<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th March 2026

મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધની દસ્તક: ઈરાનના સાઉથ પાર્સ ગેસ ફિલ્ડ પર હુમલા બાદ ટ્રમ્પની ઈઝરાયલને ગંભીર ચેતવણી : હવે ઇઝરાયલ-અમેરિકા વચ્ચે તું- તું મેં-મેં

ઈરાની ઉર્જા મથક પર ઈઝરાયલી એરસ્ટ્રાઈક બાદ ખતરનાક વળાંક: ઈરાને કતાર પર મિસાઈલો ઝીંકી વળતો પ્રહાર કર્યો, તો ટ્રમ્પે ઈરાનને જડમૂળથી ઉખેડી નાખવાની આપી ધમકી

વોશિંગ્ટન:  મધ્ય પૂર્વમાં ચાલી રહેલું સંઘર્ષ હવે તેના સૌથી વિનાશક તબક્કે પહોંચી ગયું છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના અત્યંત મહત્વપૂર્ણ 'સાઉથ પાર્સ' નેચરલ ગેસ ફિલ્ડ પર થયેલા હુમલા માટે ઈઝરાયલને જવાબદાર ઠેરવતા ખળભળાટ મચી ગયો છે. ટ્રમ્પે દાવો કર્યો છે કે આ ચોક્કસ હુમલા વિશે અમેરિકાને કોઈ જાણકારી નહોતી. બીજી તરફ, ઈઝરાયલી સૂત્રોએ અમેરિકાના આ દાવાને નકારી કાઢતા જણાવ્યું છે કે આ સમગ્ર ઓપરેશન અમેરિકા સાથેના સંકલનથી જ પાર પાડવામાં આવ્યું હતું. આ શબ્દયુદ્ધે વિશ્વના સૌથી સુરક્ષિત ગણાતા ઉર્જા ક્ષેત્રો પર જોખમ ઉભું કર્યું છે.

ઈઝરાયલના આ હુમલાના જવાબમાં ઈરાને બુધવારે મોડી રાત્રે કતારના 'રાસ લાફાન' ઇન્ડસ્ટ્રિયલ સિટી પર બેલિસ્ટિક મિસાઈલોનો મારો ચલાવ્યો હતો. ઈરાનનો તર્ક છે કે આ હુમલો તેમના ઉર્જા સંસાધનો પર થયેલા હુમલાનો બદલો છે. જોકે, ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર ઈરાનની આ કાર્યવાહીને 'બિનજરૂરી અને ભૂલભરેલી' ગણાવી છે. ટ્રમ્પના મતે કતાર આ વિવાદમાં ક્યાંય સામેલ નહોતું, છતાં ઈરાને તેને નિશાન બનાવીને મોટી ભૂલ કરી છે. આ વળતા પ્રહારોને કારણે વૈશ્વિક ગેસ બજારમાં પણ ભારે અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે.

રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઈરાનને અત્યાર સુધીની સૌથી કડક ચેતવણી આપતા કહ્યું છે કે જો ફરીવાર કતારની LNG સુવિધાઓ પર હુમલો થશે, તો અમેરિકા ઈઝરાયલની મદદ વગર જ સાઉથ પાર્સ ગેસ ફિલ્ડને સંપૂર્ણપણે નષ્ટ કરી દેશે. તેમણે સ્પષ્ટ કર્યું કે તેઓ મધ્ય પૂર્વમાં આટલી મોટી હિંસા નથી ઈચ્છતા, પરંતુ અમેરિકી હિતો અને મિત્ર દેશો પરના હુમલા સહન કરવામાં આવશે નહીં. હાલમાં સમગ્ર વિશ્વની નજર ઈરાનના આગામી પગલા પર છે, કારણ કે જો યુદ્ધ વધુ વકરશે તો તેની અસરો માત્ર મધ્ય પૂર્વ પૂરતી સીમિત નહીં રહે.

 

(6:49 PM IST)