News of Thursday, 19th March 2026
HDFC બેંકમાં આંતરિક વિખવાદ: 'મૂલ્યો અને નીતિ' સાથે બાંધછોડ કરવાનો ચેરમેન અતનુ ચક્રવર્તીનો ઇનકાર, અચાનક રાજીનામું આપતા બેંકિંગ જગત સ્તબ્ધ
મે ૨૦૨૭ સુધીનો કાર્યકાળ હોવા છતાં પદ છોડ્યું; મર્જરના ફાયદા ન મળ્યા હોવાનો પણ પત્રમાં ઉલ્લેખ - અમેરિકી શેરબજારમાં HDFC ના શેર ૭% ગગડ્યા, કેકી મિસ્ત્રી બન્યા વચગાળાના ચેરમેન

મુંબઈ: ભારતની સૌથી મોટી ખાનગી બેંક HDFC માં વહીવટી સ્તરે ભૂકંપ સર્જાયો છે. બેંકના ચેરમેન અતનુ ચક્રવર્તીએ બુધવારે મોડી રાત્રે પોતાના પદ પરથી રાજીનામું આપીને સૌને ચોંકાવી દીધા છે. સામાન્ય રીતે કોર્પોરેટ જગતમાં રાજીનામા પાછળ વ્યક્તિગત કારણો આપવામાં આવતા હોય છે, પરંતુ ચક્રવર્તીએ તેમના પત્રમાં બેંકની 'નીતિશાસ્ત્ર અને પ્રથાઓ' (Ethics and Practices) પર સવાલ ઉઠાવીને વિવાદ છેડ્યો છે.
"મારા મૂલ્યો સાથે સુસંગત નથી"
અતનુ ચક્રવર્તીની નિમણૂક ૨૦૨૧ માં થઈ હતી અને તેમને ૨૦૨૭ સુધીનું એક્સટેન્શન પણ મળ્યું હતું. જોકે, તેમણે રાજીનામા પત્રમાં અત્યંત ગંભીર શબ્દોનો પ્રયોગ કરતા લખ્યું કે, "છેલ્લા બે વર્ષમાં બેંકની અંદર કેટલીક એવી ઘટનાઓ અને પદ્ધતિઓ મેં જોઈ છે, જે મારા વ્યક્તિગત મૂલ્યો અને નૈતિકતા સાથે મેળ ખાતી નથી." આ નિવેદને બેંકના આંતરિક વહીવટમાં કંઈક 'ગંભીર' ચાલી રહ્યું હોવાના સંકેત આપ્યા છે.
મર્જર બાદની અસરો અને શેરબજારમાં કડાકો
૧ જુલાઈ, ૨૦૨૩ ના રોજ HDFC લિમિટેડનું HDFC બેંકમાં ઐતિહાસિક મર્જર થયું હતું. ચક્રવર્તીએ પત્રમાં આ વ્યૂહાત્મક મર્જરનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, મર્જરના જે ફાયદા થવા જોઈતા હતા તે હજુ સુધી સંપૂર્ણપણે જોવા મળ્યા નથી. આ સમાચાર વાયુવેગે ફેલાતા જ રોકાણકારોમાં ફફડાટ ફેલાયો હતો, જેના પરિણામે અમેરિકામાં લિસ્ટેડ HDFC બેંકના શેરમાં ૭% નો તોતિંગ ઘટાડો નોંધાયો છે.
કેકી મિસ્ત્રી સંભાળશે કમાન
બેંકિંગ રેગ્યુલેટર RBI એ તાત્કાલિક અસરથી પરિસ્થિતિને સંભાળવા માટે કેકી મિસ્ત્રીની વચગાળાના ચેરમેન તરીકે નિમણૂકને મંજૂરી આપી દીધી છે. ૧૯ માર્ચથી મિસ્ત્રી કાર્યભાર સંભાળશે. કેકી મિસ્ત્રી બેંકિંગ ક્ષેત્રના અનુભવી દિગ્ગજ છે અને તેમની પાસે અત્યારે રોકાણકારોનો વિશ્વાસ જીતવાનો સૌથી મોટો પડકાર છે.
આ રાજીનામું ભારતીય બેંકિંગ ક્ષેત્રમાં 'કોર્પોરેટ ગવર્નન્સ' (Corporate Governance) ના મુદ્દા પર ફરી એકવાર નવી ચર્ચા જગાવશે તેવું નિષ્ણાતો માની રહ્યા છે.
(6:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
