News of Thursday, 19th March 2026
ડ્રોન ટેકનોલોજીમાં ભારત બનશે 'ગ્લોબલ સુપરપાવર': સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આપ્યું આહવાન, 'મિશન મોડ'માં કામ કરી દેશ બનશે વિશ્વનું કેન્દ્ર
વ્યૂહાત્મક સ્વાયત્તતા અને સંરક્ષણ તૈયારીઓ માટે સ્વદેશી ડ્રોન ઉત્પાદન અનિવાર્ય; MSMEs અને સ્ટાર્ટ-અપ્સ આધુનિક હથિયારોના ભવિષ્યને આપશે નવો આકાર - લોન્ચ થઈ ૧૪મી સ્ટાર્ટ-અપ ચેલેન્જ

નવી દિલ્હ: ભારત હવે માત્ર સંરક્ષણ ઉપકરણોનો ખરીદદાર નહીં, પણ ઉત્પાદક બનવા તરફ મક્કમ ડગ માંડી રહ્યું છે. નવી દિલ્હીમાં આયોજિત 'રાષ્ટ્રીય સંરક્ષણ ઉદ્યોગ પરિષદ'ને સંબોધતા સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે દેશના યુવા ઇનોવેટર્સ અને ઉદ્યોગ સાહસિકોને એક મોટું લક્ષ્ય આપ્યું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, વર્તમાન ભૂ-રાજકીય અનિશ્ચિતતાઓને જોતા ભારતે આગામી થોડા વર્ષોમાં સ્વદેશી ડ્રોન ઉત્પાદન માટેના વૈશ્વિક કેન્દ્ર (Global Hub) તરીકે ઉભરવું જ પડશે.
વ્યૂહાત્મક સ્વાયત્તતા પર ભાર
રાજનાથ સિંહે કહ્યું કે, દેશની સુરક્ષા અને સંરક્ષણ તૈયારીઓને મજબૂત કરવા માટે આપણે ડ્રોન ઉત્પાદન ઇકોસિસ્ટમ બનાવવાની તાત્કાલિક જરૂર છે. આનાથી ભારત અન્ય દેશો પરની નિર્ભરતા ઘટાડી શકશે અને 'વ્યૂહાત્મક સ્વાયત્તતા' પ્રાપ્ત કરશે. આ માટે સરકારે મિશન મોડમાં કામ કરવાનંઆ શરૂ કરી દીધું છે, જેથી સરહદોની સુરક્ષા વધુ સચોટ અને આધુનિક બની શકે.
MSMEs: સંરક્ષણ ઉત્પાદનનો મજબૂત સ્તંભ
સંરક્ષણ મંત્રીએ દેશના સૂક્ષ્મ-નાના અને મધ્યમ ઉદ્યોગો (MSMEs) ની પ્રશંસા કરતા કહ્યું કે, તેઓ સંરક્ષણ ક્ષેત્રના અસલી સ્તંભ છે. આજે ઘણા MSMEs અને સ્ટાર્ટ-અપ્સ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), ઓટોમેશન, રોબોટિક્સ અને અદ્યતન ટેકનોલોજી પર સક્રિયપણે કામ કરી રહ્યા છે. સરકાર આ ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા માટે કટિબદ્ધ છે જેથી યુવા પ્રતિભાઓ ભારતની સંરક્ષણ ક્ષમતાઓના ભવિષ્યને નવો વળાંક આપી શકે.
નવી પહેલ અને બજેટરી સહાય
આ કાર્યક્રમ દરમિયાન રાજનાથ સિંહે 'ડિફેન્સ ઇન્ડિયા સ્ટાર્ટ-અપ ચેલેન્જ' (DISC) ની ૧૪મી આવૃત્તિ અને 'ADITI ચેલેન્જ' ની ચોથી આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે, આ વર્ષના કેન્દ્રીય બજેટમાં MSMEs ને ઇક્વિટી, લિક્વિડિટી અને વ્યાવસાયિક સહાય પૂરી પાડવા માટે 'ત્રિ-સ્તરીય અભિગમ' રજૂ કરવામાં આવ્યો છે. આ પહેલો દ્વારા ભારત માત્ર આત્મનિર્ભર જ નહીં બને, પણ વિશ્વના અન્ય દેશોને પણ સંરક્ષણ ટેકનોલોજી પૂરી પાડતું થશે.
(6:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
