<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th March 2026

મોસાદના એક કોલે ઈરાની સુરક્ષા દળોમાં મચાવ્યો ફફડાટ: "હું તમારો દુશ્મન નથી, ખુદાના સોગંદ અમારી મદદ કરો", લીક થયેલા ઓડિયોમાં પોલીસ કમાન્ડરની આજીજી

ઈઝરાયેલની 'ઓપરેશન રોરિંગ લાયન' વ્યૂહરચના સામે ઈરાની શાસન પત્તાના મહેલની જેમ વિખેરાયું: ૧૦,૦૦૦ થી વધુ મિસાઈલ હુમલા અને ટોચના નેતાઓની હત્યા બાદ સુરક્ષાકર્મીઓ હવે જીવ બચાવવા મેદાન છોડી રહ્યા છે

તેહરાન: ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા ભયાનક યુદ્ધમાં હવે એક એવો વળાંક આવ્યો છે જે ઈસ્લામિક રિપબ્લિકના પતનના સંકેત આપી રહ્યો છે. વોલ સ્ટ્રીટ જર્નલ દ્વારા લીક કરવામાં આવેલા એક સનસનાટીભર્યા ફોન કોલે સમગ્ર વિશ્વમાં ચર્ચા જગાવી છે. આ કોલમાં ઈરાની પોલીસના એક વરિષ્ઠ કમાન્ડર ઈઝરાયેલની ગુપ્તચર સંસ્થા 'મોસાદ'ના એજન્ટ સામે આજીજી કરતા સંભળાય છે કે, "હું કુરાન પર હાથ રાખીને શપથ લઉં છું કે હું તમારો દુશ્મન નથી... મહેરબાની કરીને આ શાસનને ઉથલાવવામાં અમારી મદદ કરો."

આ નાટકીય વાતચીત ત્યારે સામે આવી છે જ્યારે ઈઝરાયેલ અને અમેરિકાએ ૨૮ ફેબ્રુઆરીથી 'ઓપરેશન એપિક ફ્યુરી' હેઠળ ઈરાનના સૈન્ય માળખા અને ટોચના નેતાઓને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે. મોસાદના એજન્ટે ફોન પર કમાન્ડરને સ્પષ્ટ ધમકી આપી હતી કે, "અમે તમારા વિશે બધું જ જાણીએ છીએ, તમે અમારા બ્લેકલિસ્ટમાં છો. જો તમે જનતાનો સાથ નહીં આપો તો તમારું ભાગ્ય પણ આયાતુલ્લાહ અલી ખામેની જેવું જ થશે." જેના જવાબમાં લાચાર કમાન્ડરે પોતાને 'જીવતો મુર્દો' ગણાવી મદદ માંગી હતી.

અહેવાલો અનુસાર, ઈઝરાયેલે અત્યાર સુધીમાં ઈરાનના વિવિધ લક્ષ્યો પર ૧૦,૦૦૦ થી વધુ દારૂગોળો ફેંક્યો છે, જેમાં ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) અને બાસીજ સૈન્યના ૨,૨૦૦ થી વધુ ઠેકાણાઓનો સમાવેશ થાય છે. તેહરાનનું પ્રખ્યાત આઝાદી ઇન્ડોર સ્ટેડિયમ, જેનો ઉપયોગ સુરક્ષા દળો છુપાવવા માટે કરતા હતા, તે પણ હવે કાટમાળમાં ફેરવાઈ ગયું છે. હુમલાના ડરથી ઈરાની સુરક્ષાકર્મીઓ હવે પોતાના હેડક્વાર્ટર છોડીને મસ્જિદો કે પોતાની કારમાં સુવા માટે મજબૂર બન્યા છે.

તાજેતરના દિવસોમાં મોસાદે સોશિયલ મીડિયા દ્વારા ઈરાની નાગરિકોને સીધો સંદેશ આપ્યો છે કે તેઓ બાસીજ સૈન્યના મેળાવડાઓથી દૂર રહે, કારણ કે હવે દરેક શેરી અને ઘર સંભવિત લક્ષ્ય છે. ઈઝરાયેલનો દાવો છે કે ઈરાનની જનતાની 'અંતિમ લડાઈ' હવે ગમે ત્યારે શરૂ થઈ શકે છે. તેહરાનની શેરીઓ પર ઠેર-ઠેર નાશ પામેલા પોલીસ વાહનો અને મૃતદેહોના દ્રશ્યો સાક્ષી પૂરે છે કે ઈરાનનું ધાર્મિક શાસન હવે તેના અંતિમ શ્વાસ લઈ રહ્યું છે.

 

(6:39 PM IST)