News of Wednesday, 18th March 2026
જ્યારે ન્યાયાધીશોના મંતવ્યો પણ અલગ હોય, ત્યારે વિદ્યાર્થી પાસેથી સચોટ જવાબની અપેક્ષા રાખવી ગેરવાજબી: સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો
બંધારણના પ્રશ્નમાં ગૂંચવાયેલી પરીક્ષામાં બે ઉમેદવારો વચ્ચેનો વિવાદ સુપ્રીમ કોર્ટે ઉકેલ્યો: એક જ પદ માટે બે ઉમેદવારોને નિમણૂક આપવા કોર્પોરેશનને આદેશ

નવી દિલ્હી: દેશની સર્વોચ્ચ અદાલતે તાજેતરમાં એક એવી ટિપ્પણી કરી છે જે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે મોટી રાહત સમાન છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જો હાઈકોર્ટના ન્યાયાધીશો પોતે કાયદાના કોઈ જટિલ પ્રશ્નના જવાબ પર એકમત ન હોય, તો સામાન્ય કાયદાના સ્નાતક (Law Graduate) પાસેથી પરીક્ષામાં સો ટકા સાચા જવાબની અપેક્ષા રાખવી એ અન્યાય છે. આ મહત્વપૂર્ણ અવલોકન સાથે કોર્ટે ચંદીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કાયદા અધિકારીની ભરતીના વિવાદનો અંત લાવ્યો છે.
આ સમગ્ર વિવાદ ૨૦૨૧ની એક ભરતી પરીક્ષાના પ્રશ્ન ક્રમાંક ૭૩ થી શરૂ થયો હતો. પ્રશ્ન હતો કે, "મૂળભૂત અધિકારોના ઉલ્લંઘનના આધારે બંધારણની કઈ અનુસૂચિ ન્યાયિક સમીક્ષાથી મુક્ત છે?" ભરતી બોર્ડે તેનો સાચો જવાબ 'નવમી અનુસૂચિ' (વિકલ્પ B) માન્યો હતો. જોકે, અમિત કુમાર શર્મા નામના ઉમેદવારે 'ઉપરોક્તમાંથી કોઈ નહીં' (વિકલ્પ D) પસંદ કર્યો હતો, તેની દલીલ હતી કે આઈ.આર. કોએલ્હો કેસના ચુકાદા મુજબ હવે કોઈ પણ અનુસૂચિ સંપૂર્ણપણે ન્યાયિક સમીક્ષાથી મુક્ત નથી. આ બાબતે હાઈકોર્ટના સિંગલ જજે વિકલ્પ B ને સાચો માન્યો, જ્યારે ડિવિઝન બેન્ચે વિકલ્પ D ને યોગ્ય ઠેરવ્યો હતો.
જસ્ટિસ સંજય કરોલ અને જસ્ટિસ પ્રશાંત કુમાર મિશ્રાની બેન્ચે આ મામલે અત્યંત માનવીય અભિગમ અપનાવ્યો હતો. કોર્ટે નોંધ્યું કે કેશવાનંદ ભારતી અને કોએલ્હો જેવા દાયકાઓ જૂના જટિલ ચુકાદાઓનું વિશ્લેષણ કરવામાં જ્યારે ન્યાયાધીશોના મંતવ્યો પણ જુદા પડી રહ્યા હોય, ત્યારે એક વિદ્યાર્થી બંને દ્રષ્ટિકોણથી સાચો હોઈ શકે છે. પ્રશ્નની સીધી ભાષા જોતા 'નવમી અનુસૂચિ' સાચો જવાબ લાગે છે, પરંતુ કાયદાના ઊંડા જ્ઞાન મુજબ 'કોઈ નહીં' પણ સાચું છે.
આ અનોખા કિસ્સામાં કોઈ પણ ઉમેદવારને અન્યાય ન થાય તે માટે સુપ્રીમ કોર્ટે વચગાળાનો રસ્તો કાઢ્યો છે. કોર્ટે આદેશ આપ્યો કે જે ઉમેદવાર (ચરણ પ્રીત સિંહ) અત્યારે નોકરી કરી રહ્યો છે તેને ચાલુ રાખવામાં આવે અને બીજા ઉમેદવાર (અમિત શર્મા) માટે એક નવી 'સુપરન્યુમરરી પોસ્ટ' (વધારાની જગ્યા) ઊભી કરી તેને પણ તાત્કાલિક નિમણૂક આપવામાં આવે. આ ચુકાદાએ સાબિત કર્યું છે કે કાયદો માત્ર કડક નિયમોનું પાલન નથી, પરંતુ પરિસ્થિતિ મુજબ ન્યાય તોળવાની કળા પણ છે.
(6:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
