે, જેને અગાઉ RPF દ્વારા દૂર કરવામાં આવ્યો હતો. આ જાસૂસી નેટવર્ક વોટ્સએપ દ્વારા સંવેદનશીલ સ્થળોના લાઈવ ફૂટેજ મેળવી રહ્યું હોવાનું મનાય છે.

જોકે, આ સમગ્ર ઘટનામાં સુરક્ષા એજન્સીઓની કાર્યશૈલી પર ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. સોમવારે જ્યારે RPF ને પોલ નંબર ૪૨/૨૭ પર આ શંકાસ્પદ કેમેરો દેખાયો, ત્યારે ટીમે તેને માત્ર કપડાથી ઢાંકીને સંતોષ માન્યો હતો. દિલ્હીથી નિષ્ણાત ટીમ બોલાવવામાં ત્રણ દિવસનો વિલંબ થયો અને હજુ સુધી આ મામલે સત્તાવાર FIR પણ દાખલ કરવામાં આવી નથી. રેલ્વેના ઉચ્ચ અધિકારીઓ આ બાબતે મૌન સેવી રહ્યા છે, જેનાથી સુરક્ષામાં મોટી ચૂક હોવાની આશંકા પ્રબળ બની છે.

હાલમાં તપાસ ટીમ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આ કેમેરો સિમ કાર્ડ કે વાઈફાઈ દ્વારા સંચાલિત હતો? શું તેમાં ડેટા સેવ કરવા માટે મેમરી કાર્ડ હતું કે પછી સીધું જ લાઈવ ફીડ મોકલવામાં આવતું હતું? પાકિસ્તાની હેન્ડલર્સનો આ પાછળનો અંતિમ હેતુ શું હતો અને આ નેટવર્ક સાથે બીજા કેટલા લોકો જોડાયેલા છે, તે દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે.

(4:48 PM IST)