<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th March 2026

પત્ની અને પુત્રની કાળી કરતૂત: પતિ હરિયાણા કમાવવા ગયો અને પાછળથી પરિવારે તેને 'મૃત' જાહેર કરી મિલકત હડપી લીધી!

કોરોના કાળમાં ફસાયેલા દિનેશ મિશ્રાનું નકલી મૃત્યુ પ્રમાણપત્ર કઢાવ્યું: જીવતો હોવા છતાં પોતાને 'જીવિત' સાબિત કરવા ત્રણ વર્ષથી સરકારી કચેરીઓના ધક્કા ખાતો લાચાર પતિ

રાયબરેલી, તા.૧૮: ઉત્તર પ્રદેશના રાયબરેલીથી એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જે સાંભળીને માનવતા પરથી વિશ્વાસ ઉઠી જાય. સદર કોતવાલી વિસ્તારના નિરાલા નગરમાં રહેતા દિનેશ મિશ્રા નામના વ્યક્તિ સાથે તેમની જ પત્ની અને પુત્રએ લોહીના સંબંધોને લજવતી છેતરપિંડી આચરી છે. રોજીરોટી કમાવવા ગયેલા દિનેશભાઈને તેમના જ પરિવારે કાગળ પર 'મૃત' જાહેર કરી દીધા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.

વર્ષ ૨૦૧૯માં દિનેશ મિશ્રા કામ અર્થે હરિયાણાના સોનીપત ગયા હતા. તે દરમિયાન જ કોરોના મહામારી અને લોકડાઉનને કારણે તેઓ ત્યાં ફસાઈ ગયા અને લગભગ દોઢ વર્ષ સુધી ઘરે પરત ફરી શક્યા નહીં. આ તકનો લાભ ઉઠાવીને તેમની પત્ની અને પુત્રએ ૨૯ ઓક્ટોબર, ૨૦૨૧ના રોજ વહીવટીતંત્રને અંધારામાં રાખી દિનેશભાઈનું નકલી મૃત્યુ પ્રમાણપત્ર મેળવી લીધું હતું. આટલું જ નહીં, એક વર્ષ બાદ ઉત્તરાધિકાર પ્રમાણપત્ર (Succession Certificate) પણ મેળવીને ઘર અને દુકાન પોતાના નામે કરી લીધા હતા.

જ્યારે દિનેશ મિશ્રા ઘરે પરત ફર્યા ત્યારે તેમને ખબર પડી કે તેઓ તો સરકારી ચોપડે 'મરી' ગયા છે! જ્યારે તેમણે પત્ની અને પુત્રને આ અંગે પૂછ્યું ત્યારે તેમને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. દિનેશભાઈ છેલ્લા ત્રણ વર્ષથી હાથમાં પોતાનું જ 'ડેથ સર્ટિફિકેટ' લઈને અધિકારીઓ પાસે કરગરી રહ્યા છે કે "સાહેબ, હું જીવતો છું!", પરંતુ અત્યાર સુધી કોઈએ તેમની વાત સાંભળી નહોતી.

આખરે મંગળવારે આ મામલો એડીએમ (નાણા અને મહેસૂલ) અમૃતા સિંહ પાસે પહોંચ્યો હતો. જીવતા જાગતા માણસને ન્યાય માટે વલખાં મારતા જોઈ એડીએમ સ્તબ્ધ થઈ ગયા હતા અને તાત્કાલિક તપાસના આદેશ આપ્યા હતા. તેમણે ખાતરી આપી છે કે આ કૌભાંડમાં સામેલ પરિવારના સભ્યો અને ખોટા પ્રમાણપત્રો જારી કરનાર જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

(5:03 PM IST)