News of Wednesday, 18th March 2026
વસઈ-વિરારમાં ગેરકાયદેસર વિદેશીઓ પર દેવેન્દ્ર ફડણવીસની સર્જિકલ સ્ટ્રાઈક: ૬૮ નાઇજીરીયન નાગરિકોને દેશનિકાલ કરાયા, ૧૨૨ ડિટેન્શન સેન્ટર ભેગા
ડ્રગ્સના વેપાર અને વિઝા ઉલ્લંઘન મામલે મહારાષ્ટ્ર સરકારનો આકરો નિર્ણય: ગેરકાયદેસર રહેતા લોકોને આશ્રય આપનારા મકાનમાલિકો સામે પણ હવે થશે કડક પોલીસ કાર્યવાહી

પાલઘર, તા.૧૮: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પાલઘર જિલ્લાના વસઈ-વિરાર અને નાલા સોપારા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા વિદેશી નાગરિકો વિરુદ્ધ મોટા ઓપરેશનની જાહેરાત કરી છે. વિધાનસભામાં આ મુદ્દે ગરમાગરમ ચર્ચા દરમિયાન મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં ૬૮ નાઇજીરીયન નાગરિકોને તેમના વતન પરત મોકલી દેવામાં આવ્યા છે, જ્યારે અન્ય ૧૨૨ શંકાસ્પદોને અટકાયતમાં લઈને ડિટેન્શન સેન્ટરમાં ખસેડવામાં આવ્યા છે.
આ કાર્યવાહીની શરૂઆત વસઈના ધારાસભ્ય સ્નેહા દુબે પંડિત દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નો બાદ થઈ હતી. તેમણે ગૃહનું ધ્યાન દોર્યું હતું કે નાલા સોપારાના અમુક વિસ્તારોમાં વિદેશી નાગરિકો મોટી સંખ્યામાં ગેરકાયદેસર રીતે રહી રહ્યા છે અને તેમાંથી ઘણા લોકો ડ્રગ્સના કાળા કારોબારમાં સંડોવાયેલા હોવાની આશંકા છે. આ ગંભીર બાબતની નોંધ લેતા મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું કે વિઝાની મુદત પૂરી થઈ ગઈ હોવા છતાં દેશમાં રોકાઈ જનારા વિદેશીઓ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવશે.
સરકારે આ મામલે પોલીસને વધુ સત્તા આપતા સૂચના આપી છે કે, જે ઘરમાલિકો દસ્તાવેજોની તપાસ કર્યા વગર આવા ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને ભાડે રાખે છે અથવા આશ્રય આપે છે, તેમની સામે પણ ગુનો નોંધી કડક કાનૂની પગલાં લેવામાં આવે. ઇમિગ્રેશન વિભાગ સાથે મળીને હવે એક એવી હાઈટેક સિસ્ટમ તૈયાર કરવામાં આવી રહી છે, જેની મદદથી વિઝા ઉલ્લંઘન કરનારા વ્યક્તિઓને તુરંત ટ્રેક કરી શકાશે.
મુખ્યમંત્રી ફડણવીસે વિધાનસભાને ખાતરી આપી હતી કે રાજ્યની સુરક્ષા સાથે કોઈપણ પ્રકારનું સમાધાન કરવામાં આવશે નહીં. ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ લોકોને ઓળખવાની અને તેમને દેશનિકાલ કરવાની પ્રક્રિયા હવે વધુ ઝડપી બનાવવામાં આવી છે. આ ઓપરેશન બાદ સમગ્ર પાલઘર અને મુંબઈના સરહદી વિસ્તારોમાં ગેરકાયદેસર વસવાટ કરતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
(5:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
