<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th March 2026

ડોક્‍ટરે પત્‍ની સાથે મળી કામવાળી સાથે કર્યુ ‘ગંદુ કામ'

રક્ષક જ બન્‍યો ભક્ષકઃડોક્‍ટરે પાડોશમાં રહેતી ગરીબ યુવતીને પહેલા ઘરકામ માટે નોકરી પર રાખી અને બાદમાં તેના પર દુષ્‍કર્મ આચર્યું. એટલું જ નહીં, તે તેનો અશ્‍લીલ વીડિયો બનાવી ૧૪ મહિના સુધી બ્‍લેકમેલ કરીને તેની આબરુ લૂંટતો રહ્યો

મુઝફફરનગર,તા.૧૯: દેશમાં અવારનવાર બનતી દુષ્‍કર્મની ઘટનાઓ સામે આવી રહી છે. અમુક કિસ્‍સા તો એવા હોય છે જે સાંભળ્‍યા પછી અનેક સવાલો ઊભા થાય છે કે, શું દીકરીઓ ઘરમાં, નોકરી કરતી જગ્‍યાએ કે બહાર નીકળી વખતે પણ સુરક્ષિત છે ખરા? આ સવાલની વચ્‍ચે વધુ એક દુષ્‍કર્મની ઘટના સામે આવી છે, જે જાણીને તમે પણ ચોંકી જશો.

આ મામલો મુઝફફરનગરના મિમલાના રોડ વિસ્‍તારનો છે. અહીં રહેતા ડોક્‍ટર સુલેમાને ૨ વર્ષ પહેલા પાડોશની ૨૧ વર્ષીય યુવતીને ઘરકામ માટે નોકરી પર રાખી હતી. એક દિવસ યુવતીની તબિયત બગડતા ડોક્‍ટરે તેને સારવારના બહાને એનેસ્‍થેસિયાનું ઇન્‍જેક્‍શન આપી દીધું અને દુષ્‍કર્મ આચર્યું હતું. આ ઘટનાનો અશ્‍લીલ વીડિયો પણ બનાવ્‍યો હતો. ત્‍યારબાદ વીડિયો વાયરલ કરવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. યુવતીના જણાવ્‍યા અનુસાર, આરોપીએ ૧૪ મહિના સુધી તેનું યૌન શોષણ કર્યું હતું. હવે કાર્યવાહી ન થતા પીડિતાએ સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ કરીને આત્‍મહત્‍યાની ધમકી આપી છે. આ મામલે SSP સંજયકુમાર વર્માએ SP ક્રાઈમ ઇન્‍દુ સિદ્ધાર્થને તપાસ સોંપી છે.

પીડિતાના જણાવ્‍યા અનુસાર, ડોક્‍ટર સુલેમાને તેની મજબૂરીનો લાભ ઉઠાવી તેને ઘરકામ માટે રાખી હતી. એક દિવસ તબિયત બગડતા ડોક્‍ટરે સારવારના બહાને એનેસ્‍થેસિયાનું ઇન્‍જેક્‍શન આપ્‍યું અને દુષ્‍કર્મ આચર્યું હતું.

જ્‍યારે યુવતીને ભાન આવ્‍યું, ત્‍યારે તેણે ડોક્‍ટર અને તેની પત્‍નીનો વિરોધ કર્યો હતો. બંનેએ મોબાઈલમાં બનાવેલો અશ્‍લીલ વીડિયો બતાવી યુવતીને ચુપ રહેવા માટે મજબૂર કરી દીધી હતી. ત્‍યારબાદ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી ડોક્‍ટર સતત તેનું શોષણ કરતો રહ્યો.

પીડિતાએ હિમત કરીને પરિવારજનોને વાત કરી અને ૬ માર્ચે પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પીડિતાનો આરોપ છે કે, પોલીસે આરોપીને પકડીને થોડા કલાકોમાં જ છોડી દીધો હતો. ન્‍યાય ન મળતા યુવતીએ વીડિયો રેકોર્ડ કરી આત્‍મહત્‍યા કરવાની ચીમકી ઉચ્‍ચારી અને તેના માટે તંત્રને જવાબદાર ઠેરવ્‍યું છે. વીડિયો વાયરલ થતાં જ પોલીસ વિભાગમાં હડકંપ મચી ગયો અને SSPએ ગંભીરતા જોતા ટીમ બનાવી તપાસ શરૂ કરી છે.

આ કેસમાં માત્ર ડોક્‍ટર જ નહીં, તેની પત્‍ની આબિદા પર પણ યુવતીને ધમકાવવાનો ગંભીર આરોપ છે. હવે પોલીસ એ તપાસ કરી રહી છે કે આરોપીને પકડીને કઈ પરિસ્‍થિતિમાં છોડી દેવામાં આવ્‍યો હતો. SP ક્રાઈમની ટીમ વાયરલ વીડિયો અને પીડિતાના નિવેદનના આધારે પુરાવા એકઠા કરી રહી છે. મુઝફફરનગર પોલીસનું કહેવું છે કે, દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને પીડિતાને સુરક્ષા આપવામાં આવશે.

 

(10:20 AM IST)