News of Thursday, 19th March 2026
અમેરિકામાં ગેસના ભાવમાં ૨૭%નો રેકોર્ડ વધારો
ઈરાન વોર શરૂ થયું ત્યારથી : ડીઝલના ભાવમાં તો ૩૩ ટકાથી પણ વધુનો ઉછાળો, હાલ ગેસની એવરેજ નેશનલ પ્રાઈસ ૩.૯૦ ડોલર પ્રતિ ગેલન સુધી પહોંચી ગઈ

ન્યુયોર્ક,તા.૧૯: અમેરિકામાં ગેસના ભાવ એટલા ઝડપથી વધી રહ્યા છે કે છેલ્લા દસેક દિવસથી તો જાણે રોજેરોજ તેમાં વધારો થતો હોય તેવી સ્થિતિ છે. હજુ મિડ ફેબ્રુઆરી સુધી સમગ્ર અમેરિકામાં ગેસની એવરેજ કિમત ૨.૯૦ ડોલર પ્રતિ ગેલન હતી પણ તેના એક જ મહિનામાં તે વધીને ૩.૭૦ ડોલર પ્રતિ ગેલન પહોંચી ગઈ હોવાનું એનર્જી ઈન્ફોર્મેશન એડમિનિસ્ટ્રેશનનો ડેટા જણાવે છે.
ગેસના ભાવમાં આવેલા અકલ્પનિય ઉછાળા પાછળ સ્વાભાવિક છે કે ઈરાનનું વોર જ જવાબદાર છે અને આ યુદ્ધ શરૂ થયું ત્યારથી લઈને અત્યારસુધીમાં ગેસની કિમતમાં એક ડોલર જેટલો એટલે કે લગભગ ૨૭ ટકા સુધીનો વધારો થયો છે, પણ સવાલ એ છે કે અમેરિકામાં ગેસ હજુય કેટલો મોંઘો થવાનો છે અને યુએસ ગલ્ફ દેશોમાંથી માંડ બે ટકા ક્રુડ મગાવતું હોવા છતાંય દેશમાં ગેસ અને ડીઝલના ભાવ કેમ આટલા વધી રહ્યા છે?
અમેરિકામાં છેલ્લે ૨૦૨૨માં યુક્રેન વોર શરૂ થયું ત્યારે ગેસના ભાવમાં અચાનક આટલો ઉછાળો જોવા મળ્યો હતો, છેલ્લા ત્રીસ વર્ષમાં દેશમાં બીજીવાર ગેસના ભાવ આટલા ઝડપથી વધ્યા છે. અગાઉ ૨૦૦૮ની મંદીના પછીના વર્ષે તેમજ ૧૯૯૯માં ઓપેક કન્ટ્રીઝે ક્રુડના પ્રોડક્શન પર કાપ મૂક્યો ત્યારે પણ ગેસના ભાવ વધ્યા હતા પરંતુ ૨૦૨૫માં આંતરરાષ્ટ્રીય કારણોસર તેમાં જે ઝડપ જોવા મળી છે તેવું અગાઉ ક્યારેય નથી થયું.
આપને જાણીને કદાચ નવાઈ લાગશે કે સપ્ટેમ્બર ૨૦૦૫માં હરિકેન કેટરિનાએ અમેરિકામાં વ્યાપક તબાહી ફેલાવી ત્યારે ગેસ સપ્લાય ખાસ્સો પ્રભાવિત થયો હતો અને ત્યારે તેની કિમત પણ ૩૦ ટકા વધી હતી, પરંતુ તે એક કુદરતી આપત્તિ હતી જ્યારે ઈરાન વોર મેન મેડ ડિઝાસ્ટર છે.
અમેરિકામાં એવરેજ ડ્રાઈવર મહિનાનું એકાદ હજાર માઈલ જેટલું ટ્રાવેલ કરે છે, તેવામાં ગેસના ભાવમાં જે વધારો થયો છે તે પ્રમાણે ગણીએ તો હાઈબ્રિડ કાર માટે મહિનાનું એવરેજ ફયુઅલ બિલ ૫૬ ડોલરથી વધીને ૭૨ ડોલર થયું છે, સામાન્ય કારને ચલાવવાનો ખર્ચો મહિને ૩૨ ડોલર જેટલો વધી ગયો છે જ્યારે ટ્રક ચલાવવાનો મહિનાનો એવરેજ ખર્ચો ૧૭૨ ડોલરથી વધીને ૨૧૯ ડોલર થયો છે.
હાલના દિવસોમાં ગેસની કિમતમાં જે વધારો થયો છે તેનાથી કોઈપણ સ્ટેટ બાકાત નથી રહી શક્યું, મોટાભાગના સ્ટેટ્સમાં તેની કિમત એવરેજ ૫૦ સેન્ટ્સ પ્રતિ ગેલન પહોંચી છે જ્યારે મેક્સિકો, એરિઝોના અને કોલોરાડોમાં ગેસના ભાવ એક ડોલર કે તેથી પણ વધારે વધ્યા છે. આ ઉપરાંત કેલિફોર્નિયામાં પણ ગેસની એવરેજ કિમત ૪.૫૯ ડોલરથી વધીને ૫.૫૩ ડોલર થઈ ગઈ છે.
(10:18 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
