અંડરવર્લ્ડ ડોન રવિ પૂજારી પર થાણે ક્રાઈમ બ્રાન્ચનો સકંજો: ૨૦૧૭ના ખંડણી કેસમાં ધરપકડ બાદ ૨૭ માર્ચ સુધી પોલીસ રિમાન્ડ મંજૂર
વિદેશમાં છુપાઈને બોલિવૂડ હસ્તીઓને ધમકાવનાર પૂજારી સામે MCOCA હેઠળ કાર્યવાહી: સેનેગલથી પ્રત્યાર્પણ બાદ હવે મહારાષ્ટ્ર પોલીસ કરશે આકરી પૂછપરછ

થાણે, તા.૧૮: અંડરવર્લ્ડના કુખ્યાત ગેંગસ્ટર રવિ પૂજારીની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. થાણે ક્રાઈમ બ્રાન્ચના ખંડણી વિરોધી સેલે (Anti-Extortion Cell) બુધવારે ૫૭ વર્ષીય રવિ પૂજારીની વર્ષ ૨૦૧૭ના એક જૂના ખંડણી કેસમાં સત્તાવાર ધરપકડ કરી છે. ધરપકડ બાદ તેને ખાસ મકોકા (MCOCA) કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં કોર્ટે તેને ૨૭ માર્ચ ૨૦૨૬ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો છે.
રવિ પૂજારી લાંબા સમય સુધી વિદેશમાં રહીને ભારતની મોટી હસ્તીઓ અને ઉદ્યોગપતિઓ પાસેથી ખંડણી વસૂલવાનું નેટવર્ક ચલાવતો હતો. તેની સામે ૨૦૧૭માં કાસરવડાવલી પોલીસ સ્ટેશનમાં ગુનાહિત કાવતરું અને ખંડણીની વિવિધ કલમો હેઠળ કેસ નોંધાયો હતો. આ કેસમાં સંગઠિત ગુનાખોરીની કલમો (MCOCA) સામેલ હોવાથી થાણે ક્રાઈમ બ્રાન્ચના અધિકારી વિનય ઘોરપડેના નેતૃત્વમાં હવે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવશે.
નોંધનીય છે કે પૂજારી સામે ઇન્ટરપોલ દ્વારા રેડ કોર્નર નોટિસ જારી કરવામાં આવી હતી, ત્યારબાદ ૨૦૧૯માં તેની સેનેગલથી ધરપકડ કરવામાં આવી હતી. લાંબી કાયદાકીય પ્રક્રિયા બાદ તેને ભારત લાવવામાં આવ્યો હતો. અગાઉ જાન્યુઆરીમાં, મુંબઈ પોલીસે બોલિવૂડના પ્રખ્યાત કોરિયોગ્રાફર રેમો ડિસોઝા અને તેમની પત્ની લિઝેલ ડિસોઝાને ધમકાવવાના કેસમાં પણ પૂજારીની ધરપકડ કરી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, પૂજારીની કસ્ટડી મળવાથી અંડરવર્લ્ડના અનેક વણઉકેલ્યા ગુનાઓ પરથી પડદો ઊંચકાઈ શકે છે. ખાસ કરીને થાણે અને મુંબઈના બિલ્ડરો અને ફિલ્મી સિતારાઓને કોના કહેવાથી ધમકીઓ આપવામાં આવતી હતી, તે દિશામાં હવે કડક પૂછપરછ કરવામાં આવશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
