<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th March 2026

કરાચીમાં ભયાનક વાવાઝોડાએ મચાવી તબાહીઃ ૨૧ના મોત

આખું શહેર અંધારપટમાં ડૂબ્‍યું: જનજીવન ખોરવાયું ૯૭ કિમીની ઝડપે ફૂંકાયેલા પવને પાકિસ્‍તાનને ધમરોળ્‍યું: દીવાલો ધરાશાયી થતા માસૂમ બાળકો સહિત અનેક લોકો કાટમાળ નીચે દબાયા

કરાચી, તા.૧૯: પાકિસ્‍તાનના કરાચી શહેરમાં આવેલા પ્રચંડ વાવાઝોડા અને મુશળધાર વરસાદે મોતનું તાંડવ મચાવ્‍યું છે. અંદાજે ૯૭ કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયેલા વિનાશક પવને જોતજોતામાં અનેક હસતા-રમતા પરિવારોને વિખેરી નાખ્‍યા, જેમાં અત્‍યાર સુધીમાં ૨૧ લોકોએ જીવ ગુમાવ્‍યા છે. સૌથી હૃદયદ્રાવક ઘટના બાલદિયા ટાઉનમાં બની હતી, જ્‍યાં વરસાદથી બચવા દીવાલના ઓથારે ઉભેલા ૧૩ કમનસીબ લોકો પર કાળમુખી દીવાલ તૂટી પડતા તેઓના કરુણ મોત નીપજ્‍યા હતા.

કુદરતી પ્રકોપની આ લપેટમાં માસૂમ બાળકો અને મહિલાઓ પણ બાકાત રહ્યા નથી. ગુલિસ્‍તાન-એ-જોહરમાં એક નિર્દોષ ચાર વર્ષની બાળકી અને નીલમ કોલોનીમાં ઝાડ પડવાથી એક મહિલાનું મોત થયું છે, જ્‍યારે કુરંગીમાં છત ધરાશાયી થતા અન્‍ય એક મહિલાએ દમ તોડ્‍યો હતો. જોરદાર પવનને કારણે શહેરભરમાં વીજળીના થાંભલા ઉખડી પડ્‍યા છે અને મેમન ગોથ વિસ્‍તારમાં વીજકરંટ લાગવાથી એક પુરુષનું મોત થતા ભયનો માહોલ વ્‍યાપી ગયો છે. હાલમાં અડધાથી વધુ કરાચી શહેર અંધારપટમાં ગરકાવ થઈ ગયું છે.

શહેરની સડકો પર ઉખડી ગયેલા વળક્ષો, તૂટેલા ર્હોડિંગ્‍સ અને ઉડી ગયેલા પતરાંનો કાટમાળ વિખરાયેલો પડ્‍યો છે, જેના કારણે ટ્રાફિક વ્‍યવસ્‍થા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે. રેસ્‍કયુ ૧૧૨૨ની ટીમો કાટમાળ નીચે ફસાયેલા લોકોને બહાર કાઢવા યુદ્ધના ધોરણે કામ કરી રહી છે, પરંતુ હજુ પણ અનેક લોકો ઘાયલ અવસ્‍થામાં હોસ્‍પિટલમાં સારવાર હેઠળ છે. હવામાન વિભાગે આગામી સમયમાં વધુ વરસાદની ચેતવણી આપતા વહીવટીતંત્રે નાગરિકોને ઘરમાં જ રહેવાની અને બિનજરૂરી બહાર ન નીકળવાની સખત તાકીદ કરી છે.

(3:59 PM IST)