<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th March 2026

રાજપાલ યાદવને મોટી રાહત: "તમને જેલમાં નહીં મોકલીએ," : દિલ્હી હાઈકોર્ટે અભિનેતાના જામીન લંબાવ્યા!

ચેક બાઉન્સના વર્ષો જૂના કેસમાં કોર્ટનો નરમ તેવર : ૧૮ માર્ચના રોજ પૂર્ણ થતા વચગાળાના જામીન હવે ૧ એપ્રિલ ૨૦૨૬ સુધી લંબાયા, જજે કહ્યું- "તમે ફરાર થાવ તેવું જોખમ નથી.

નવી દિલ્હી:  બોલિવૂડના દિગ્ગજ કોમેડિયન રાજપાલ યાદવ માટે આજનો દિવસ મોટી રાહત લઈને આવ્યો છે. દિલ્હી હાઈકોર્ટે વર્ષો જૂના ચેક બાઉન્સ કેસમાં સુનાવણી કરતા અભિનેતાને જેલ જવામાંથી બચાવી લીધા છે. ૧૮ માર્ચના રોજ રાજપાલ યાદવના વચગાળાના જામીન પૂરા થવાના હતા, પરંતુ હાઈકોર્ટે તેને ૧ એપ્રિલ ૨૦૨૬ સુધી લંબાવી દીધા છે. કોર્ટે અવલોકન કર્યું હતું કે રાજપાલ યાદવ તપાસમાં સહયોગ આપી રહ્યા છે અને તેઓ ક્યાંય ભાગી જાય તેવી શક્યતા નથી. ઉલ્લેખનીય છે કે, ગત ફેબ્રુઆરીમાં કોર્ટના આદેશ બાદ રાજપાલ યાદવે આત્મસમર્પણ કરવું પડ્યું હતું અને ૧૩ દિવસ જેલમાં વિતાવ્યા હતા, ત્યારબાદ તેમને શરતી જામીન મળ્યા હતા.

બુધવારે થયેલી સુનાવણી દરમિયાન રાજપાલ યાદવે પોતાનો પક્ષ રાખતા અત્યંત ભાવુક દલીલો કરી હતી. તેમણે કોર્ટને જણાવ્યું કે ફરિયાદી પક્ષે તેમને જેલમાં ધકેલી દેવાની ધમકી આપીને વધુ પૈસા પડાવવાનો પ્રયાસ કર્યો છે. રાજપાલના જણાવ્યા મુજબ, જે ૫ કરોડ રૂપિયાના લોન મામલે આ વિવાદ શરૂ થયો હતો, તેની સામે તેમણે પહેલેથી જ મોટી રકમ ચૂકવી દીધી છે. તેમણે દાવો કર્યો કે તેમની ફિલ્મ ‘આતા પતા લાપતા’ પાછળ ૨૨ કરોડનો ખર્ચ થયો હતો, પરંતુ માત્ર ૫ કરોડના વિવાદને કારણે તેમની ૧૭ કરોડની મિલકત અને પ્રતિષ્ઠાને નજરઅંદાજ કરવામાં આવી રહી છે. દરમિયાન, કોર્ટે તેમને સાવચેતીપૂર્વક બોલવાની સલાહ આપી હતી જેથી કોઈ નિવેદન તેમના કેસને નુકસાન ન પહોંચાડે.

રાજપાલ યાદવના વકીલે કોર્ટને ખાતરી આપી હતી કે તેઓ બાકીની રકમ ચૂકવવા માટે તૈયાર છે. કોર્ટને જાણ કરવામાં આવી કે મુરલી પ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડને અત્યાર સુધીમાં ૪.૨૫ કરોડ રૂપિયા ચૂકવી દેવામાં આવ્યા છે અને વધારાના ૨૫ લાખ રૂપિયાનો ડિમાન્ડ ડ્રાફ્ટ આજે જ રજૂ કરવામાં આવશે. અભિનેતાના આ સકારાત્મક વલણને જોતા કોર્ટે કડક શબ્દોમાં કહ્યું કે, "જ્યારે તમે પૂરતું ભંડોળ ચૂકવી રહ્યા છો, ત્યારે તમને ફરી જેલમાં મોકલવાનો અમારો કોઈ ઈરાદો નથી." હવે ૧ એપ્રિલના રોજ નિયમિત જામીન અરજી પર અંતિમ નિર્ણય લેવામાં આવશે, ત્યાં સુધી રાજપાલ યાદવ બહાર રહીને પોતાની ફિલ્મી સફર ચાલુ રાખી શકશે.

 

(7:24 PM IST)