News of Wednesday, 18th March 2026
ડ્રોન યુદ્ધમાં હવે યુક્રેન બનશે મધ્ય પૂર્વનું 'રક્ષક': ઝેલેન્સકીએ ૨૦૦થી વધુ સૈન્ય નિષ્ણાતોને ઈરાની ડ્રોન સામે લડવા ગલ્ફ દેશોમાં તૈનાત કર્યા
રશિયા સામેના વર્ષોના અનુભવનો લાભ લેવા ૧૧ દેશોએ કિવ પાસે માંગી મદદ: સાઉદી અરેબિયા, કતાર અને કુવૈત જેવા દેશો સાથે યુક્રેનનો ઐતિહાસિક સંરક્ષણ કરાર

કિવ: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષની વચ્ચે એક અત્યંત ચોંકાવનારો અને મહત્વનો વળાંક આવ્યો છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ જાહેરાત કરી છે કે તેમના દેશના ૨૦૦થી વધુ અનુભવી લશ્કરી નિષ્ણાતો હાલમાં મધ્ય પૂર્વમાં તૈનાત છે. આ નિષ્ણાતો પર્સિયન ગલ્ફના દેશોને ઈરાની 'શાહેદ' ડ્રોન હુમલાઓ સામે રક્ષણ મેળવવાની અત્યાધુનિક તાલીમ અને વ્યૂહરચના પૂરી પાડી રહ્યા છે.
લંડનમાં બ્રિટિશ સાંસદોને સંબોધતા ઝેલેન્સકીએ જણાવ્યું હતું કે, "અમારી ટીમો સંયુક્ત આરબ અમીરાત (UAE), કતાર, સાઉદી અરેબિયા અને કુવૈત પહોંચી ગઈ છે. રશિયાએ યુક્રેન પર વર્ષોથી જે ઈરાની ડ્રોન દ્વારા આતંક મચાવ્યો છે, તેને તોડી પાડવામાં અમારી પાસે સર્વશ્રેષ્ઠ અનુભવ છે. અમે નથી ઈચ્છતા કે ઈરાનનું આ આતંકી શસ્ત્ર તેના પડોશી દેશો સામે સફળ થાય." નોંધનીય છે કે અમેરિકા સહિત ૧૧ દેશોએ આ બાબતે યુક્રેન પાસે ટેકનિકલ મદદ માંગી છે.
ઝેલેન્સકીએ આ મુલાકાત દરમિયાન એક મહત્વનો આર્થિક મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે ગલ્ફ દેશો હાલમાં ડ્રોનને તોડી પાડવા માટે જે અત્યંત મોંઘી મિસાઈલ સિસ્ટમનો ઉપયોગ કરે છે, તેના કરતા યુક્રેનના 'ઇન્ટરસેપ્ટર્સ' ઘણા વધુ સસ્તા અને અસરકારક સાબિત થયા છે. આ ભાગીદારી દ્વારા યુક્રેન પોતાના શસ્ત્ર ઉદ્યોગ માટે મોટો નફો મેળવવાની પણ આશા રાખી રહ્યું છે. રાષ્ટ્રપતિએ સ્પષ્ટ કર્યું કે રશિયા અને ઈરાન વચ્ચેના વધતા સહયોગને જોતા, યુક્રેન મધ્ય પૂર્વની સ્થિતિ પ્રત્યે ઉદાસીન રહી શકે તેમ નથી.
હાલમાં જ્યારે વિશ્વનું ધ્યાન મધ્ય પૂર્વના યુદ્ધ તરફ છે, ત્યારે ઝેલેન્સકી યુરોપિયન દેશોનો પ્રવાસ ખેડીને રશિયા સામેના જંગ માટે સમર્થન મેળવી રહ્યા છે. લંડન બાદ તેઓ સ્પેન અને ફ્રાન્સના નેતાઓ સાથે મુલાકાત કરીને સંરક્ષણ ભંડાર જાળવી રાખવા અંગે ચર્ચા કરશે. નિષ્ણાતો માને છે કે યુક્રેનની આ 'યુદ્ધ-સાબિત' ક્ષમતા હવે વૈશ્વિક સંરક્ષણ બજારમાં એક નવું શક્તિ કેન્દ્ર બનીને ઉભરી રહી છે.
(6:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
