<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th March 2026

હવે ATM જેવી સુવિધાથી મળશે ગેસ સિલિન્ડર: ગુરુગ્રામમાં ખુલ્યું ઉત્તર ભારતનું પહેલું LPG વેન્ડિંગ મશીન, માત્ર 2 મિનિટમાં રિફિલિંગની સુવિધા

BPCL એ સોહનામાં લોન્ચ કર્યું 24/7 ‘ઇન્સ્ટા LPG’ વેન્ડિંગ મશીન: રજિસ્ટર્ડ ગ્રાહકો ખાલી સિલિન્ડર આપીને ગમે ત્યારે મેળવી શકશે 10 કિલોનું કમ્પોઝિટ સિલિન્ડર

 

ગુરુગ્રામ, તા.૧૮: ગેસ એજન્સી પર લાંબી લાઈનોમાં ઉભા રહેવાની કે ડિલિવરી બોયની રાહ જોવાની ઝંઝટ હવે જૂની વાત બની જશે. ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL) એ ટેકનોલોજીના ઉપયોગથી ગેસ વિતરણ વ્યવસ્થાને હાઈટેક બનાવી દીધી છે. દિલ્હી-NCR ના ગુરુગ્રામમાં સોહના સેક્ટર-૩૩ સ્થિત સેન્ટ્રલ પાર્ક ફ્લાવર વેલી સોસાયટીમાં ઉત્તર ભારતનું પ્રથમ 'ભારતગેસ ઇન્સ્ટા LPG વેન્ડિંગ મશીન' કાર્યરત કરવામાં આવ્યું છે.

આ મશીન બિલકુલ રોકડ ઉપાડવાના ATM જેવું જ કામ કરે છે. ગ્રાહકો કોઈપણ સમયે (૨૪x૭) અહીં આવીને માત્ર ૨ થી ૩ મિનિટમાં પોતાનું ગેસ સિલિન્ડર રિફિલ કરાવી શકે છે. હાલમાં આ સુવિધા ૧૦ કિલોગ્રામના હળવા વજનના 'કમ્પોઝિટ સિલિન્ડર' ધરાવતા નોંધાયેલા ગ્રાહકો માટે શરૂ કરવામાં આવી છે. આ કમ્પોઝિટ સિલિન્ડરની ખાસિયત એ છે કે તે કાટ-પ્રતિરોધક અને પારદર્શક છે, જેના કારણે ગ્રાહક જોઈ શકે છે કે અંદર કેટલો ગેસ બાકી છે.

કેવી રીતે કામ કરે છે આ વેન્ડિંગ મશીન?

આ આખી પ્રક્રિયા અત્યંત સુરક્ષિત અને ડિજિટલ છે. ગ્રાહકે સૌ પ્રથમ મશીનમાં પોતાનો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર નાખવો પડે છે, ત્યારબાદ OTP દ્વારા વેરિફિકેશન થાય છે. ખાલી સિલિન્ડરના બારકોડ અથવા QR કોડને સ્કેન કર્યા પછી, ગ્રાહકે UPI અથવા કાર્ડ દ્વારા પેમેન્ટ કરવાનું રહે છે. પેમેન્ટ થતાની સાથે જ મશીનમાંથી ભરેલું સિલિન્ડર બહાર આવે છે અને ખાલી સિલિન્ડર ત્યાં જમા થઈ જાય છે.

BPCL ના સેલ્સ મેનેજર શશિકાંત ભગતે જણાવ્યું હતું કે, પાયલોટ પ્રોજેક્ટ તરીકે આ સુવિધા અત્યારે દેશના માત્ર ૪ થી ૫ શહેરોમાં જ ઉપલબ્ધ છે. આ મશીનની ક્ષમતા એક સમયે ૯ ભરેલા અને ૯ ખાલી સિલિન્ડર રાખવાની છે. ખાસ કરીને નોકરિયાત વર્ગ અને નાના પરિવારો માટે આ સુવિધા આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે, કારણ કે તેમને હવે ગેસની ડિલિવરી માટે ઘરે હાજર રહેવાની જરૂર નથી.

 

(4:49 PM IST)