<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th March 2026

દુલારચંદ હત્‍યા કેસમાં અનંત સિંહને હાઈકોર્ટે જામીન આપ્‍યા

બિહારના રાજકારણમાં ગરમાવો

પટણા, તા.૧૯: બિહારના રાજકારણના સૌથી ચર્ચિત બાહુબલી નેતા અનંત સિંહ ઉર્ફે છોટે સરકાર માટે કાનૂની લડાઈમાં મોટો વિજય થયો છે. દુલારચંદ યાદવ હત્‍યા કેસમાં પટણા હાઈકોર્ટે તેમને જામીન મંજૂર કરતા જેલમુક્‍તિનો માર્ગ મોકળો થયો છે. નોંધપાત્ર વાત એ છે કે, થોડા સમય પહેલા જ વિધાનસભામાં મતદાન કરવા આવેલા અનંત સિંહે હસતા મુખે મીડિયા સામે દાવો કર્યો હતો કે તેઓ એક-બે મહિનામાં બહાર આવશે. તેમની આ આત્‍મવિશ્વાસપૂર્ણ આગાહી આજે સાચી પડતા વિરોધીઓ સ્‍તબ્‍ધ છે અને સમર્થકોમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે. ૨૦૨૫ની વિધાનસભા ચૂંટણી દરમિયાન થયેલી દુલારચંદ યાદવની હત્‍યાના આરોપમાં અનંત સિંહ જેલમાં હતા, પરંતુ જેલના સળિયા તેમની લોકપ્રિયતા રોકી શકયા નથી. મોકામાની જનતાએ તેમને જેલમાં હોવા છતાં જંગી મતોથી વિજયી બનાવી વિધાનસભા મોકલ્‍યા હતા, જે આ વિસ્‍તારમાં સિંહ પરિવારના અતૂટ દબદબાને સાબિત કરે છે. હવે કોર્ટના આદેશ બાદ કાગળકામ પૂર્ણ થતા જ શુક્રવાર કે શનિવાર સુધીમાં તેઓ બેઉર જેલમાંથી મુક્‍ત થશે. તેમના સ્‍વાગત માટે મોકામાથી પટણા સુધી ભવ્‍ય કાફલાઓ અને વિજય ઉત્‍સવની તૈયારીઓ અત્‍યારથી જ શરૂ કરી દેવામાં આવી છે.

 

(4:01 PM IST)